Navsari Agricultural University
રોગ વ્યવસ્થાપન:
---------------

આગોતરા ઝાળ
-----------
આ રોગ શરૂઆતમાં પાન પર ગોળ કે અનિયમિત આકારના નાના કે મોટા કદના બદામીથી કાળાશ પડતા રંગના ટપકાના વચ્ચેના ભાગમાં ગોળાકાર કુંડાળાઓ હોય છે. કેટલીક જગ્યાએ ટપકાં ભેગા થઈ મોટા ડાધ થાય છે અને પાન સુકાઈને ખરી પડે છે. રોગની તીવ્રતા વધુ હોય તો ફળ ઉપર પણ બદામી કાળા રંગના ડાધ પડે છે. આમ, આખરે રોગિષ્ટ છોડ સુકાય જાય છે.

નિયંત્રણ
-------
ટામેટી વાવ્યા બાદ બે મહિના પછીથી અઠવાડિયાથી પંદર દિવસનાં અંતરે, મેન્કોઝેબ ૭પ% વે.પા. દવા ર૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં અથવા કલોરોથેલોનીલ ૭પ% વે.પા. દવા ૧૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ઓગાળીને છંટકાવ કરવો.

પાછોતરો ઝાળ
------------
આ રોગ જમીન જન્ય ફૂગથી થાય છે. જેમાં પાન, પાનની દાંડી અને થડ ઉપર આછા કથ્થઈ કે ભૂરાશ પડતા રંગના અનિયમિત આકારના ડાધા પડે છે. આ ડાધાની સંખ્યા અને કદ ખૂબ જ ઝડપથી વધે છે. રોગની તીવ્રતા વધુ હોય તો રોગિષ્ટ છોડમાંથી ખરાબ વાસ આવે છે તેમજ ફળની ઉપરના અડધા ભાગ પર ડાધા પડે છે અને થડના ભાગેથી ચીમળાઈને છોડ મરી જાય છે.

નિયંત્રણ
--------
૧. રોગમુકત વિસ્તારમાંથી બીજની પસંદગી કરવી.
ર. રોગ દેખાય કે તરત જ મેન્કોઝેબ ૭પ% વે.પા. દવા રપ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં અથવા કોપરઓકસીકલોરાઈડ પ૦ વે.પા.દવા ૪૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીં નો જરૂરીયાત મુજબ ૧૦ થી ૧પ દિવસનાં અંતરે ૩ થી૪ છંટકાવ કરવા.
૩. નાઈટ્રોજન યુકત ખાતર અને પિયત સપ્રમાણ આપવું.

સુકારો
------
આ રોગ ફયુઝેરીયમ ઓકઝીસ્પોરમ ફોર્મસ્પીસીસ લાઈકોપરસીકાઈ નામની ફૂગથી થાય છે. આ રોગના લક્ષણોમાં પાન નીચે લટકી પડે છે અને પીળા પડલા જોવા મળે છે.આખો છોડ સુકાઈ જાય છે. રોગિષ્ટ છોડને થોડા અઠવાડિયા બાદ કાપવામાં આવે તો છોડની વાહકનલિકાઓ બદામી રંગની થયેલ જોવા મળે છે. નિયંત્રણ
૧. બીજને ધરૂવાડિયામાં વાવતા પહેલા કાર્બન્ડાઝીમ પ૦% વે.પા. દવા ૩ ગ્રામ પ્રતિ કિલો પ્રમાણે માવજત આપવી.
ર. ટામેટાના પાકને વાવવાનાં ખેતરમાં લીલો પડવાશ કરવો અથવા છાંણિયા ખાતરનો સપ્રમાણ ઉપયોગ કરવાથી રોગ મહદ્અંશે નિવારી શકાય છે.
૩. પાક ૧ થી ર માસનો થાય ત્યારે, અથવા રોગનાં લક્ષાણ પાકમાં જોવા મળે ત્યારે કાબેન્ડાઝીમ પ૦% વે.પા.દવાનું દ્રાવણ ૧૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં થડ પાસે જમીનમાં પ૦ થી ૧૦૦ મિલિ આપવું.
૪. ધરૂ વાવતા પહેલા ટ્રાઈકોર્ડ્માનું કલ્ચર દરેક ખામણે આપવાથી રોગનું જૈવિક નિયંત્રણ ફાયદાકારક રહે છે.

