Navsari Agricultural University

કાબરી ઇયળ:

કાબરી ઇયળ:
-----------
આ ઇયળ રંગે બદામી અને સફેદ તથા પીળા ટપકાંવાળી હોય છે. પુખ્ત કીટકની આગળની પાંખમાં લીલા રંગનો ફાચર આકારનો પટ્ટો જોવા મળે છે. કપાસ જ્યારે નાનો હોય ત્યારે ઇયળ છોડની ડૂંખને કોરી ખાય છે. કપાસનો વિકાસ થતાં ફૂલ-ભમરી અને જીંડવામાં પેસી જઇ અંદરનો ગર્ભ ખાય છે.


લીલી ઇયળ:

લીલી ઇયળ:
----------

લીલી ઇયળો વિવિધ રંગની હોય છે, સામાન્ય રીતે લીલો રંગ ધરાવતી ઇયળોના શરીરની બંને બાજુએ કાળાશ પડતી પટ્ટીઓ/ લીટીઓ હોય છે. બહુ જ ખાઉધરી ઇયળ શરુઆતમાં પાન અને ફૂલ તથા કળીઓ બેઠા પછી કળીઓ અને જીંડવાને નુકસાન કરે છે.


પાન ખાનાર ઇયળ (સ્પોડોપ્ટેરા):

પાન ખાનાર ઇયળ (સ્પોડોપ્ટેરા):
-----------------------

માદા ફૂદીં કુમળાં પાન ઉપર કે નીચલી સપાટી પર આછા કે લીલાશ પડતાં સફેદ રંગના ઇંડાં મૂકે છે. ઇંડાં મુક્યા પછી માદા ફૂદીં તેના ઉપર ભૂખરા પડતાં સફેદ વાળથી ઢાંકી દે છે. માદા ફૂદીં ઇંડાં મુકવા માટે દિવેલાને વધુ પસંદગી આપે છે. નવી નીકળેલી ઇયળો રંગે મેલા સફેદ રંગની હોય છે અને તે સમૂહમાં રહે છે. પાછળની અવસ્થાની ઇયળો આછા બદામી રંગની અને તેના શરીર ઉપર કાળાશ પડતી નારંગી રંગની લીટીઓ હોય છે. પુખ્ત કીટક બદામી રંગનું હોય છે. પાંખની પહેલી જોડ ભુખરા રંગની અને તેના ઉપર આછા રંગની લીટીઓ આવેલી હોય છે. જ્યારે પાંખની બીજી જોડ સફેદ રંગની અને કિનારી ભુખરા રંગની હોય છે. પાંખો ઉપર ઝીણા ભીંગડા (સ્કેલ) હોય છે. ઇંડાંમાંથી નીકળતી ઇયળ પાનની નીચે સમૂહમાં રહી પાનના નીલકણ ખાય છે. ઇયળોની વય વધતાં છોડ ઉપર એક બીજાથી છુટી પડી જઇ કૂમળા પાન, ફૂલ, અને વિકસતી કળીઓને ખાઇને નુકસાન કરે છે. વધુ ઉપદ્રવ હોય તો બધા જ પાન ખવાઇ જતાં છોડ ઝાંખરાં જેવો દેખાય છે. પુખ્ત ઇયળો ખૂબ જ ખાઉધરી હોઇ કપાસનાં જીંડવાને પણ છોડતી નથી. ઇયળો દિવસ દરમ્યાન છાંયાવાળી જગ્યાએ કે જમીનની તિરાડો અને ઢેફામાં ભરાઇ રહે છે. દિવસ કરતા રાત્રિ દરમ્યાન ઇયળો વધુ નુકસાન કરે છે.


