Navsari Agricultural University

મોલો-મશી:

મોલો-મશી:
--------

આછા પીળાશ પડતા રંગની લંબગોળ આકારની મોલો તેના બચ્ચાં અને પુખ્ત અવસ્થાએ છોડની કુમળી ડૂંખો પર અને પાનની નીચે રહી પાનમાંથી રસ ચૂસિને નુકસાન કરે છે. મોલોના શરીરના પાછળના ભાગ ઉપર બે નળી (કોર્નીકલ્સ) હોય છે. મોલોના શરીરમાંથી સતત ચીકણો રસ ઝરે છે. જે પાન ઉપર પડતાં તેના ઉપર કાળી ફૂગ ઉગી નીકળે છે. જેથી છોડની પ્રકાશસંશ્વલેષણની ક્રિયા અવરોધાય છે. વધુ ઉપદ્રવને પરીણામે છોડ ઉપરના પાન નીચેની તરફ કોકડાઇ જાય છે. વાદળછાયા વાતાવરણનાં દિવસોમાં હવામાં ભેજનું પ્રમાણ ૮૦ ટકાથી વધુ રહેવાના કારણે મોલોનો ઉપદ્રવ એકદમ વધી જાય છે.


તડતડિયાં:

તડતડિયાં:
-------

બચ્ચાં નાના, આછા પીળા રંગના અને પાંખ વગરના જયારે પુખ્ત કીટક ફાચર આકારના અને રંગે આછા લીલા રંગના હોય છે. બચ્ચાં અને પુખ્ત ત્રાંસા ચાલે છે. આ જીવાતના બચ્ચાં તથા પુખ્ત પાન તથા છોડના કુમળા ભાગોમાંથી રસ ચૂસે છે. પરીણામે પાનની ધારો પીળી પડી જઇ અંદરની તરફ કોકડાઇ જાય છે. જેથી પાન કોડીયા જેવા દેખાય છે. વરસાદનું પ્રમાણ ધટતુ જાય તેમ તેનો ઉપદ્રવ વધારે જોવા મળે છે. તડતડિયાંનો ઉપદ્રવ જુલાઇ માસથી શરૂ થઇ ઓક્ટોમ્બર- ડિસેમ્બર સુધી જોવા મળે છે.


થ્રિપ્સ:

થ્રિપ્સ:
-----

આ જીવાત ખૂબ જ બારીક, ચપળ અને પીળાશ પડતા કાળા રંગની હોય છે. વિશિષ્ટ પ્રકારનાં મુખાંગો ધ્વારા પાન ઉપર ધસરકા પાડીને તેમાંથી રસ ચૂસે છે. પરીણામે પાન ઉપર સફેદ પટ્ટીઓ પડી જાય છે. ચોમાસામાં લાંબા સમય સુધી વરસાદ ન થાય અથવા પિયતનો ગાળો લંબાય તો થ્રિપ્સનો ઉપદ્રવ વધે છે. જુલાઇ અને ઓક્ટોમ્બર માસમાં ઉપદ્રવ વધુ જોવા મળે છે.


સફેદમાખી:

સફેદમાખી:
-------
આ કીટકના બચ્ચાં પીળા રંગના, લંબગોળ, ભીંગડા જેવા ચપટા અને શરીરની કિનારી પર રૂવાંટી હોય છે. થોડો સમય આમતેમ ફર્યા પછી યોગ્ય જગ્યા પસંદ કરી, ત્યાંજ સ્થિર રહી પાનમાંથી રસ ચૂસે છે. દૂધિયા સફેદ રંગની પાંખોવાળી સફેદમાખી પણ પાનની નીચેની બાજુએ રહી રસ ચૂસિને નુકસાન કરે છે. જેનું શરીર પીળાશ પડતા રંગનુ અને એકાદ મી.મી. જેટલુ લાંબુ હોય છે. તેના ઉપદ્રવથી પાન પર પીળાશ પડતા ધાબા પડે છે અને રૂ હલકી ગુણવત્તાવાળુ થાય છે.


પાન કથીરી:

પાન કથીરી:
---------

આ જીવાત કીટક સિવાયની જાતનું પ્રાણી છે. આ જીવાત નાના કદની ગોળ અને લાલ રંગની હોય છે. બચ્ચાં અને પુખ્ત પાનની નીચેની સપાટી પર રહી પાનમાંથી રસ ચૂસે છે. જેના કારણે પાન પર સફેદ ડાધ જોવા મળે છે. પાનની નીચે કરોળીયાનાં જાળાં જેવો દેખાવ બને છે તેથી પાન પર સફેદ રૂવાંટી જેવું દેખાય છે. પાન ફીકકા પડી જાય છે અને છોડનો વિકાસ અટકે છે. આ જીવાતનો ઉપદ્રવ નવેમ્બર માસથી વીણી શરૂ થાય ત્યાં સુધી રહે છે. આ જીવાતના નુકસાનને ‘પિત્તળિયો’ પણ કહે છે. વધુ ઉપદ્રવ હોય તો જીંડવા પણ ખરી પડે છે.


