ગ્લેડીયોલસનું વાવેતર કંદથી થાય છે. રોપણી માટે ૪ થી પ સે.મી. વ્યાસના કંદ પસંદ કરવા. વાવેતર પહેલા કંદને ભેજવાળી જગ્યાએ રાખવાથી સ્ફૂરણ જલ્દી થાય છે. કંદની ઉપરનું લાલ પડ તોડીને ર૪ કલાક પાણીમાં બોળ્યા બાદ ૦.ર% કેપ્ટન અથવા ૦.૧% બાવિસ્ટીનના દ્રાવણમાં ૩૦ મિનિટ ડૂબાડવા. સાધારણ સ્ફૂરણવાળા કંદનો રોપવા માટે ઉપયોગ કરવો.
આ પાકને ઠંડી અનુકૂળ હોવાથી શિયાળાની ઋતુ દરમ્યાન સારી ગુણવત્તાવાળા ફૂલો મળી શકે. ગુજરાતમાં સામાન્ય રીતે સપ્ટેમ્બર થી ડીસેમ્બરના પ્રથમ પખવાડિયા સુધી તેનું વાવેતર થઈ શકે છે. જાન્યુઆરી માસ બાદના વાવેતરમાં ફૂલ આવતી વખતે ઉનાળો શરૂ થઈ જતા ફૂલની ગુણવત્તા પર હવામાનની વિપરીત અસર થાય છે. ગ્લેડીયોલસના કંદની રોપણી બે હાર વચ્ચે ૩૦સે.મી. અને બે છોડ વચ્ચે ૧પ થી ર૦ સે.મી. અંતર રાખી પ થી ૭ સે.મી. ઊંડાઈએ કરવી. આ માટે રેઈઝડ બેડનો ઉપયોગ કરવો જેથી પાણી કયારામાં ભરાઈ ના રહે.