Navsari Agricultural University
છટણી (પ્રુનિંગ) :-
* જમીન પર ફેલાતી , એકમેકમાં ગુચવાયેલી , નબળી અને રોગિષ્ઠ ડાળીઓને કાપીને દુર કરવુ જોઈએ. ઝાડના અંદરના ભાગે સુર્યપ્રકાશ મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ.
* આંબાના ઝાડમાં મોટી ડાળીઓ નહી કાપતાં દર વર્ષે કે દર બે વર્ષે એકવાર બિન જરૂરી નાની ડાળીઓ કાપતા રહેવુ. મોટી ડાળીઓ કાપવાથી ઉત્પાદન પર માઠી અસર પડે છે.
સેન્ટર ઓપનીંગ:
આંબામાં જયારે સૂર્યપ્રકાશનો અભાવ જણાતો હોય ત્યારે આ પ્રકારની છટણી કરવાથી સરળતાથી ઉત્પાદન અને ગુણવત્તામાં વધારો કરી શકાય છે. આ પ્રકારની છટણી ખાસ કરીને એવી વાડીમાં કરવામાં આવે છે કે જયાં કલમોની ઉંચાઈ વધારે હોય અને ઝાડ મોટા હોય. કલમોની મુખ્ય ડાળીને વચ્ચેથી એવી રીતે કાપવામાં આવે છે કે જેથી બાજુની અને અંદરની ડાળીઓ ઉપર સૂર્યપ્રકાશ સરળતાથી મળી રહે.
ફળો ઉતારી લીધા બાદ સેન્ટર ઓપનીંગ કરવામાં આવે છે. સેન્ટર ઓપનીંગ કરવા માટે કુશળતા સાથે વૈજ્ઞાનિક પદ્ઘતિનો ઉપયોગ કરવો હીતાવહ છે. આ પ્રકારની છટણીમાં વૃક્ષના ઉપરના ભાગથી અંદર સુધી સુર્યપ્રકાશ આવે તે રીતે વચ્ચેની મુખ્ય ડાળીને કાપવામાં આવે છે. આ રીતની છટણી કરવા માટેના આંબાવાડીયામાં ઝાડની નીચે ઉભા રહી એવી ડાળીની પસંદગી કરવી કે જેથી ફકત એક કે બે ડાળીને કાપવાથી ઝાડની ઉંચાઈ નિયંત્રણ થઈ શકે અને સંપૂર્ણ ઝાડને વધુમાં વધુ સૂર્યપ્રકાશ મળી શકે. આ રીતે સેન્ટર ઓપનીંગ કર્યા બાદ ૧% યુરીયા અને ૧% કોપર ઓકઝીકલોરાઈડનો છંટકાવ કરવાથી નવી કુંપણો મેળવી શકાય છે અને આ કુંપણો ઉપર સૂર્યપ્રકાશ પૂરતા પ્રમાણમાં મળતો હોવાથી બીજા વર્ષે સારા પ્રમાણમાં ફુલો બેસે છે.
ઘનિષ્ઠ વાવેતર પદ્ઘતિમાં છટણી તથા કેળવણી
હાલમાં આંબામાં ઉત્પાદન વધુ લેવા માટે ઘનિષ્ઠ વાવેતર પદ્ઘતિ ખુબજ પ્રચલિત છે અને ખેડૂતો દ્વારા પ × પ મીટર અથવા ૬ × ૩ મીટરે વાવેતર કરવામાં આવે છે. પરંતુ આ પદ્ઘતિ દ્વારા કરેલ વાવેતરમાં ૧૦ થી ૧ર વર્ષે કલમની ડાળીઓ એક બીજાને અડી જાય છે અને સુર્યપ્રકાશ પુરેપુરો ન મળવાથી ઉત્પાદનને માઠી અસર થાય છે અને ઝાડોની ઉંચાઈ ખૂબ વધે છે. તેથી આવી વાડીઓમાં નિયમિત છટણી કરી ઉત્પાદકતા વધારી શકાય છે. આંબાના પાકમાં દર વર્ષે અથવા આંતરે વર્ષે કેરી ઉતારયા બાદ તુરંત છેડેથી દશ થી વીસ સેન્ટીમીટરની છટણી કરવાથી ઉત્પાદનમાં વધારો જોવા મળેલ છે. નવસારી કૃષિ યુનિવર્સિટીના પરીયા ફાર્મ ખાતે કેસર તથા હાફુસમાં પ મી. × પ મી. તથા રાંચી ખાતે આમ્રપાલીમાં ર.પ મી. × ર.પ મી. અને લખનૈા ખાતે દશેરીમાં ૩ મી. × ર મી. ઘનિષ્ઠ વાવેતરમાં છટણી અને કેળવણી કરી ખૂબજ સારા પરીણામો મેળવેલ છે. આ પધ્ધતિમાં પણ ડાયબેક રોગની શકયતા રહે છે. જેના નિયંત્રણ માટે ડાળીઓના કાપેલા ભાગ પર ૧૦ લિટર પાણીમાં ૪૦ ગ્રામ કોપરઓકસિકલોરાઈડ મેળવી છંટકાવ કરવો.