ચીક્ટો (મિલીબગ):

ચીક્ટો (મિલીબગ):
--------------

લંબગોળાકાર, લીલા અથવા કાળા રંગના શરીર પર મીણનું આવરણ ધરાવે છે. શરીર ઉપર ટૂંકા અને મધ્યમ લંબાઇના મીણનાં તાંતણા હોય છે. પૃષ્ઠ બાજુએ શરીરના મધ્ય ભાગે કાળા ટપકાં હોય છે. માદામાં ઉદરની અધર બાજુએ શરીરના છેડે રૂ જેવા તાંતણાની બનેલી કોથળી હોય છે, જેમાં ઇંડાં ભરેલા હોય છે. બચ્ચાં અને માદા કુમળા પાન, ડૂંખ, પર્ણદંડ, કળી, ફૂલ, વિકસતા જીંડવા અને થડ ઉપર ચોંટી રહીને રસ ચૂસે છે. પાન વાંકાચૂકા અને બેડોળ થઇ વૃધ્ધિ અટકે છે. ઉપદ્રવિત પાન પીળા પડી સુકાઇ જઇ ખરી પડે છે. જીવાત ચીકણું મધ જેવું પ્રવાહી બહાર કાઢે છે. જે છોડના વિવિધ ભાગો પર પડતાં કાળી ફૂગનો ઉગાવો થાય છે અને પ્રકાશસંશ્વલેષણની પ્રક્રિયા ખોરવાય છે.


રાતા ચૂસિયાં:

રાતા ચૂસિયાં:
----------

બચ્ચાં રતાશ પડતા નારંગી રંગના હોય છે. જ્યારે પુખ્ત લંબગોળ અને રાતા રંગના હોય છે. જેના ઉદર ઉપર સફેદ રંગની પટ્ટી જોવા મળે છે. આગળની પાંખ અને સૂંઢ કાળી હોય છે. પુખ્ત અને બચ્ચાં પાન અને લીલા જીંડવામાંથી રસ ચૂસે છે. તેની હગાર અને શરીરમાંથી ઝરતાં પ્રવાહીથી જીવાણું અને ફૂગની ઉત્પતિ થવાથી રૂની ગુણવત્તા બગડે છે.

રૂપલાં:
-------

આછા ભૂખરા રંગનું શરીર અને મેલા સફેદ રંગની પારદર્શક પાંખો ધરાવે છે. આગળની પાંખો ઉપર કાળા ટપકાં હોય છે. બચ્ચાં અને પુખ્ત કપાસના બીજમાંથી રસ ચૂસે છે. જેથી બીજનો વિકાસ અટકી જાય છે અને વજન ઘટે છે. વધુ ઉપદ્રવથી જીનીંગમાં મુશ્કેલી પડે છે અને રૂની ગુણવતા બગાડે છે.
જીંડવામાંથી રસ ચૂસનાર ફૂદાં: ફળ ચૂસનાર ફૂદાં કેટલીકવાર કપાસના વિકસતા જીંડવામાંથી રસ ચૂસીને નુકસાન કરતા હોય છે. રસ ચૂસતી વખતે પડેલ કાણાં મારફતે ફૂગ અને જીવાણું જીંડવામાં દાખલ થવાથી કહોવાણ શરુ થઇ જતું હોય છે.