બળિયા ટપકાંનો રોગ
----------------
આ રોગ ઝેનથોમોનાઝ કેમ્પેસ્ટ્રીસ પીવી વેસીકેટોરીયા નામનાં બેકટેરીયા (જીવાણુંથી) થાય છે.આ રોગનું પ્રમાણ ઓગષ્ટ થી સપ્ટેમ્બર માસમાં વધુ જોવા મળે છે.આ રોગને લીધે ટામેટાની બજારમાં કિંમત ઓછી મળે છે.આ રોગના લક્ષણોમાં પાન, થડ, પર્ણદંડિકા અને ફળ ઉપર પાણી પોચા, ખરબચડા બદામી થી કાળા રંગના વિસ્તૃત ભાગો જોવા મળે છે. રોગિષ્ટ ભાગની આજુબાજુ ધોળા રંગની આભાવાળો વિસ્તાર જોવા મળે છે. ટામેટાના છોડના પાન સુકાતા જોવા મળે છે.

૧. સ્ટ્રેપ્ટોસાઈકલીન ૧ ગ્રામ + ૧૦ ગ્રામ કોપરઓકસીકલોરાઈડ પ૦% વે.પા.ર૦ લિટર પાણીમાં ઓગાળી છોડ ઉપર છંટકાવ કરવાથી નિયંત્રણ જોવા મળે છે.
મૂળની ગાંઠ
આ રોગમાં મુળ ઉપર ગાંઠો જોવા મળે છે. છોડના પાન નીચે ઢળી પડે છે અને એકદમ સુકાઈ જાય છે. જેથી છોડનો વિકાસ રૂધાય છે.

નિયંત્રણ
--------
૧. ઉંડી ખેડ કરવી અને પાકની ફેરબદલી.
ર. કાર્બોફયુરાન ૩% દાણાદાર દવા હેકટરે ૩૦ કિ.ગ્રા. પ્રમાણે જમીનમાં આપવું.

વિષાણુંજન્ય રોગો
-------------
ટામેટાનાં પાકમાં ટોબેકોમોઝેક વાયરસ, કુકુમ્બર મોઝેઈક વાયરસ, પોટેટો વાયરસ, ટોમેટો લીફ કર્લ અને ટોમેટો સ્પોટેડ વિલ્ટ જેવા અનેક વાયરસોને લીધે રોગ થતા જોવા મળે છે.

સ્પોટેડ વિલ્ટ વાયરસ
---------------
આ રોગનો ફેલાવો થિપ્સથી થતો હોય છે. રોગવાળા છોડના પાન જાંબુડિયા રંગના જોવા મળે છે. ફળ ઓછા બેસે છે અને ફળ ઉપર અનિયમિત આકારના રીંગવાળા ચાઠા જોવા મળે છે.

નિયંત્રણ
-------
૧. ધરૂવાડિયામાં બીજ ઉગ્યા બાદ અઠવાડિયા પછીથી ફોરેટ ૧૦ % દાણાદાર દવા હેકટરે ૧.પ કિ.ગ્રા. સકિ્રયતત્વ પ્રમાણે આપવી.
ર. ધરૂવાડિયામાં અઠવાડિયે એક વખત થિ્રપ્સનાં નિયંત્રણ માટે શોષક કિટકનાશક દવા છાંટવી.
૩. ફેરરોપણી પછી ૧પ થી ૩૦ દિવસે કાર્બોફ્યુરાન ૩ % દાણાદાર દવા ૧.પ કિ.ગ્રા. સક્રિય તત્વ પ્રતિ હેકટરે આપવું.

