ડાંગરના પાકમાં નુકસાન કરતી ગાભમારાની ઇયળની પાંચ જાતો નોંધાયેલ છે. જે પૈકી આપણા રાજ્યમાં મુખ્યત્વે પીળી ગાભમારાની ઇયળનો ઉપદ્રવ જોવા મળે છે. આ જીવાતની માદાં ફૂદીંની આગળની પાંખો પીળાશ પડતા રંગની હોય છે. અને તેના પર વચ્ચેના ભાગે એક કાળુ ટપકું હોય છે. જે પાન પર બેઠી હોય ત્યારે સ્પષ્ટ ઓળખી શકાય છે. જયારે નર ફૂદીં સુકા ઘાસ જેવા રંગની હોય છે. તેની પ્રથમ પાંખ ઉપર અસંખ્ય નાના નાના ટપકાં હોય છે. માદા ફૂદીં પાનની ટોચ ઉપર સમુહમાં ઈંડાં મુકે છે. જેને નાના નાના વાળથી ઢાંકી દે છે.
ઇંડાં સેવાતાં તેમાંથી નીકળતી નાની ઇયળો ચમકતા તાંતણા વડે લટકી પાણીની સપાટીએથી ડાંગરના છોડમાં દાખલ થઇ ૨ થી 3 દિવસ સુધી કુમળો ભાગ ખાઇ પછી થડના ગાંઠ નજીકના ભાગ ઉપર કાણુ પાડી અંદર દાખલ થઇ ગર્ભ ખાવા લાગે છે. આ નાની ઇયળો પીળાશ પડતા સફેદ રંગની હોય છે. જયારે પુખ્ત ઇયળ પીળા રંગની બદામી માથાંવાળી અને આશરે ૨૦ થી ૨૨ મી.મી. લંબાઇની હોય છે. ઇયળના થડના ગર્ભને ખાવાને કારણે વચ્ચેનો પીલો સુકાઇ જાય છે. શરૂઆતનાં વાવેતરમાં આ જીવાતથી નુકસાન થાય તો તે પીલો સુકાઇ જાય છે તેને ‘ડેડ હાર્ટ’ કહે છે. પરંતુ કંટી આવવાની પાછલી અવસ્થાએ આ જીવાતનો ઉપદ્રવ થાય અને થડના અંદરનો ભાગ ખવાય તો ઉપદ્રવિત છોડમાં કંટી સફેદ નીકળે છે. દાણા ભરાતા નથી અથવા ભરાય તો ઓછા ભરાય છે. જેને ‘વ્હાઇટ ઇયર હેડ’ તરીકે ઓળખાય છે. આવી નુકસાનવાળી (ડેડ હાર્ટ/ વ્હાઇટ ઇયર હેડ) કંટીને ખેંચતા સહેલાઇથી ખેંચાઇ આવે છે. ખેડૂતો તેને “સફેદ પીંછી”ના રોગથી પણ ઓળખે છે.
સંકલિત વ્યવસ્થાપન:
- ડાંગરની જાતો જેવી કે નર્મદા, જી. આર. ૧0૨, આઇ. આર. ૨૨, આઈ. આર. ૬૬, ગુર્જરી, સી. આર. ૧૩૮-૯૨૮ તથા જી. આર. ૧૨ માં ગાભમારાની ઈયળનો ઉપદ્રવ મહદઅંશે ઓછો જોવા મળે છે. આથી શક્ય હોય ત્યાં વાવેતર માટે આવી પ્રતિકારક શકિત ધરાવતી જાતોની વાવણી માટે પસંદગી કરવી જોઇએ.
- ડાંગરની રોપણી વહેલી (જુલાઇના પ્રથમ પખવાડિયામાં) કરવાથી આ જીવાતનો ઉપદ્રવ ઘટાડી વધુ ઉત્પાદન મેળવી શકાય.
- દક્ષિણ ગુજરાતમાં આ જીવાતનો ઉપદ્રવ ધરૂવાડીયામાંથી જ શરૂ થઇ જતો હોઇ કાર્બોફયુરાન 3% અથવા કારટેપ ૪% દાણાદાર દવા ૧ કિ.ગ્રા./૧00 ચો.મી. (ગુંઠા) વિસ્તારમાં પ્રથમ હપ્તો ધરૂ નાખ્યા બાદ પંદરમાં દિવસે ધરૂવાડીયામાં રેતી સાથે મિશ્ર કરી આપવો.
