આ જીવાત ‘જુથી ઈયળ’ કે “કંટી કાપનાર ઈયળ” તરીકે ઓળખાય છે. તેનું પુખ્ત મજબુત બાંધાનુ, આશરે ર સેં.મી. લાંબુ અને પીળાશ પડતાં તપખીરીયા રંગની પાંખોવાળું હોય છે. ઇયળ 3 થી ૪ સે.મી. લાંબી, મજબુત બાંધાની, લીલાશ પડતા પીળા રંગની અને બદામી રંગના માથાવાળી હોય છે. તેના શરીર પર તપખીરીયા ભૂખરાં અથવા સફેદ રંગની ઉભી પટ્ટીઓ હોય છે. ઈયળને સહેજ અડકતાં તે ગૂંચળુ વળી જાય છે. આ જીવાતનો ઉપદ્રવ ધરૂવાડીયામાં અને રોપાણ કરેલ ડાંગરમાં જોવા મળે છે. દિવસના સમયે ઈયળો જમીનની તિરાડોમાં, પાનની ગડીઓમાં કે થૂમડામાં વચ્ચેન ભરાઈ રહે છે અને રાત્રિના સમયે પ્રવૃતિમય બની ઈયળ બહાર નીકળી છોડના પાન પુષ્કતળ પ્રમાણમાં ખાય છે. ઉપદ્રવ વધુ હોય તો પાનની ફકત નસો જ બાકી રહે છે. કંટી આવવાના સમયે જો આ જીવાતનો ઉપદ્રવ જોવા મળે તો ઈયળ કંટીને કાપી નાંખે છે. ઉપદ્રવિત ખેતરમાં આવી કાંપી નાખેલ કંટીઓ જમીન પર પડેલી જોવા મળે છે. ઉપદ્રવિત ખેતરની બધી જ કંટીઓ જાણે લણી લીધી હોય તેમ છોડ કંટી વિનાના દેખાય છે.
સંકલિત વ્યવસ્થાપન:
- ધરૂવાડીયાની ફરતે એકાદ ફૂટ ઉંડી ખાઈ ખોદવાથી ઈયળો તેમાં પ્રવેશી શકતી નથી.
- ઉપદ્રવ વધુ જણાય તો કાર્બારીલ ૧0% અથવા કિવનાલફોસ ૧.૫% ભૂકારૂપ દવા (૬ કિ.ગ્રા./વીઘા)નો છંટકાવ સાંજના સમયે કરવો.