ટામેટાનો કોકડવા
-------------
આ રોગ સફેદ માખીથી ફેલાય છે. પાન પીળા પડીને કોકડાઈ જાય છે. છોડ વામણો રહે છે અને પાકનો ઉતારો અડધો મળે છે અથવા મળતો નથી.

નિયંત્રણ
------
૧. ટામેટાની ફેરરોપણી વખતે ફોરેટ ૧૦ % દાણાદાર દવા ૧૦ કિ.ગ્રા. અથવા કાર્બોફયુરાન ૩% દાણાદાર દવા પ૦ કિલો પ્રતિ હેકટર પ્રમાણે જમીનમાં આપવાથી રોગનું અસરકારક રીતે નિયંત્રણ થાય છે.
ર. સફેદ માખીનાં નિયંત્રણ માટે ૬ થી ૭ વખત શોષક પ્રકારની જંતુનાશક દવાનો છંટકાવ અવારનવાર કરવો.

કાલવ્રણ અથવા ફળનો સડો :
----------------------
આ રોગ કોલેટોટ્રાઈકમ કેપ્સીસી નામની ફુગથી થાય છે. રોગને લીધે ડાયબેક (અવરોહમૃત્યુ) અને ફળનો સડો થતા જોવા મળે છે. આ રોગના લક્ષણોમાં રોગિષ્ટ ડાળીઓ ઉપર પાણી પોચા, બદામી રંગના ભાગ જોવા મળે છે. જે પાછળથી રાખોડી રંગના થઈ જાય છે. છોડ ઉપર ઝાકળ વધુ પ્રમાણમાં જમા થાય ત્યારે રોગની તીવ્રતા વધે છે. રોગિષ્ટ મરચાં પીળા પડે છે અને કહોવાઈ જાય છે.

નિયંત્રણ
-------
૧. બીજને વાવતાં પહેલા ૩ ગ્રામ પ્રતિ કિ.ગ્રા., થાયરમની બીજ માવજત આપવી.
ર. ખેતરમાં ધરૂ વાવ્યા બાદ ર માસ પછી મેન્કોઝેબ ૭પ વે.પા. દવા રપ ગ્રામ અથવા કોપરઓકસીકલોરાઈડ પ૦ વે.પા.દવા ર૦ ગ્રામ અથવા કલોરોથેલોનીલ ૭પ વે.પા. અથવા થાયોફેનેટ મિથાઈલ ૭૦ વે.પા. દવા રપ ગ્રામમાંથી કોઈપણ એક દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી ૧૦ થી ૧પ દિવસના અંતરે ૩ થી ૪ છંટકાવ કરવા.

ભૂકી છારો
--------
શાકભાજી પાકોમાં આ રોગ મરચી, ભીડા તેમજ વેલાવાળા પાકો દુધી, કારેલા, ધિલોડા, તુરીયા, પરવળ, તરબુચ અને શકકરટેટીમાં જોવા મળે છે. આ રોગ ફૂગથી થાય છે. જેમા પાકના પાન પર સફેદ ભુકા જેવી ફૂગની છારી જોવા મળે છે. જેની તીવ્રતા વધતા સફેદ છારીની જગ્યાએના પાનના કોષો સુકાઈ જાય છે અને પાન ખરી પડે છે. આથી છોડની વૃધ્ધિ અને વિકાસ અટકે છે. છોડમાં ફળોની સંખ્યા ઓછી રહે છે સાથે સાથે ફળનું કદ પણ નાનું રહે છે.

નિયંત્રણ
---------
રોગ દેખાય કે તરત વેટેબલ સલ્ફર ૮૦ વે.પા. દવા ૩પ ગ્રામ અથવા કાર્બન્ડાઝીમ પ૦% વે.પા. દવા ૧૦ ગ્રામ અથવા હેકઝોકોનાઝોલ પ ઈસી દવા ૧પ મિલિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. ત્યારબાદ ૧૦ થી ૧ર દિવસનાં અંતરે ર થી ૩ છંટકાવ કરવા.

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.