Navsari Agricultural University
૧. ડૂંખ અને ફળ કોરી ખાનાર ઈયળ :
------------------------------

આ જીવાતની ઈયળ સફેદ રંગની અને શરીર પર કાળા અને બદામી રંગના ટપકાં ધરાવતી હોય છે આથી તેને કાબરી કે ટપકાંવાળી ઈયળ કહે છે. તેનું પુખ્ત સફેદ અને આગળની પાંખ પર ફાચર આકારનો લીલો પટ્ટાવાળુ હોય છે. આ જીવાતની ઈયળ ભીંડાની પાકની શરૂઆતની અવસ્થામાં ભીંડાના છોડની કુમળી ડૂંખોમાં કોરાણ કરી નુકસાન કરે છે. ભીંડા પર શીંગો બેસવાની શરૂઆત થયેથી ઇયળ શીંગમાં કાણું પાડી અંદર પેસી જઇ ગર્ભ કોરી ખાય છે. આવી શીંગો વાંકી વળી ગયેલી દેખાય છે આવા ભીંડા ખોરાક તરીકે ઉપયોગમાં લઇ શકાતા નથી.

ર. તડતડીયા:
-------------

તડતડીયાના પુખ્ત કીટક ફાચર આકારના શંકુ જેવા આછા લીલા કે આછા પીળા રંગના હોય છે જે ત્રાંસા ચાલતા હોય છે. આ જીવાતના બચ્ચા અને પુખ્ત બંને છોડના કુમળા પાનમાં તેના મુખાંગો ઘુસાડી રસ ચૂસે છે જેથી પાન કોકડાઇ જાય છે પાન જાડા થઇ જાય છે અને તેને અડતા ફાટી જાય છે. વધુ ઉપદ્રવ વખતે પાનની ધારો લાલ થઇ આખું પાન લાલ થઇ જાય છે.

૩. મોલો :
----------

આ જીવાત ખુબ જ નાની, ૧ થી ૧.પ મીમી લંબાઈ ધરાવતી પોચા શરીરવાળી પીળા રંગની હોય છે. આ જીવાતના ઉદરના છેડે બે ભૂંગળીઓ હોય છે. આ જીવાતના બચ્ચાં અને પુખ્ત પાનની નીચેની સપાટીએ રહી પાનમાંથી રસ ચૂસે છે જેના કારણે પાન નીચેની બાજુએ વળી જાય છે. આ જીવાત પાનમાંથી રસ ચૂસી નુકસાન કરતી હોવાથી તેના શરીરમાંથી નીકળતો નકામો પદાર્થ મીઠો અને ચીકણો હોય છે. ચૂસિયા પ્રકારની જીવાતો સામાન્ય રીતે પાનની નીચેની સપાટી પર રહેતી હોય તેમના શરીરમાંથી નીકળતો પદાર્થ નીચેના પાનની ઉપરની સપાટી પર પડે છે તેની પર કાળી ફૂગ વૃધ્ધિ પામે છે જેથી છોડની પ્રકાશ સંશ્લેષણ ની ક્રિયા અવરોધાય છે અને છોડની વૃધ્ધિ અટકે છે.

૪. સફેદ માખી:
-------------

આ પણ એક બહુભોજી જીવાત છે જેનો ઉપદ્રવ રીંગણ, ટામેટા, મરચી ઉપરાંત કપાસ જેવા અન્ય પાકો ઉપર પણ જોવા મળતો હોય છે. પુખ્ત કીટક ઘણું જ નાનું, સફેદ દૂધિયા પાંખોવાળું તથા તેનું શરીર પીળાશ પડતા રંગનું હોય છે. બચ્ચાં અને કોશેટા પીળાશ પડતાં સફેદ રંગના, લંબગોળ અને ચપટાં હોય છે. બચ્ચાં અને પુખ્ત કીટક પાનની નીચેની બાજુએથી રસ ચૂસીને નુકસાન કરે છે જેથી પાન પીળા પડે છે અને છોડનો વિકાસ અટકી જાય છે બચ્ચાના શરીરમાંથી ચીકણા પદાર્થનો સ્ત્રાવ થવાથી પાન પર કાળી ફૂગનો વિકાસ થવાથી પાન કાળા પડી ગયેલા જોવા મળે છે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં અવરોધ થવાથી છોડનો વિકાસ અટકે છે.
ભીંડામાં સફેદમાખી પીળી નસના વાયરસથી (પીળીયા, બામણી) થતા રોગનો ફેલાવો કરે છે આથી ભીંડાના પાકમાં આ જીવાતને કાળજીપૂર્વક નિયંત્રણમાં લેવી જરૂરી બને છે.

