ગ્રીન હાઉસમાં આખા વર્ષ દરમ્યાન સારો પ્રકાશ હોવો જોઈએ. તાપમાન ૧૮ ° થી ર૮° સે. જેટલું હોવું જોઈએ. જો તાપમાન ર૮° સે.થી વધુ હોય તો સાપેક્ષા ભેજ વધારવો જોઈએ. જેથી છોડની સપાટી પરથી પાણી ઉડતું અટકાવી શકાય. ગ્રીનહાઉસમાં રાત્રિ દરમ્યાન તાપમાન ૧પ° થી ૧૮°સે. અને દિવસ દરમિયાન તાપમાન ૩૦°સે. થી વધુ હોવુ જોઈએ નહિ. શિયાળાના સમયગાળા દરમિયાન, વધારાનો પ્રકાશ કટ ફલાવરના ઉત્પાદન માટે ખૂબ ફાયદાકારક છે. પ્રકાશ અને તાપમાનનો ગુણોત્તર જાળવવો ખૂબ જ જરૂરી છે. ગ્રીન હાઉસમાં ગુલાબના છોડનો વાનસ્પતિક વિકાસ, કટ ફલાવર ઉત્પાદન અને ફુલોની ગુણવત્તામાં વધારાના કાર્બન ડાયોકસાઈડ (૧૦૦૦ પીપીએમ સુધી) દ્વારા વધારો કરી શકાય છે.
વધુ પડતા તાપમાન અને ભેજથી ભૂકી છારો લાગવાની શકયતાઓ રહે છે. તળછારો જો તાપમાન ઠંડુ અને વધુ પડતો ભેજ હોય તો થવાની શકયતા છે. બાર કલાકથી ઓછી દિવસની લંબાઈ અને વાદળછાયંુ હવામાન છોડના વિકાસ માટે નુકશાનકારક છે.