Navsari Agricultural University
૧. થ્રીપ્સ:
----------

આ જીવાતના પુખ્ત પીળાશ પડતા અથવા ભુખરા રંગના હોય છે. જેથી બંને પાંખોની ધાર ઉપર નાના વાળ હોય છે. બચ્ચાં અવસ્થા પાંખ વગરની અને આછા પીળા રંગની હોય છે. આ જીવાત બચ્ચા અને પુખ્ત બંને પાનની નીચેની બાજુએ રહી તેમના મુખાંગો વડે ઘસરકા પાડી પાનમાંથી રસ ચૂસીને નુકસાન કરે છે. પરિણામે પાનની સપાટી ઝાંખી સફેદ પડી સુકાઇ જાય છે. વધારે ઉપદ્રવ હોય તો પાન ઉપરની બાજુએ વળી જાય છે.

ર. પાન કથીરી:
-------------

મરચીના પાકમાં નુકસાન કરતી પાન કથીરી ભીંડા અને રીંગણની પાન કથીરી કરતાં જુદા પ્રકારની અને ચળકતાં પીળાશ પડતાં સફેદ રંગની હોય છે. જે ભીંડા રીંગણની કથીરીની માફક પાનની નીચેની બાજુએ જાળા બનાવતી નથી.

આ જીવાતના બચ્ચાં અને પુખ્ત પાનની નીચેની બાજુએ રહી પાનમાંથી રસ ચૂસે છે. નુકસાન પામેલા પાન કોકડાઇને ઉંધી હોડી આકારના થઇ જાય છે. ઉપદ્રવિત પાન ભુખરાં થઇ ખરી પડે છે. ફૂલો બેસતા નથી અને છોડની વૃધ્ધિ અટકી જાય છે.

૩. સફેદ માખી :
--------------

આ એક બહુભોજી કીટક છે જેમરચી ઉપરાંત ટામેટા, રીંગણ, ભીંડા જેવા પાકોમાં પણ નુકસાન કરે છે. પુખ્ત કીટક ખૂબ જ નાનું, સફેદ દૂધિયા રંગની પાંખોવાળું તથા તેનું શરીર પીળાશ પડતાં રંગનું હોય છે. બચ્ચાં અને કોશેટા પીળાશ પડતા સફેદ રંગના લંબગોળ અને ચપટાં હોય છે અને જે પાનની નીચેની બાજુએ જોવા મળે છે. બચ્ચાં અને પુખ્ત કીટક પાનની નીચેની બાજુએથી રસ ચૂસીને નુકસાન કરે છે જેથી પાન પીળા પડે છે છોડનો વિકાસ અટકી જાય છે. આ જીવાત પાનમાંથી રસ ચૂસતી હોવાથી તેનાં શરીરમાંથી ગળ્યા ચીકણાં પદાર્થનું ઝરણ થાય છે. આ પદાર્થ પર કાળી ફૂગનો વિકાસ થાવાથી છોડ કાળો પડી ગયેલો જોવા મળે છે.

મરચીમા સફેદમાખી વાયરસથી થતા કોકડવાના રોગનો ફેલાવો કરે છે જે ખુબ જ નુકસાન કારક છે.

૪. મોલો
--------

આ જીવાત ખુબ જ નાની, ૧ થી ૧.પ મીમી લંબાઈ ધરાવતી પોચા શરીરવાળી પીળા રંગની હોય છે. આ જીવાતના ઉદરના છેડે બે ભૂંગળીઓ હોય છે. આ જીવાતના બચ્ચાં અને પુખ્ત પાનની નીચેની સપાટીએ રહી પાનમાંથી રસ ચૂસે છે જેના કારણે પાન નીચેની બાજુએ વળી જાય છે. આ જીવાત પાનમાંથી રસ ચૂસી નુકસાન કરતી હોવાથી તેના શરીરમાંથી નીકળતો નકામો પદાર્થ મીઠો અને ચીકણો હોય છે. ચૂસિયા પ્રકારની જીવાતો સામાન્ય રીતે પાનની નીચેની સપાટી પર રહેતી હોય તેમના શરીરમાંથી નીકળતો પદાર્થ નીચેના પાનની ઉપરની સપાટી પર પડે છે તેની પર કાળી ફૂગ વૃધ્ધિ પામે છે જેથી છોડની પ્રકાશસંશ્ર્લેષણની કિર્યા અવરોધાય છે અને છોડની વૃધ્ધિ અટકે છે.