ગુલાબી ઇયળ:

ગુલાબી ઇયળ:
-----------

આ ઇયળો ગુલાબી રંગની હોય છે. સામાન્ય રીતે છોડમાં કળીઓ અને ફૂલ બેસવાની શરુઆત થાય ત્યારે આ જીવાતનો ઉપદ્રવ શરુ થાય છે. ઘણી વખત ઉપદ્રવિત ફૂલની પાંખડીઓ એકબીજા સાથે ભીડાઇ જઇ ગુલાબના ફૂલ જેવા આકારમાં (રોસેટ) ફેરવાઇ જાય છે. ઇંડાંમાંથી નીકળી ઇયળ નાનું કાણું પાડી ફૂલ, કળી અથવા નાના જીંડવામાં દાખલ થાય છે. સમય જતા ઇયળે પાડેલ કાણું કુદરતી રીતે પુરાઇ જાય છે. આ ઇયળથી ઉપદ્રવિત નાના જીંડવા, ભમરી, ફૂલ ખરી પડતા હોય છે. ઇયળ જીંડવાની અંદર દાખલ થઇ રુ તેમજ બીજને નુકસાન કરે છે. ઘણીવાર એક કરતાં વધુ ઇયળ એક જીંડવામાં જોવા મળે છે. બીજની આજુબાજુનું રુ પીળું પડી જાય છે. જીવાતના નુકસાનથી રુની ગુણવત્તા, કપાસના બીજમાં તેલના ટકા અને બીજની સ્ફુરણશક્તિ ઉપર અવળી અસર પડતી હોય છે. પરિણામે જીનીંગમાં પણ ધટાડો જોવા મળે છે.