પ. પાન કથીરી:
---------------

પાન કથીરી કદમાં ખૂબ જ નાની અને લાલ રંગની હોય છે. પાન કથીરી આઠ પગ ધરાવતી હોવાથી તે કીટકોથી થોડી જુદી પડે છે(કીટકો છ પગ ધરાવતા હોય છે). માદા પાન કથીરી પાન પર છુટા છવાયા ઈંડા મુકે છે જેમાથી નીકળતા બચ્ચાં અને પુખ્ત પાનની નીચેની સપાટી ઉપર જાળા બનાવી તેમાં રહી પાનમાંથી રસ ચૂસે છે. ઉપદ્રવિત પાનને જોતાં પાનની ઉપરની સપાટી પર સફેદ રંગના કે ઝાંખા લાલ રંગના અસંખ્ય ડાઘા દેખાય છે. જો ઉપદ્રવ વધુ હોય તો છોડની વૃધ્ધિ અટકી જાય છ. પાન પીળા પડી ખરી પડે છે.

૬. ચીકટો (મીલીબગ્સ) :
-------------------

ભીંડામાં સામાન્ય રીતે ચીકટાનો ઉપદ્રવ એકલ દોકલ ખેતરોમાં જ જોવા મળે છે પરંતુ છેલ્લા બે-ત્રણ વષ્ર્ાથી કપાસમાં ચીકટા(મીલીબગ્સ)નો ઉપદ્રવ મોટા પ્રમાણમાં જોવા મળે છે. મીલીબગ્સના માદા અને બચ્ચાં છોડના કુમળા ભાગમાંથી રસ ચૂસીને નુકસાન કરે છે. જેથી છોડ નબળા પડે છે. આ જીવાત તેના શરીરમાંથી ચીકણું મધ જેવું પ્રવાહી બહાર કાઢે છે જે પાન પર પડતાં અને તેની પર કાળી ફૂગ વિકસતાં છોડ કાળો પડે છે. છોડની પ્રકાશ સંશ્લેષ્ાણની કિ્રયા અવરોધાય છે.

૭. લીલી ઈયળ :
--------------

આ જીવાત બહુભોજી હોય મોટાભાગના શાકભાજીના પાકમાં નુકસાન કરતી જોવા મળે છે. આ જીવાતનું ફુદુ પીળાશ પડતાં બદામી રંગનું હોય છે. ઈયળ ઘણા રંગોમાં જોવા મળે છે ખાસ કરીને લીલા અથવા ભૂરા રંગની અને શરીરની બાજુમાં કાળાશ પડતાં રાખોડી રંગની પટ્ટીઓવાળી હોય છે. આ જીવાત ખૂબ જ ખાઉધરી હોય છે. આ જીવાત ભીંડા ઉપરાંત કોબી, ફલાવર, રીંગણ, મરચી, ટામેટી, તુવેર જેવા શાકભાજીના પાકો તેમજ કપાસ, જુવાર, મકાઇ, સૂર્યમુખી, વટાણા, પાપડી, ચણા જેવા અન્ય પાકોમાં પણ નુકસાન કરે છે. આ ઇયળ ફળમાં કે શીંગમાં કાણું પાડી શરીરનો અડધો ભાગ તેમાં દાખલ કરી અંદરનો ભાગ કોરી ખાઇ છે. શરીરનો બાકીનો ભાગ ફળ કે શીંગની બહાર રહે છે. ઘણી વખત ઈયળ ફળની અંદર પણ જોવા મળે છે.