પ. થડ કાપી ખાનાર ઈયળ:
--------------------

આ ઈયળ રંગે કાળી અને તેને સહેજ અડવાથી ગુંચળુ થઇ જવાની ટેવ વાળી હોય છે. આ જીવાતનો ઉપદ્રવ ધરુવાડિયામાં પણ જોવા મળે છે. ઈયળ દિવસે જમીનમાં સંતાઇ રહે છે અને રાત્રે બહાર આવી મરચાંના ધરુવાડિયાના અને ખેતરમાં ફેરરોપણી કરેલ નાના છોડને થડમાંથી કાપી નાંખે છે અને કુમળા પાન ખાઇને નુકસાન કરે છે. આ જીવાત ખાવા કરતાં નુકસાન વધુ કરે છે.

૬. લીલી ઈયળ :
-------------

આ જીવાત બહુભોજી હોય મોટાભાગના શાકભાજીના પાકમાં નુકસાન કરતી જોવા મળે છે. આ જીવાતનું ફુદુ પીળાશ પડતાં બદામી રંગનું હોય છે. ઈયળ ઘણા રંગોમાં જોવા મળે છે ખાસ કરીને લીલા અથવા ભૂરા રંગની અને શરીરની બાજુમાં કાળાશ પડતાં રાખોડી રંગની પટ્ટીઓ વાળી હોય છે. આ જીવાત ખૂબ જ ખાઉધરી હોય છે. આ જીવાત મરચી ઉપરાંત કોબી, ફલાવર, રીંગણ, ભીંડા, ટામેટી, તુવેર જેવા શાકભાજીના પાકો તેમજ કપાસ, જુવાર, મકાઇ, સૂર્યમુખી, વટાણા, પાપડી, ચણા જેવા અન્ય પાકોમાં પણ નુકસાન કરે છે. આ ઇયળ ફળમાં કે શીંગમાં કાણું પાડી શરીરનો અડધો ભાગ તેમાં દાખલ કરી અંદરનો ભાગ કોરી ખાય છે. શરીરનો બાકીનો ભાગ ફળ કે શીંગની બહાર રહે છે. ઘણી વખત ઈયળ ફળની અંદર પણ જોવા મળે છે.

૭. ગોકળગાય:
------------

દક્ષિણ ગુજરાતમાં અતિ ભેજવાળા વિસ્તારમાં વવાતા રીંગણ અને અન્ય શાકભાજી જેવા કે મરચી, વેલાવાળા શાક જેવા કે પરવળ, ટીંડોળા વગેરે પાકમાં કુંપણો, પાન તથા થડની છાલ ખાઇને નુકસાન કરે છે. નવા ઉગેલ છોડને ગોકળગાય વધુ પડતું નુકસાન કરે છે. ચોમાસાની ઋતુમાં તેનો ઉપદ્રવ વધુ પ્રમાણમાં જોવા મળે છે.