સંકલિત વ્યવસ્થાપન:
----------------

o કપાસના બિયારણને વાવતા પહેલા એક કિલો બિયારણ દીઠ ૭.૫ ગ્રામ ઇમીડાકલોપ્રીડ ૭૦ ટકા ડબલ્યુએસ અથવા ૨.૮ ગ્રામ થાયોમિથાકઝામ ૭૦ ટકા ડબલ્યુએસ પ્રમાણેની માવજત આપી વાવેતર કરવાથી પાકની શરૂઆતની અવસ્થામાં નુકસાન કરતી ચૂસિયાં પ્રકારની જીવાતો (મોલો, તડતડીયાં, થ્રિપ્સ અને સફેદમાખી) સામે ૪૦ થી ૫૦ દિવસ સુધી રક્ષણ મળે છે. સામાન્ય રીતે સરકારમાન્ય બીટી બિયારણને યોગ્ય જંતુનાશક દવાનો પટ આપેલો હોય છે.
o શેઢા-પાળા પર ઉગતા નિંદામણ તેમજ અન્ય છોડ ખાસ કરીને ગાડર, કાંસકી, જંગલી ભીડી, કોંગ્રેસ ઘાસ વિગેરે ઉપર ચીક્ટો જીવન પ્રસાર કરતી હોય છે. તેથી આ પ્રકારના છોડનો સદંતર નાશ કરવો.
o ચીક્ટો ઉપદ્રવિત નિંદામણ કે પાકના છોડને ઉપાડ્યા પછી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જવા નહીં તેમજ નહેરનાં વહેતા પાણીમાં પણ નાખવા નહીં. ઉદ્રવિત નિંદામણનો તેજ જગ્યાએ બાળીને નાશ કરવો.
o વાવણી માટે જમીનની તૈયારી સમયે કીડીઓની વસાહતોનો નાશ કરવો.
o ચીક્ટો ઉપદ્રવિત વિસ્તારમાં વાવણી પહેલા જમીનમાં ક્વિનાલફોસ ૧.૫ ટકા ભૂકી હેક્ટરે ૨૦-૨૫ કીલો પ્રમાણે જમીનમાં નાખી ખેડ કરવી અથવા હેક્ટરે ૨ લિટર કલોરોપાયરીફોસ ૨૦ ઇસી દવા પિયત વખતે ટીપે ટીપે આપવી.
o કપાસનાં ખેતરની ચારે તરફ ક્વિનાલફોસ ૧.૫ ટકા ભૂકીનો જમીન પર એક મીટર પહોળો પટ્ટો બનાવવાથી બાજુની વાડ અથવા ખેતરમાંથી આવતા મિલીબગનો નાશ થાય છે.
o ખેતરમાં કીડીઓના દર શોધી કાઢી તેમાં ૧૦ લિટર પાણીમાં ૨૫ મિ.લિ. કલોરોપાયરીફોસ ૨૦ ઇસી દવા ભેળવીને બનાવેલ પ્રવાહી મિશ્રણ રેડીને કીડીઓની વસાહતોનો નાશ કરવો. જરૂર પડે તો આ પ્રકારની માવજત પાકની અવધિ દરમ્યાન ૨ થી ૩ વખત આપવી.
o પાકમાં ચીક્ટાનાં ઉપદ્રવની શરૂઆત થાય ત્યારે વધુ ઉપદ્રવિત છોડને ઉપાડીને, જમીન ઉપર ન પડે તે રીતે કોથળામાં નાખી, ખેતરની બહાર લઇ જઇ, તાત્કાલીક બાળી નાખવા.
o ખેત ઓજારો જેવા કે હળલાકડા, કરબ, ટ્રેકટર વગેરેને ચીક્ટો ઉપદ્રવિત ખેતરમાં ઉપયોગ કર્યા પછી તંદુરસ્ત ખેતરમાં ખેડ કરવા જતા પહેલાં પાણીનાં ફુવારાથી બરાબર સાફ કરીને અથવા કીટનાશી દવાનો છંટકાવ કરી ઉપયોગ કરવો.
o કપાસના પાકમાં મિલીબગ ઉપર એનાસિયસ બમ્બાવાલે નામની ભમરીઓ ૪૦ થી ૭૦ ટકા પરજીવીકરણ કરે છે. ક્રિપ્ટોલેમસ મોન્ટ્રુઝીરી અને બ્રુમસ સુચુરાલીસ નામના પરભક્ષી ઢાલીયા મિલીબગને ખાય છે. આવા કુદરતી નિયંત્રકોની હાજરી હોય ત્યારે ઝેરી કીટનાશી દવાનો છંટકાવ કરવાનું ટાળવું અને લીમડા આધારીત દવાનો ઉપયોગ કરવો.
o ખેતરમાં ઉભા પાકમાં નિયમિત રીતે નિરીક્ષણ કરતા રહેવુ. જો શરૂઆતમાં છુટા છવાયા છોડ પર ચીક્ટાનો ઉપદ્રવ જણાય તો તેવા છોડ પર લીંબોળીનું તેલ ૪૦ મિ.લિ. અથવા લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડા આધારીત જંતુનાશક દવા ૨૦ મિ.લિ. (૧ ઇસી) થી ૪૦ મિ.લિ. (૦.૧૫ ઇસી) ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. આ પ્રમાણે કરવાથી મિલીબગના પરજીવીઓ અને પરભક્ષીઓની વસ્તી જળવાય રહે.