- ડાંગરની ફેર રોપણી વખતે ધરૂના પાનની ટોચો કાંપી નાંખી રોપણી કરવાથી ગાભમારાની માદા ફૂદીંએ પાનાની ટોચ ઉપર મુકેલ ઇંડાંના સમુહનો નાશ થશે. આમ થતા તેનો ઉપદ્રવ ધરૂવાડીયામાંથી રોપાણ કરેલ ખેતરમાં આગળ વધતો અટકી શકે છે.
- ખેતરમાં રાત્રીના સમયે પ્રકાશપીંજર ગોઠવી ગાભમારાની ઇયળ ઉપરાંત લશ્કરી ઇયળના પુખ્ત (ફૂદાં) આકર્ષી તેની વસ્તીમાં ઘટાડો કરી શકાય. આમ પુખ્ત કીટકોની વસ્તી ઘટતા તેના દ્વ્રારા મુકાતાં ઇંડાંનું પ્રમાણ ઘટે છે, જેથી જીવાતની નુકસાન કરતી અવસ્થા (ઇયળ) નું પ્રમાણ પણ ઘટે છે. આ જીવાતના નર ફૂદાંને આકર્ષતા ફેરોમોન ટ્રેપ ગોઠવવાથી વસ્તીનું નિયંત્રણ કરી શકાય.
- આ જીવાતની ઇયળ ડાંગરના થડમાં અંદર ભરાઇ રહી નુકસાન કરતી હોવાથી દાણાદાર દવા વધુ અસરકારક રહે છે. ધરૂવાડીયામાં ભલામણ કરેલ જંતુનાશક દવા આપવામાં આવી ન હોય તો કાર્બોસલ્ફાન ૫ જી (૪ કિ. ગ્રા.) અથવા કારટેપ હાઇડ્રોકલોરાઇડ ૪ જી (૫ કિ.ગ્રા.) અથવા કાર્બોફયુરાન 3 જી (૬ કિ.ગ્રા.) પ્રતિ વિઘા પ્રમાણે બે વખત (પ્રથમ માવજત જીવાતનો ઉપદ્રવ શરૂ થાય ત્યારે અથવા ફેરરોપણી પછી 30-3૫ દિવસે અને બીજી માવજત ત્યારબાદ ૧૫-૨૦ દિવસે આપવાથી ગાભમારાની ઇયળ ઉપરાંત થડ ઉપર નુકસાન કરતા ચુસિયાં અને પાન વાળનાર ઇયળનો ઉપદ્રવ કાબુમાં રહે છે. કયારીમાં સતત મોજણી કરતા રહી કયારીમાં જે ઠેકાણે ગાભમારાની ઇયળનો સ્પોટ જોવા મળે તેવા ભાગમાં જ આવી દાણાદાર દવાઓ આપવી, જેથી ઓછા ખર્ચે આ જીવાતનું નિયંત્રણ કરી શકાય છે. આવી માવજતથી ઉપયોગી જીવાતો જેવી કે કરોળિયા, ઢાલિયા, વાણિયા ઉપર સીધી અસર થતી ન હોવાથી તેની વસ્તી ઘટતી અટકી શકે છે.
- આ સિવાય ફોસ્ફામિડોન ૪0 એસેએલ ૧0 મિ.લિ., ટ્રાયઝોફોસ ૪૦ ઇસી ૨0 મિ.લિ. પૈકી ગમે તે એક દવા ૧0 લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરતાં અસરકારક નિયંત્રણ મળે છે.
- ડાંગરની કાપણી બાદ ગાભામારાની ઇયળ જડીયામાં ભરાઇ રહે છે અને ત્યાં જ કોશેટા અવસ્થા પ્રાપ્ત કરે છે. તેથી પાકની કાપણી બાદ ખેતર ખેડી નાખી જડીયાં વીણી લઇ તેનો યોગ્ય નિકાલ કરવો જોઇએ.
- કેટલાક વિસ્તારમાં ખેડૂતો ડાંગરની કાપણી બાદ કયારીમાં થોડો સમય પાણી ભરી રાખે છે. જેથી ગાભામારાની ઇયળ તથા થડમાં રહેતા કોશેટાનો નાશ થાય છે.