સંકલિત જીવાત નિયંત્રણ:
------------------

૧. ખેતરમાં ઉનાળામાં ઉંડી ખેડ કરવી જેથી જમીનમાં રહેલ જીવાતોની કોશેટા અને અન્ય અવસ્થાઓ સૂર્યપ્રકાશનાં ખુલ્લી થાય અથવા પક્ષીઓ દ્વારા નાશ પામે.
ર. મરચીના ધરુ ઉછેર માટે જમીનને ઉનાળામાં સોઇલ સોલારાઇઝેશનથી અથવા આદર કરવું. સોઇલ સોલારાઇઝેશન કરવા માટે એપિ્રલ-મે મહિનામાં ધરુવાડિયાની જમીન ઉપર ૧૦૦ ગેજ (રપ માઇક્રોન) એલ.ડી.ડી.પી.ઇ. પ્લાસ્ટીક પાથરી, ધારો દબાવી ૧પ દિવસ સુધી રાખવું. આદર કરવા (રાબિંગ) ધરુવાડિયાની જમીન ઉપર ડાંગરનું પરાળ કે અન્ય કચરો ૧૦ થી ર૦ સે.મી. પાથરી તેને પવનની વિરુધ્ધ દિશાએથી સળગાવવું.
૩. ધરુવાડિયામાં જીવાતનો ઉપદ્રવ જણાય તો ટા્રયઝોફોસ ૪૦ ઇસી દવા ૧૦ લિટર પાણીમાં ૧ર મિલિ અથવા મીથાઇલ-ઓ-ડીમેટોન રપ ઈસી દવા ૧૦ મિલિ દવા પૈકી ગમે તે એક દવાનો ૧૦ લિટર પાણીમાં ભેળવી વારાફરતી છંટકાવ કરવો.
૪. ધરુવાડિયામાં કાબર્ોફયુરાન ૩ જી દવા પાયામાં ૧ ગુંઠાના ધરુવાડિયા માટે ૧ કિલો પ્રમાણે આપી ધરુ ઉછેરવું.
પ. ધરુની ફેરરોપણી વખતે શકય હોય તો ધરુના મૂળને ઈમીડાકલોપ્રીડ ર૦૦ એસએલ દવાના દ્રાવણમાં (ર.પ મિલિ ૧૦ લિટર પાણીમાં) છ કલાક બોળી રાખ્યા બાદ રોપવાથી ચુસિયા પ્રકારની જીવાતનું પાકની શરૂઆતની અવસ્થામાં નિયંત્રણ કરી શકાય છે.
૬. મરચી રોપ્યા પછી ૧પ દિવસે કાર્બોફયુરાન ૩ ટકા દાણાદાર દવા હેકટરે ૧૭ કિ.ગ્રા. પ્રમાણે આપવાથી ચુસિયા પ્રકારની જીવાતોનું લાંબા સમય સુધી નિયંત્રણ મળે છે.
૭. લીલી ઈયળના નિયંત્રણ માટે મરચીના પાક ફરતે પીળા રંગના આફિ્રકન ગલગોટા પિંજરપાક તરીકે રોપવા. લીલી ઈયળની માદા પીળા ગલગોટાના ફૂલ તરફ ઈંડા મુકવા આકર્ષાય છે. આવા છોડ પર દવા છાંટવાની જરૂર નથી ફૂલ તોડીને સીધુ વેચાણ કરી શકાય છે.
૮. થ્રીપ્સના નિયંત્રણ માટે ટ્રાયઝોફોસ ૪૦ ઇસી દવા ૧૦ મિલિ અથવા એસીફેટ ૭પ એસપી દવા ૧૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી ૧૦ થી ૧પ દિવસના સમયગાળે વારાફરતી છંટકાવ કરવો.
૯. પાનકથીરીના નિયંત્રણ માટે ૧પ દિવસે ઉપર જણાવ્યા મુજબ કાર્બોફયુરાન ૩ ટકા દાણાદાર દવા આપ્યા બાદ ૪પ, ૬૦, ૭પ અને જરૂર પડયે ૯૦ દિવસે ડાયકોફોલ ૧૮.પ ઈસી દવા ૧પ મિલિ અથવા એન્ડોસલ્ફાન ૩પ ઇસી દવા ર૧ મિલિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.