સુધારેલ જાતો કોઇપણ પાક્માં ઉત્પાદક્તા સુધારવામાં અગત્યનો ભાગ ભજવે છે. દુનિયામાં શેરડીમાં થતા ઘણા અભ્યાસોના તારણ પરથી જોવા મળેલ છે કે ૪૦ % થી ૫૦ % ઉત્પાદકતા વધારવામાં જાતોનો ફાળો અગત્યનો છે. ઉત્તર પ્રદેશમાં સને ૨૦૧૭-૧૮ ના વર્ષમાં શેરડીની સુધારેલ જાત સીઓ - ૨૩૮ નું વાવેતર કરવાથી ઉત્પાદનમાં વધારો તથા સુગર રીકવરીમાં ૧% વધારો મળતા ૬૦% જેટલા વિસ્તારમાં બદલાતા વાતાવરણમાં પણ ખાંડ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો જોવા મળેલ (ડો. બક્ષીરામ અને અન્ય, ૨૦૧૬).
શેરડીની જાતોની પસંદગીમાં વધુ ઉત્પાદનની સાથે સારી રીકવરી, રોગ-જીવાત સામે ટકી રહેવાની શકિત, પાકની પાછલી અવસ્થામાં ફૂલ ન આવવા, દુષ્કાળ સામે ટકી શકે તેવી, ઢળી પડતી ન હોય તેવી, લામ પાક માટે અનુકૂળ અને ખેતરમાં લાંબા સમય માટે ટકી રહે તે ખાસ જરૂરી છે. દક્ષિણ ગુજરાત વિસ્તાર માટેની અનુકુળ જાતો નીચે દર્શાવ્યા છે. આ ઉપરાંત સુગર ફેકટરીના સભાસદોમાં કો.એમ. ૦ર૬પ, કો. ૯૯૦૦૪, કો. ૦૯૦૦૪, કો. ૦૨૩૮ તથા ક્લોન ૯૮૫૧૧૭ વગેરે જાતોની પસંદગી કરવામાં આવે છે. આઇ.સી.એ.આર.-એસબીઆઇ (ICAR-SBI) દ્વારા પેનીનસ્યુલર ઝોન માટે બહાર પાડવામાં આવેલી પ્રચલિત જાતો Co 86032, Co 09004, Co 99004, Co 0218, Co 06030, Co 0403, CoM 0265, Co 99006, Co 10026, Co 11015, VSI 8005 (VSI 12121) તથા નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા બહાર પાડેલ સુગર ફેકટરી માન્ય પ્રચલિત જાતો CoN 05071, CoN 05072, CoN 07072, CoN 13073, CoN 13072 જેવી જાતો છે.