મોગરા અને પારસની રોપણી માટે કટકા કલમ અથવા તો દાબ કલમ, મૂળમાંથી ફુટેલા પીલા દ્વારા કરવામાં આવે છે. કટકા કલમ બનાવવા માટે છ માસથી એક વર્ષની ૧પ થી ર૦ સે.મી. લંબાઈની ડાળીઓના કટકા લઈ પાન તોડી ચોમાસામાં કયારામાં રોપવા. કટકા રોપ્યા બાદ જમીન સતત ભેજવાળી રાખવી. આ રીતે અઢી થી ત્રણ માસમાં કલમ તૈયાર થાય. ત્યારબાદ છોડને કયારામાંથી માટીના પીંડ સાથે ઉપાડી રોપણી માટે ઉપયોગ કરવો. દાબ કલમ બનાવવા માટે મોગરાના થડિયામાંથી નીકળતી વેલી જેવી લાંબી ડાળીઓમાંથી પાકટ ડાળી પસંદ કરી ગાંઠ નીચેના ભાગ પરથી વીંટી આકારે છાલ ઉખાડી ગાંઠ સાથેનો ભાગ જમીનમાં દાટી દેવો. ત્યારબાદ જમીનને સતત ભેજવાળી રાખવી. આ રીતે પણ અઢીથી ત્રણ માસમાં કલમ તૈયાર થાય છે. ત્યારબાદ માતૃછોડથી પીંડ સાથે કલમ ખોદી લઈ રોપણી માટે ઉપયોગમાં લેવી. પારસનાં મૂળમાંથી ફૂટેલ પીલોઓનો અથવા દાબ કલમનો નવા છોડ તરીકે ઉપયોગ થાય છે.