Navsari Agricultural University


અશ્ર્વ માવજત:

અશ્ર્વએ ઘણું ચતુર અને ચબરાક પ્રાણી છે. અશ્ર્વ ઉછેર અને અશ્ર્વપાલન ૩૦૦૦ વર્ષ પહેલા શરુ થયેલ છે. અશ્ર્વનો ઉપયોગ મિલિટરીમાં, ખેતીવાડીમાં ટ્રાન્સપોટમાં, રમત ગમતમાં તથા માંગલિકપ્રસંગોમાં બહોળા પ્રમાણમાં થાય છે. અશ્ર્વ એ ખુબ વફાદાર પ્રાણી છે. પ્રાચીન સમયમાં યુધ્દ્રોની હાર-જીતનો આધાર જે તે રાજયોના અશ્ર્વદળ ઉપર રહેતો.અત્યારના આધુનિક જમાનામાં પણ અશ્ર્વોનુ ઘણું મહત્વ છે.

ગાભણ-માદા પશુમાં પોષણ:

ગાભણ-માદા પશુને સવારે ખોરાક આપ્યા બાદ ચરિયાણમાં ચરવા માટે તેમજ કસરત માતે છુટાં મુકવા જોઇએ. તાજા હવા અને કસરત ગાભણ-માદાં પશુ માટે ખુબ જ અગત્યનાં છે. કસરત થી પેટ ચરબીથી મોટું થતું અટકે છે અને લોહીના પરીભ્રમણમાં ઓકસીજનનું વહન પણ સારી રીતે થાય છે. છેલ્લા માસમાં માદા પશુને વિયાજણ માટેના વિશાળ તબેલામાં રાખવું જોઇએ અને તબેલો એવી જગ્યાએ હોવો જોઇએ કે જેથી પશુને ખલેલ પહોંચાડ્યા વગર તેનું નિરીશણ થઇ શકે. તબેલો સાફ અને શુધ્દ્ર રાખવો જોઇએ. પંદર હાથ ઊંચાઇના અશ્ર્વ માટે ૧૧.૫ કિલો ખોરાક આપવો જોઇએ અને તેનાથી વધુ કે ઓછી ઊંચાઇ ધરાવતા અશ્ર્વ માટે દરેક પાંચ સે.મી. ની ઊંચાઇ વધ કે ઘટ માટે એક કિલો ખોરાક વઘારવો કે ઘટાડવો જોઇએ. ગાભણ માદા પશુને ૭-૮ કિલો સુકો ચારો ૧૦-૧૨ કિલો રજકો આપવો જોઇએ. ૧.૫ કિલો ચણા-જવ તથા ૧ કિલો ઘઉંનું ભૂસું ચંદી તરીકે આપવું જોઇએ. મીનરલ મીકચર ૬૦ ગ્રામ તથા મીઠું ૫૦ ગ્રામ દરરોજ આપવું જોઇએ. વિયાજણના છેલ્લા ૧૫ દિવસ માદા પશુની કાળજી વધુ લેવી જોઇએ. તેને પૂરતી જગ્યાવાળા તબેલામાં રાખવાથી આજુબાજુ પુરતી રીતે હલન ચલન કરી શકે તેવી ગોઠવણ કરવી જોઇએ. ભોંયતળિયામાં ઘાસની પથારી રાખવી જોઇએ.આ દિવસો દરમ્યાન ચંદીમાં અનાજ, ચણા,જવનું પ્રમાણ ઘટાડવું જોઇએ. જેથી કબજીયાત થાય નહીં. છેલ્લા પંદર દિવસ દરમ્યાન માદા પશુનું અવારનવાર નિરીશણ કરતું રહેવું જોઇએ.