o હવામાં ભેજનું પ્રમાણ વધારે હોય ત્યારે વર્ટીસીલીયમ લેકાની નામની રોગપ્રેરક ફુગ ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી સાંજના સમયે છંટકાવ કરવો.
o પાકમાં ચીક્ટાનો ઉપદ્રવ વધારે જણાય ત્યારે ૧૦ લિટર પાણીમાં પ્રોફેનોફોસ ૫૦ ઇસી ૧૦ મિ.લિ. અથવા કાર્બારીલ ૫૦% વેપા ૪૦ ગ્રામ અથવા ટ્રાઇઝોફોસ ૪૦ ઇસી ૨૫ મિ.લિ. અથવા મિથાઇલ-ઓ-ડેમેટોન ૨૫ ઇસી ૨૦ મિ.લિ. અથવા ક્વિનાલફોસ ૨૦ ઇસી ૨૦ મિ.લિ. અથવા એસીફેટ ૭૫ એસપી ૨૦ ગ્રામ અથવા ક્લોરપાયરીફોસ ૨૦ ઇસી ૨૦ મિ.લિ. અથવા થાયોડીકાર્બ ૭૫% વેપા ૧૫ ગ્રામ અથવા બુપ્રોફેઝીન ૨૫ ઇસી ૨૦ મિ.લિ. લેખે ભેળવી જરૂરીયાત પ્રમાણે ૨-૩ છંટાકાવ કરવા. દવાના દર ૧૦ લિટર પ્રવાહી મિશ્રણમાં કપડા ધોવાનો પાવડર ૧૦ ગ્રામ લેખે ઉમેરવાથી વધુ અસરકારક પરિણામ મળે છે. દરેક છંટકાવ વખતે દવા બદલવી અને છોડ દવાથી પુરે પુરો ભીંજાય તેની કાળજી લેવી.
o ચીક્ટો અસર-ગ્રસ્ત ખેતરમાં ઘેટા-બકરા કે અન્ય ઢોરને ચરવા માટે દાખલ થવા દેવા નહીં.
o ચીક્ટો અસરગ્રસ્ત પાકની કરાંઠીઓને એકઠી કરીને ખેતરમાં જ બાળી નાખી નાશ કરવો.
o કરાંઠીઓનો બળતણ તરીકે ઉપયોગ કરવો હોય તો ચીક્ટો ઉપદ્રવિત કપાસની કરાંઠીઓને ખેતરથી દૂર ઢગલો કરવો અને તે ઢગલાની ફરતે ક્વિનાલફોસ ૧.૫ ટકા ભુકીનો છંટકાવ કરવો.
o ચૂસિયાં પ્રકારની જીવાતોના નિયંત્રણ માટે નીચે પ્રમાણેની દવાઓનો છંટકાવ કરવો.
 સફેદમાખી/ તડતડિયાં/ મોલો/ થ્રિપ્સ/ પાનકથીરીનાં ઉપદ્રવ વખતે લીંબોળીની મીંજ ૫૦૦ ગ્રામ (અર્ક) અથવા લીંબોળીનું તેલ ૫૦ મિ.લિ. અથવા લીમડા આધારિત દવાઓ (ગ્રોનીમ/ નિમાઝાલ/ અચૂક/નીમાર્ક/વેનગાર્ડ/એઝાડેક્ષ) ૨૦ મિ.લિ. (૧ ઇસી) થી ૪૦ મિ.લિ. (૦.૧૫ ઇસી) ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
 સફેદમાખી અને થ્રિપ્સનો ઉપદ્રવ વધારે જણાય તો એસીફેટ ૭૫ એસપી ૧૦ ગ્રામ અથવા ટ્રાઇઝોફોસ ૪૦ ઇસી ૨૫ મિ.લિ. અથવા એસીટામીપ્રીડ ૨૦ એસપી ૩ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીના પ્રમાણમાં છંટકાવ કરવો.
 મોલો અને તડતડિયાંના ઉપદ્રવની તીવ્રતા વધતી જણાય અને ક્ષમ્યમાત્રા વટાવે ત્યારે મોનોક્રોટોફોસ ૩૬ એસએલ ૧૦ મિ.લિ., ડાયમિથોએટ ૩૦ ઇસી ૧૦ મિ.લિ., મિથાઇલ-ઓ-ડીમેટોન ૨૫ ઇસી ૧૦ મિ.લિ., ઇમીડાકલોપ્રીડ ૧૭.૮ એસએલ ૪ મિ.લિ., થાયામેથોકઝામ ૨૫ ડબલ્યુજી ૩ ગ્રામ પૈકી કોઇ પણ એક દવા ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.
 ડાયકોફોલ ૧૮.૫ ઇસી ૨૦ મિ.લિ., ઇથીઓન ૫૦ ઇસી ૧૦ મિ.લિ, ડાયફેન્થુરોન ૫૦ એસસી ૧૦ મિ.લિ, ફેનાઝાક્વિન ૧૦ ઇસી ૧૦ મિ.લિ., સલ્ફર ૫૦% વેપા ૨૫ ગ્રામ પૈકી કોઇપણ એક દવા ૧૦ લિટર પાણીમાં મિશ્રિત કરી છંટકાવ કરવાથી પાન કથીરીનું અસરકારક નિયંત્રણ મેળવી શકાય.

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.