આંબાવાડીનું નવિનીકરણ (રીજુવીનેશન)
ઘણી જગ્યાએ આંબાનું વાવેતર પ૦-૭૦ વર્ષ જુનું હોય છે. આવી વાડીઓનાં વૃક્ષની ઉત્પાદન ક્ષમતા ખુબ જ ઝડપથી ઘટતી રહે છે. આવી ખુબ જ જુની, મોટા ઝાડ ધરાવતી વાડીઓમાં નવિનીકરણ (રીજુવીનેશન) પદ્ઘતિનો ઉપયોગ કરવાથી ઝાડની ઉત્પાદન ક્ષમતામાં ઘણો વધારો જોવા મળે છે. મોટા ઝાડોને સંપૂર્ણ પણે છટણી કરવાની પ્રક્રીયાને નવિનીકરણ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે જયાંથી થડ ઉપર ડાળીઓની શરૂઆત થાય છે એવી ડાળીઓને છેક નીચેથી સંપૂર્ણ કાપવામાં આવે છે. આવી ડાળીઓ નવી કુંપણો કાઢે છે. જે તંદુરસ્ત હોય છે. સામાન્ય રીતે ઝાડને ૩-૪ મીટર ઉંચાઈથી છટણી કરવામાં આવે છે. આ રીતની છટણી બાદ આંબામાં મેઢનો ઉપદ્રવ માલુમ પડે છે જેથી તેના નિયંત્રણ માટે ખાસ પગલા ભરવા જરૂરી છે. મે-જૂન માસમાં ફળ ઉતારી લીધા બાદ અથવા ચોમાસા પછીનો સમયગાળો રીજુવીનેશન માટે ખુબજ ઉપયુકત છે.
આંબાના જુના ઝાડની છટણી કરી નવિનીકરણ કરવાની પદ્ઘતિ:
• છટણી કરવાનો સમય ફળ ઉતાર્યા બાદ તુરંતનો સારો ગણાય છે. પરંતુ ચોમાસાની ઋતુ અને ઝાડના વિકાસને ધ્યાનમાં રાખી ઓકટોબર-નવેમ્બર માસમાં ત્રણ થી ચાર મીટરની ઉંચાઈએ છત્રી આકારે હેડીંગબેક પદ્ઘતિથી છટણી કરવી.
• છટણી કર્યા બાદ તુરંત કાપેલ ડાળી પર ફુગનાશક દવા કોપર ઓકઝીકલોરાઈડ અથવા બોર્ડોપેસ્ટ લગાવવી ખૂબજ જરૂરી છે. દવા લગાડયા બાદ કાપેલ ભાગ ઉપર પ્લાસ્ટીકની બેગ બાંધી શકાય છે અને નવી કુંપણો ફુટયા બાદ પ્લાસ્ટીકની બેગ તુરંત કાઢી નાંખવી અથવા પ્લાસ્ટીકની બેગમાં કાણાં પાડી પસંદ કરેલ ચાર થી પાંચ કુંપણો ને કાણાંમાંથી બહાર કાઢવી.