પ્રસૂતિ બાદ પોષણ:

ગાભણનો ગાળો ઘોડીમાં ૩૩૫ થી ૩૩૪ દિવસ હોય છે. વિયાજણના સમય વખતે ઘોડીને શાંત વિસ્તારમાં તબેલો હોય તેમાં રાખવી જોઇએ. ધમાલ-ઘોંઘાટ બિલકુલ ન થવાં જોઇએ, નહિંતર ઘોડીનો વિયાવાનો સમય લંબાય છે. તબેલો સાફ અને શુધ્દ્ર કરેલ હોવો જોઇએ. છેલ્લા સમયમાં ગાભણ ઘોડીના આઊનો વધુ વિકાસ થાય છે. જયારે આંચળમાંથી વેસેલીન જેવો પદાર્થ બહાર આવે છે અને પચી દૂધનાં ટીપાં પડવાં શરુ થાય છે જે વિયાજણ પ્રક્રિયા શરુ થવાની નિશાની છે. વિયાજણ વખતે ઘોડીને વિયાણા પહેલાં અડધી બાલદી નવશેકું પાણી પીવડાવવું જોઇએ અને વિયાજ્ણ પછી ઘોડી ઊભી થાય ત્યારે ફરીથી અડધી બાલદી નવશેકું પાણી પીવડાવવું જોઇએ. આ વખતે પ્રથમ ખોરાક ભુસા જેવો હળવો આપવો ત્યારબાદ જવ અને ભુસું આપવું જોઇએ.વિયાજ્ણ બા એકાદ બે કલાક્માં જર પડી જાય છે. જો તેમ ન થાય તો સારવાર કરાવવી જોઇએ .જો બધું બરાબર પાર પડે તો ચાર કે પાંચ દિવસ બાદ ઘોડીને ચરિયાણ કિલો માટે છોડી શકાય છે. ઘોડીને વિયાજ્ણ બાદ ફોલીંગ મીક્ષ્ચર આપવું જોઇએ.

ફોલીંગ મીક્ષ્ચર:

બાજરો ...............................૨૦ કિલો
ગોળ ..................................૧૦ કિલો
અસેરીયા .............................૧ કિલો
સૂંઠ .....................................૦॥ કિલો
અજમા ................................૦| કિલો
કાળી-જીરી ...........................૦| કિલો
સુવા-દાણા ...........................૦॥ કિલો

વિયાજણ બાદના પ્રથમ દિવસથી કુલ દસ દિવસ સુધી-દસ સરખા ભાગ કરી –એક ભાગ દરરોજ આપવામાં આવે છે.

બચ્ચાંમાં પોષણ:

ઘોડીના વિયાજણ બાદ બચ્ચાંને મોઢાં ઉપર જો જરનું આવરણ હોય તો તરત જ દૂર કરવું જોઇએ. અન્યથા શ્વાસ રુધાવાને લીધે બચ્ચાનું મૃત્યુ થવા સંભવ રહે છે. બચ્ચું અડધી કલાકમાં પોતાના પગ પર ઊભું થઇ જાય છે. બચ્ચાંને ખીરું જન્મ બાદ બે કલાકની અંદર આપવું જોઇએ. જેનાથી બચ્ચાંને રોગ પ્રતિકારકશકતિ મળે છે. ત્રણ માસ દરમ્યાન બચ્ચાંને માતાની સાથે જ તબેલામાં છુટું રાખવામાં આવે છે. અને તેને પૂરતા પ્રમાણમાં માતાનું દૂધ મળી રહે છે. નાના બચ્ચાંને ચેપ તુરત જલાગતો હોવાથી તબેલો ચોખ્ખો અને શુધ્દ્ર રાખવો જોઇએ. બચ્ચું જન્મ બાદ પ્રથમ વખત કાળાશ પડતો બગાડ મળ દ્રારમાંથી કાઢશે જેને મ્યુકોનીયમ કહેવાય છે. આ તેની ગર્ભાવસ્થા દરમ્યાન ભેગો થયેલો મળ-પદાર્થ હોય છે. ઘોડીનું ખીરું કુદરતી રેચક પદાર્થ છે. છતાંય બચ્ચાંને જરાપણ પેટનો દુખાવો થાય તો એકાદ ચમચો લિક્વીડ પેરફીન અથવા એરંડિયું આપવું જોઇએ. બચ્ચું માતાથી ચાર થી છ માસે જુદું પાડવામાં આવે છે. આ વખતે માતા અને બચ્ચાં બંને તરફ્થી વિરોધ થશે અને ઘણી વખત તોફાન કરે તો ઇજા પણ થવા સંભવ રહે છે. માતાથી છૂટા પડેલા બચ્ચાંને પૂરતી જગ્યાવાળા તબેલામાં રાખવુ જોઇએ.
� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.