Navsari Agricultural University
આંતરખેડ અને માટી ચઢાવવી :
-------------------------------

કેળના પાકને પાણીનો ભરાવો કે નબળો નિતાર બિલકુલ અનુકુળ નથી તેથી માટી સતત ભરભરી અને પોચી રાખવી ખાસ જરૂરી છે. દર ત્રણ થી ચાર પિયત પછી ગોડ કરવો ખાસ જરૂરી છે. ઉપરાંત ૧પ-ર૦ સે.મી. ઉંચાઈ સુધી થડમાં માટી ચઢાવવી. ઘણી વખત હારમાં જ માટીનો પાળો ચઢાવવામાં આવે છે અને પાણી બે હાર વચ્ચે જ આપવામાં આવે છે. જેથી પાળાથી થડને ટેકો મળી રહે અને પાણી પાવાની અનુકુળતા રહે છે. ચોમાસા બાદ માટી ચઢાવવી જોઈએ.

નિંદામણ :
--------------

કેળના પાકને નીંદણમુકત રાખવો ખાસ જરૂરી છે. નિંદામણ આંતરખેડ અને હાથથી દુર કરી શકાય છે. ઉપરાંત નિંદામણનાશક દવાથી પણ નિંદામણ કાબુમાં લઈ શકાય. જે માટે કેળ રોપી પિયત આપી ત્રણ થી ચાર દિવસ બાદ ડાયુરોન ૧ કિ.ગ્રા. ૬૦૦ લીટર પાણીમાં ઓગાળી હેકટર દીઠ છોડ બચાવી છંટકાવ કરવો જેનાથી ઉગતા નિંદામણ નાશ પામશે. કેળ રોપ્યા પછી ૭પ દિવસે ૬૦૦ લીટર પાણીમાં ગ્રામોક્ષોન ૩.૬ લીટર હેકટરે છંટકાવ કરવો. કેળને માટી ચઢાવ્યા બાદ ૩૦ દિવસે ફરીથી ઉપર મુજબ ગ્રામોક્ષોનનો છંટકાવ કરવાથી નિંદામણ કાબુમાં રહશે.

પીલા દુર કરવા :
------------------

મુખ્ય થડની બાજુમાંથી નીકળતા પીલા સતત દુર કરવા ખાસ જરૂરી છે. જે દાંતરડાથી કાપીને દુર કરી શકાય છે. કાપેલા પીલા ફરીથી ઉગે છે તેથી ૧૦-૧ર દિવસે તેને ફરીથી કાપવા પડે છે. જેથી મજુરી ખર્ચ વધુ આવે છે. કાપેલા પીલાને ફરી ઉગતા અટકાવવા માટે ગુજરાત કૃષિ યુનિવર્સિટી નવસારી ખાતે થયેલ સંશોધન ભલામણ મુજબ ૧ લીટર પાણીમાં ૬૦ ગ્રામ ર,૪-ડી (ફર્નોકઝોન-૮૦ ટકા સોડિયમ સોલ્ટ) નું દ્રાવણ બનાવી તેના ફકત ૩ થી પ ટીપાં કાપેલા પીલાના મધ્યમાં નાંખવાથી પીલા ફરીથી ઉગશે નહી. જો આ દ્રાવણનું પ્રમાણ વધારે પડશે તો મુખ્ય છોડના થડને અસર થશે જેનાથી થડ ફાટે છે અને છોડ નમી પડે છે. આ માવજત આપવામાં સરળતા રહે તે માટે દાતણની પીછી બનાવી તેને ફર્નોકઝોનના દ્રાવણમાં બોળી તરત જ કાપેલા પીલાના મધ્યભાગ પર અડાડી દેવાથી યોગ્ય પ્રમાણમાં દ્રાવણની માવજત મળી જાય છે.

અન્ય માવજત :
---------------------

૧) કેળના ખેતરની ફરતે પવન અવરોધક વાડ કરવી ખાસ જરૂરી છે. જે માટે ઝડપી વૃધ્ધિ કરતી શેવરી અનુકૂળ છે.