• છટણી કર્યા બાદ વાડીઓમાં ઉંડી ખેડ કરી જમીન તપવા દઈ પ્રથમ હળવું પિયત આપવું.
• જાન્યુઆરી-ફેબ્રુઆરી માસમાં જયારે ઝાડમાં નવી પિલવણી નીકળવા માંડે ત્યારે ઝાડદિઠ ૧.રપ કિલો યુરીયા સાથે ૧૦૦ કિલો છાણીયું અથવા કમ્પોસ્ટ ખાતર આપી પિયત આપવું. જૂન માસમાં ચોમાસા દરમ્યાન યુનિવર્સિટીની ભલામણ મુજબ ખાતરો આપવા.
• છટણી કરેલ જાડી ડાળી માંથી એક સાથે પંદર થી વીસ નવી કુંપણો ફુટવાની શરૂઆત થશે. નવી ફુટેલ કુંપણોમાંથી જુસ્સા વાળી અને રોગ મુકત ચાર થી પાંચ ડાળીઓ બધી દિશાઓ તરફની મળીને પસંદ કરવી અને અન્ય ડાળીઓનો કુંપણ ફુટેલ જગ્યાએથી નુકશાન ન થાય તે રીતે નિકાલ કરવાથી પસંદ કરેલ ડાળીઓનો વિકાસ ઝડપી થશે અને ઝાડનો સમતોલ આકાર આપી શકાશે.
• છટણી કરેલ ઝાડ પર નવી પિલવણી નીકળ્યા પહેલા આંબાનો મેઢ અને ડાયબેક નામના રોગનો ઉપદ્રવ થવાની શકયતા રહેલ છે અને તેને સમયસર કાબૂમાં લેવામાં ન આવે તો આખુ ઝાડ મરી જવાની શકયતા રહે છે. આ બંન્નેના ઉપાય માટે સેન્ટ્રલ ઓપનીગ દરમ્યાન લેવાની થતી કાળજીમાં દર્શાવ્યા મુજબની માવજત કરવી.
• છટણી કર્યા બાદના પ્રથમ વર્ષે મોટી ડાળીઓમાંથી પસંદ કરેલ કુંપણો ઉપર પૂષ્પ વિન્યાસ આવે તો તે દુર કરવા અને પસંદ કરેલી કુંપણોને મજબુતાઈ મળે તેની કાળજી રાખવી.
• બીજા કે ત્રીજા વર્ષ સુધી ઉપર પ્રમાણે ખાતર, પાણી અને પાક સંરક્ષણની માવજતો ચાલુ રાખવી જોઈએ. ત્યારબાદ છટણીનું પ્રમાણ અને ઝાડના કદને ધ્યાનમાં લઈ પેકલોબ્યુટ્રાઝોલની માવજત સાથે ભલામણ મુજબની અન્ય માવજતો આપવાની ચાલુ કરવાથી કેરીનો ફાલ મેળવી શકાય છે.
ભારતના આંબા સંશોધનને લગતા જુદા જુદા સંશોધન કેન્દ્રો જેવા કે લખનૌ ખાતે દશેરી, વેન્ગુરલા ખાતે હાફુસ, સાંગારેડ્ડી ખાતે બનેશાન તથા તોતાપુરી અને પરીયા ખાતે કેસર જાતોમાં નવિનીકરણ ના અખતરાઓમાં ખૂબજ સારા પરીણામો મળેલ છે અને આ અખતરાઓનું તારણ છે. ફળના કદ અને ઉત્પાદનમાં વધારો.
નવસારી કૃષિ યુનિવર્સિટીના પરીયા કેન્દ્ર ખાતે સંશોધનના આધારે હાફુસ જાતનાં ૩પ વર્ષના જુના ઝાડોને પ થી ૬ મીટરની ઉંચાઈએથી અને ઘેરાવાની ડાળીઓની છટણી કરી ત્રીજા વર્ષથી પેકલોબ્યુટ્રાઝોલ ૭.પ ગ્રામ સક્રીય તત્વ (૩૦ મી.લી. કલ્ટાર) પ્રતિ ઝાડ આપવાની ભલામણ કરવામાં આવેલ છે.

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.