Navsari Agricultural University
કેળની રોપણી કરતાં પહેલાં મે માસમાં જમીન ખેડી, દાંતી મારી, રાંપ ચલાવી, સમાર મારી જમીન સમતલ કરવી. ત્યારબાદ રોપણીના અંતરે એટલે ૧.૮ × ૧.૮ મીટર અંતરે (હે. ૩૦૬૮ ગાંઠો) ૩૦ × ૩૦ × ૩૦ સે.મી. ના ખાડા કરવા. ખાડા ૧પ દિવસ તપવા દેવા. ત્યારબાદ ખાડા દીઠ ૧૦ કિલો સારૂં કોહવાયેલું છાણિયું ખાતર માટીમાં મિશ્ર કરી ખાડા ભરી દેવા. ફળ સંશોધન કેન્દ્ર, ગણદેવી ખાતેથી થયેલ ભલામણ મુજબ કેળને ૧.૦ × ૧.ર × ર.૦ મી. ના જોડીયા હારમાં વાવેતર કરવાથી હેકટર દીઠ (૬રપ૦ છોડ) વધુ છોડ રાખી ઉત્પાદન વધારી શકાય છે.

રોપણી માટે પીલાની પસંદગી અને તેની માવજત :
--------------------------------------------

કેળની રોગમુકત વાડીમાંથી તંદુરસ્ત પીલા પસંદ કરવા. પીલા ખોદતી વખતે ગાંઠ ઉપર ઈજા ન થાય તેની કાળજી રાખવી. કેળની રોપણી માટે નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારીની સંશોધન આધારિત ભલામણ મુજબ પ૦૦ થી ૧પ૦૦ ગ્રામ વજનના તાજા પીલા વાપરવા, જો તાજા પીલા ન મળે તો વધુમાં વધુ ૧૦ દિવસ સુધીના આરામવાળા પીલા વાપરી શકાય. એથી વધુ આરામવાળા પીલા વાપરવાથી કેળના ઉગાવા, વૃધ્ધિ અને ઉત્પાદન ઉપર માઠી અસર થાય છે. તેમ છતાં કેટલીક વાર મહારાષ્ટ્રથી ગાંઠ લાવવામાં આવે ત્યારે આવી ગાંઠને છાંયામાં ઉભી ગોઠવી તેના પર પાણી છાંટતા રહેવું જેથી ગાંઠ ઉગી જશે આવા પીલા રોપવા. રોપતાં પહેલાં કેળના પીલાને ફૂગનાશક દવાની માવજત આપવી, જે માટે ૧૦૦ લીટર પાણીમાં ૧૦ ગ્રામ ઓરીયોફંજીન અથવા ર૦૦ ગ્રામ કેપ્ટાફોલ અથવા ૧૦૦ ગ્રામ કોર્બોન્ડાઝીમ દવા ઓગાળી તેમાં કેળના પીલાને દોઢ કલાક બોળી રાખ્યા બાદ રોપવા માટે ઉપયોગમાં લેવા. ટીસ્યુકલ્ચર છોડ રોપવા હોય તો તે માટે અગાઉથી જરૂરી છોડ નોંધાવી દેવા અને સારા તંદુરસ્ત હાર્ડનીંગ થયેલા ર૦ થી રપ સે.મી. ઉંચાઈના રોગમુકત છોડ રોપવા. કેળની રોપણી માટે અણીદાર પાનવાળા જુસ્સાદાર તલવાર પીલા પસંદ કરવા.

રોપણીનું અંતર :
------------------

નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી, કેન્દ્ર ખાતે થયેલ સંશોધનના આધારે કેળની રોપણી ૧.૮ × ૧.૮ મીટરના (૩૦૬૮ છોડ/હે) અંતરે કરવાની ભલામણ છે. હાલમાં ગણદેવી કેન્દ્ર ખાતે એકમ વિસ્તારમાં વધુ રોપા ઉગાડી વધુ ઉત્પાદન મેળવવા થયેલ સંશોધનના પરિણામને આધારે ૧.૦ × ૧.ર × ર.૦ મીટરે જોડિયા હારપધ્ધતિથી ત્રિકોણાકારે રોપણી કરવાથી હેકટરે ૬રપ૦ છોડની સંખ્યા મળતાં સરેરાશ ૮૭ ટન/હે. કેળાનું ઉત્પાદન મળેલ છે. એકંદરે ફળનું કદ અને લૂમનું વજન ઘટતું માલુમ પડેલ છે. હાલમાં ઘણા ખેડૂત મિત્રો જોડિયાહાર પધ્ધતિથી કેળની રોપણી કરે છે. આ પધ્ધતિમાં છોડની ગીચતાને કારણે નિંદણ નિયંત્રણ થવાથી ખેતી ખર્ચ ઘટે છે. તેમજ ટપક પધ્ધતિમાં લેટરલની સંખ્યા ઘટાડી શકાય છે. બે જોડી વચ્ચે શરૂઆતના તબકકામાં આંતરપાક સારી રીતે લઈ શકાય છે.

રોપણીનો સમય :
-------------------

કેળની રોપણી માટે ૧પ મી જૂનથી ૧પ મી ઓગસ્ટ સુધીનો સમય ઉત્તમ છે. તેમ છતાં હવે ટીસ્યુકલ્ચર પીલા ઉપલબ્ધ થતાં બજારભાવ મુજબ રોપણીનો સમય રાખી શકાય.

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.