ર) કેળના છોડ પરથી નીચેના ભાગના રોગીષ્ટ પાન અવારનવાર કાઢતાં રહેવું અને તેને બાળી નાંખવા.

૩) કેળની લુમ પૂરેપૂરી નીકળી ગયા પછી નીચેનો લાલ રંગનો ડોડો કાપીને દૂર કરવો તથા કેળાની ટોચે રહેલો કાળો ભાગ દૂર કરવો જેથી ફળોના ફૂગજન્ય રોગો આવતા અટકાવી શકાય છે.

૪) લૂમને સૂર્યનો તડકો લાગતો હોય તો તેને કેળના બે પાન નમાવી ઢાંકેલી રાખવી.

પ) ચોમાસા દરમિયાન કેળના બગીચામાં પાણી ન ભરાય રહે તે માટે નિતાર નીક બનાવવી.

આવરણ :
-------------
મુખ્ય પાકના છોડની આજુબાજુ ખુલ્લી જમીનમાં ઢાંકવાની પ્રક્રિયાને આવરણ (મલ્ચીંગ) કહે છે. અને એ જમીનને ઢાંકવા માટે જેનો ઉપયોગ કરવામાં આવે છે તેને મલ્ચ કહેવામાં આવે છે.

આવરણથી થતા ફાયદા :
-----------------------

જમીનમાં ભેજ સંગ્રહ લાંબા સમય સુધી કરી શકાય.
પિયતની સંખ્યામાં ઘટાડો કરી શકાય.
ઉષ્ણતામાનનું નિયમન કરી શકાય.
નિંદામણને કાબુમાં રાખી શકાય.
જમીન જન્ય રોગો કાબુમાં લઈ શકાય છે. (સોઈલ સોલરાઝેશન).
ખેત પેદાશની ગુણવત્તામાં સુધારો થાય.
પાક ઉત્પાદન વધારી શકાય.
જમીનનું બંધારણ સાચવી શકાય.
જમીનના નીચલા પડના દ્રાવ્ય ક્ષારો ઉપર આવતા અટકાવી શકાય.
જમીનમાં ભેજનું પ્રમાણ જાળવી રાખવા માટે પરાળ, સૂંકુ ઘાસ, સૂકા પાંદડા, શેરડીની રાડ (પતારી), ઘંઉનું ભૂસું, સેન્દ્વિય ખાતર તથા ખેતીની વિવિધ આડ પેદાશો. હાલમાં પ્લાસ્ટીકનો પણ ઉપયોગ કરવામાં આવે છે.
આવરણનો ઉપયોગ ટપક પિયત પધ્ધતિમાં પણ કરી શકાય. તેની શકયતાઓ ચકાસવા માટે એક અખતરો નવસારી કેન્દ્ર ખાતે લેવામાં આવેલ તેના પરિણામો ખૂબ જ સારા આવેલ હતા. આમ આવરણ એ કેળના પાક ઉત્પાદન વધારવા અને અમૂલ્ય પાણીની બચત કરવા માટે અગત્યની તજજ્ઞતા છે. તેનો બહોળો ઉપયોગ કરવો જોઈએ.

લૂમનું સંરક્ષાણ :
--------------------

કેળ-ગ્રાન્ડ નૈન જાત ઉગાડતા ખેડુતોને કેળાની ઉંચી ગુણવત્તા,વધુ ઉત્પાદન અને વધુ વળતર મેળવવા માટે કેળાની લૂમ સંપૂર્ણ ખુલ્યા બાદ તેના પર જીબ્રેલીક એસિડ ૧૦૦ મીલી ગ્રામ પ્રતિ લીટરના દ્રાવણનો છંટકાવ કરી પ૦ માઈક્રોનની ભુરી પ્લાસ્ટીકની બાંય (બન્ને બાજુ ખુલ્લી) ચઢાવવાની ભલામણ કરવામાં આવે છે.

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.