સંકલિત વ્યવસ્થાપન:
----------------

o કપાસનો પાક પુરો થયે ખેતરને ખેડી નાખવું જેથી જમીનમાં રહેલા લીલી કે પાન ખાનાર ઇયળના કોશેટા ઉપર આવશે અને સૂર્યના તાપથી કે પરભક્ષી પક્ષીઓ દ્વારા નાશ પામશે.
o કપાસની બીટી જાતોનું વાવેતર કરતા હોય તો સરકારમાન્ય તથા પેક-ટીનમાં બિયારણ ખરીદીને વાવવું અને સાથે આપેલ નોન બીટી બિયારણનું પણ માર્ગદર્શિકા મુજબ વાવેતર કરવું આવશ્યક છે.
o જે વિસ્તારમાં ગુલાબી ઈયળનો વધુ ઉપદ્રવ રહેતો હોય ત્યાં કપાસની વહેલી પાકતી જાતની પસંદગી કરવી.
o કપાસનું વાવેતર શક્ય તેટલું વહેલું કરવાથી ચુસિયાં પ્રકારની જીવાતોનું આક્ર્મણ ઓછું જોવા મળે છે.
o ખેતરમાં શક્ય હોય તો મોજણી અને નિગાહ માટે હેક્ટરે ૫ પાન ખાનાર ઇયળના ફૂદાંને આકર્ષતા ફિરોમોન ટ્રેપ મૂકવા જેથી આપણને ઉપદ્રવના શરુઆતની આગોત્તરી જાણ થાય. જો ખેતરમાં લાઇટની વ્યવસ્થા હોય તો પ્રકાશ પિંજર ગોઠવી મોટા પાયે ફૂદીંઓનો નાશ કરી શકાય.
o જે વિસ્તારમાં પાન ખાનાર ઇયળનો ઉપદ્રવ દર વર્ષે આવતો હોય તેવા વિસ્તારમાં કપાસના ખેતરની આજુબાજુ પિંજર પાક તરીકે દિવેલાની એક કે બે હરોળ ઉગાડવી. દિવેલા ઉપર આ ઇયળની ફૂદીં વધુ ઇંડાં મૂકતી હોવાથી તેવા ઇંડાંના સમૂહોને કે તેમાંથી નીકળી ગયેલ પ્રથમ અવસ્થાની ઇયળોના સમૂહને હાથથી પાન સહિત તોડી લઇ નાશ કરવો. અઠવાડિયામાં બે દિવસ આ કામ કરવું. દિવેલાનો પિંજર પાક કરવાથી જૈવિક નિયંત્રણની ગતિને વેગ મળે છે. વધુમાં ઇયળ સહિત તોડેલ દિવેલાના પાનને ઝીંણી જાળી લગાડેલા કેરોસીનના ખાલી ડબ્બામાં મૂકીને આવા ડબ્બા ખેતરમાં મૂકી રાખવાથી પરજીવી ભમરીનો લાભ મેળવી શકાય.
o જો દેશી કે હાઇબ્રીડ કપાસની ખેતી કરી હોય તો કપાસ (નોન બીટી)માં લીલી ઇયળનો ઉપદ્રવ રહેશે. ખેતરની આજુબાજુ લીલી ઇયળના પિંજર પાક તરીકે પીળા ફૂલવાળા હજારી ગોટાની એક કે બે હરોળમાં રોપવા. લીલી ઇયળની માદા ફૂદીં મોટે ભાગે હજારીનાં ફૂલ ઉપર ઇંડાં મૂકવાનું વધારે પસંદ કરે છે. સમયાંતરે પાકટ ફૂલો વીણી લઇ તેને બજારમાં મોકલી આપવા. આમ ઇંડાંની વસ્તીમાં ઘટાડો થવાથી લીલી ઇયળનો ઉપદ્રવ ઓછો રહેશે.
o પાન ખાનાર ઇયળોનો ઉપદ્રવ ઘણી વાર મોટા પ્રમાણમાં જોવા મળતો હોય છે. મોટી ઇયળો જમીનની તિરાડોમાં અથવા ઘાસની નીચે સંતાઇ જાય છે. આવા સંજોગોમાં વહેલી સવારના આવી જ્ગ્યાએથી ઇયળો વીણી કાઢવી પણ સહેલી પડે છે.
o પાન ખાનાર ઇયળ માટે એન.પી.વી. પણ ઉપલબ્ધ છે. ઇયળ જ્યારે નાની અવસ્થામાં હોય ત્યારે હેક્ટરે ૪૦૦ મિ. લિ. (૧૦૯ પી.આઇ.બી પ્રતિ મિ.લિ.)ના પ્રમાણમાં સાંજના કે સવારનાં સમયે છંટકાવ કરવાથી તંદુરસ્ત ઇયળમાં વિષાણુનો રોગ લાગુ પડવાથી મરી જશે.
o સામાન્ય રીતે કીટનાશી દવાની અસર મોટી પાન ખાનાર ઇયળો ઉપર ઓછી થતી હોવાથી તેવી ઇયળો હાથથી વીણાવી લેવી જોઇએ.
o પાન ખાનાર ઇયળોનો ઉપદ્રવ થતાની સાથે સીધી જ રાસાયણિક દવાઓનો ઉપયોગ ન કરતા કોઇ પણ લીમડા આધારિત દવાઓ ૨૦ મિ.લિ. (૧ ઇસી) થી ૪૦ મિ.લિ. (૦.૧૫ ઇસી) અથવા લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા બેસીલસ થુરીન્જીન્સીસ નામના બેક્ટેરીયાનો પાવડર ૧૦-૧૫ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
