સારી નિતાર શકિત ધરાવતી, મધ્યમ કાળી તેમજ ગોરાળુ અને ઉંડી જમીન માફક આવે છે. શેરડીનું સારું ઉત્પાદન મેળવવા માટે જમીનમાં તળપાણીની સપાટી ૧.૦ મીટરથી નીચે હોવી જોઈએ. શેરડીનું ભારે કાળી જમીનમાં વાવેતર કરવું હોય તો નિતારની સારી વ્યવસ્થા કરી પિયતનું નિયમન કરવામાં આવે તો આવી જમીનમાં પણ સફળતાપૂર્વક શેરડીનો પાક લઈ શકાય છે.
શેરડીનાં પાકને સારા નિતારવાળી મધ્યમ કાળી અને ગોરાડું જમીન ખૂબ જ માફ્ટ આવે છે. દક્ષિણ ગુજરાતની મધ્યથી ભારે કાળી જમીનમાં જ્યારે શેરડીનો પાક લેવાનો હોય ત્યારે સબ સોઈલિંગ અને ટ્રેક્ટર વડે વારંવાર ખેડ કરી સખત પડને તોડવું જરૂરી બને છે. ત્યાર બાદ ઊંડી રીઝર વડે યોગ્ય રોપણી મુજબનાં અંતર સાથે નીકો અને પાળા બનાવવા. સાથે સાથે ૧૦ થી ૧૫ મીટરના અંતરે પિયત માટે ઢાળિયા બનાવવા.