o કીટનાશી દવા ધરાવતી પ્રલોભિકા હેક્ટરે ૨૦ કીલોના પ્રમાણમાં ખેતરમાં મોડી સાંજે પૂંખવાથી પાન ખાનાર ઇયળોનું અસરકારક નિયંત્રણ કરી શકાય છે. વીસ કીલો ઝેરી પ્રલોભિકા બનાવવા કાર્બારિલ ૫૦% વેપા ૫૦૦ ગ્રામ + ઘઉંનું ભુસુ ૧૦ કીલો + ગોળ ૨ કીલો + પાણી ૭.૫ લિટરનું મિશ્રણ કરીને બનાવી શકાય.
o પાન ખાનાર ઇયળો જ્યારે ક્ષમ્યમાત્રા વટાવે ત્યારે તેના નિયંત્રણ માટે ક્વિનાલફોસ ૨૫ ઇસી ૨૦ મિ.લિ., ફેનવલરેટ ૨૦ ઇસી ૧૦ મિ.લિ., પ્રોફેનોફોસ ૪૦% + સાયપરમેથ્રીન ૪% (૪૪ ઇસી) ૧૦ મિ.લિ., એમામેક્ટીન ૫ ડબલ્યુજી ૨ ગ્રામ, બીટા સાયફ્લુથ્રીન ૨૫ ઇસી ૫ મિ.લિ., ઇન્ડોક્ઝાકાર્બ ૧૫.૫ ઇસી ૧૦ મિ.લિ., ફ્લુબેન્ડીઆમાઇડ ૪૮ એસસી ૩ મિ.લિ., સ્પીનોસાડ ૪૫ એસસી ૩ મિ.લિ., નોવાલ્યુરોન ૧૦ ઇસી ૨૦ મિ.લિ., ડાયફ્લુબેન્ઝુરોન ૫૦ ડબલ્યુપી ૧૦ ગ્રામ અને ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી ૧૦ મિ.લિ. પૈકી ગમે તે એક દવા દર ૧૦ લિટર પાણીમાં ભેળવીને પ્રવાહી મિશ્રણનો છંટકાવ કરવો. દરેક છંટકાવ વખતે દવા બદલવી.
o કપાસની કરાઠીઓને બને ત્યાં સુધી બાળીને નાશ કરવાનો આગ્રહ રાખવો અથવા પાક પુરો થયા પછી કરાઠીઓને રોટાવેટર દ્રારા જમીનમાં ભેળવી દેવી. આમ કરવાથી ગુલાબી ઇયળનો જીવનક્રમ વધતો અટકાવી શકાય છે.
o અગાઉ પુરા થઇ ગયેલા કપાસના ખેતરમાં ખરી પડેલા ફૂલ, કળીઓ, જીંડવા ભેગા કરી બાળીને નાશ કરવો. કપાસની છેલ્લી વીણી પછી ખેતરમાં ઘેટાં બકરાં ચરવા માટે છુટ મૂકી દેવી. આમ કરવાથી ઘેટાં બકરાં કપાસના છોડ ઉપરની ઉપદ્રવિત ક્ળીઓ, ખુલ્યા વગરના જીંડવા તેમજ અપરિપવ ફૂલ ચરી જતા હોય છે અને ગુલાબી ઇયળના અવશેષો ઓછા થાય છે.
o આગલા વર્ષના કપાસનું જીનીંગ બીજા વર્ષની કપાસની વાવણી પહેલા પુરુ કરવું જોઈએ. પ્રોસેસીંગની કામગીરી પુરી થયા બાદ પડી રહેલ કચરાને બાળી નાશ કરવાથી સુષુપ્ત અવસ્થામાં રહેલી ગુલાબી ઇયળો નાશ પામે છે. જીનીંગ ફેક્ટરીમાં તથા તેની આસપાસ ગુલાબી ઇયળના નર ફૂદાંને સમુહમાં પકડીને નાશ કરવા માટે ફેરોમોન ટ્રેપ ગોઠવવા.
o ઓક્ટોબર માસનાં અંતથી લઈ કપાસની છેલ્લી વીણી સુધી હેક્ટરે ૪૦ પ્રમાણે ગુલાબી ઈયળની ફૂદીં માટેના ફેરોમોન ટ્રેપ ગોઠવવા. ગુલાબી ઈયળના સમાગમ વિક્ષેપન માટે પીબી રોપ હેક્ટરે ૧૦૦નાં પ્રમાણમાં અસરકારક માલૂમ પડેલ છે. પરંતુ હાલ પીબી રોપ બજારમાં ઉપલબ્ધ નથી.
o નવેમ્બરના પ્રથમ સપ્તાહની શરુઆતથી હેકટરે ૧.૫ લાખ ટ્રાઈકોગ્રામા ભમરી અઠવાડીયાના ગાળે ૫ વખત અને ડિસેમ્બરના પ્રથમ અને બીજા અઠવાડીયામાં હેકટરે ૧૦ હજાર પ્રમાણે લીલી પોપટીની ઈયળો છોડવાથી જૈવિક નિયંત્રણનો લાભ લઇ શકાય.
o કપાસનાં ખેતરમાં મકાઇની છાંટ નાખવાથી જીવાતના કુદરતી નિયંત્રકોની વૃધ્ધિમાં વધારો થાય છે તેમજ તેમનું સંવર્ધન થતું હોય છે.
o ખેતરની એક બાજુ ૧ કે ૨ ગૂંઠામાં પરજીવી- પરભક્ષી કીટકો માટેનું અભ્યારણ (એન્ટોમોફેઝ પાર્ક) બનાવવું.


� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.