૮. લશ્કરી ઈયળ :
---------------

આ જીવાત બહુભોજી હોય ભીંડા ઉપરાંત કપાસ, દિવેલા, કોબી, ફલાવર, સોયાબીન, મગફળી, રજકો, કઠોળ વિગેરે પાકોમાં પણ નુકસાન કરે છે. આ જીવાતની માદા ફુદી પાનની નીચેના ભાગમાં સમૂહમાં ઇંડા મૂકે છે જે રેશમી તાંતણાઓ દ્વારા ઢંકાયેલા હોય છે. ઈંડામાંથી નીકળેલ ઈયળ લીલાશ પડતી અને શરીરના આગળના ભાગે કાળા ટપકાં ધરાવતી હોય છે. આ ઈયળો શરૂઆતમાં સમૂહમાં પાનની નીચેની સપાટીએ રહી પાનનો લીલો ભાગ કોતરી ખાય છે જેથી પાન અર્ધપારદર્શક બની જાય છે. બે-ત્રણ દિવસ બાદ ઈયળ આખા છોડ પર ફેલાય જાય છે. ત્યારબાદ મોટી થયેલ ઈયળ દિવસે જમીનમાં સંતાઇ રહી રાત્રે બહાર આવી પાનમાં મોટા કાણાં પાડી નુકસાન કરે છે. વધારે ઉપદ્રવ વખતે પાનની મૂખ્ય નસ જ બાકી રહે છે અને છોડ ઝાંખરા જેવા થઇ જાય છે. આ જીવાતનો ઉપદ્રવ સમૂહમાં થતો હોય ઈયળ લશ્કરની જેમ હુમલો કરે છે તેથી તેને લશ્કરી ઈયળ કહે છે.

૯. પાન વાળનાર ઈયળ :
-------------------------

આ જીવાતની ઈયળ જાંબુડીયા રંગની હોય છે. ઈયળ નવા પાનને બાજુએથી વાળીને ભુંગળી જેવું બનાવી અંદર રહી નુકસાન કરે છે. પરિણામે પાન બદામી થઇ જાય છે અને ધીમે ધીમે સુકાઇ જાય છે. વધુ ઉપદ્રવ હોય તો સંપૂર્ણ છોડ બદામી દેખાય છે અને પાંદડા ખરી પડે છે.

૧૦. ગોકળગાય :
---------------

દક્ષિાણ ગુજરાતમાં અતિ ભેજવાળા વિસ્તારમાં વવાતા ભીંડા અને અન્ય શાકભાજી જેવા કે મરચી, વેલાવાળા શાક જેવા કે પરવળ, ટીંડોળા વગેરે પાકમાં કુંપણો, પાન તથા થડની છાલ ખાઇને નુકસાન કરે છે. નવા ઉગેલ છોડને ગોકળગાય વધુ પડતું નુકસાન કરે છે. ચોમાસાની ઋતુમાં તેનો ઉપદ્રવ વધુ પ્રમાણમાં જોવા મળે છે.

સંકલિત નિયંત્રણ :
--------------

૧. ભીંડાના બીજને વાવતા પહેલાં એક કીલો બીજ દીઠ ઇમીડાકલોપ્રીડ ૭૦ ડબલ્યુ એસ દવા ૧૦ ગ્રામ અથવા થાયોમીથોકઝામ ૭૦ ડબલ્યુ એસ દવા ૪.પ ગ્રામનો પટ આપવાથી પાકની શરૂઆતની અવસ્થામાં આવતી ચુસિયા પ્રકારની જીવાતો જેવી કે તડતડીયા, મોલો, થિ્રપ્સ, સફેદમાખીનુ એક માસ સુધી નિયંત્રણ થાય છે.
વધુમાં બીજ માવજત આપવાથી શરૂઆતમાં છોડ પર સીધી દવાના છંટકાવ ન થવાથી કુદરતમાં રહેલ પરજીવી-પરભક્ષી કીટકોની સંખ્યા વધશે જે જીવાતોનું જૈવિક નિયંત્રણ કરી ઉપદ્રવને કાબુમાં રાખવામાં મદદરૂપ થશે.
ર. ભીંડાનો પીળી નસનો રોગ સફેદમાખીથી ફેલાય છે જેથી બીજ માવજત આપવાથી સફેદમાખીનું નિયંત્રણ થતાં પીળી નસનો રોગનું પ્રમાણ ઘટે છે.
ભીંડામાં પીળી નસનો રોગ સફેદમાખીથી ફેલાય છે અને ભીંડાની પાક લેવાની શરૂઆત થાય તેના એક મહિના અગાઉ ગામમાં ભીંડાના/જંગલી ભીંડાના છોડ રહેવા દેવામાં ન આવે તો આ રોગનું જીવનચક્ર તોડી શકાય છે. આપણે ગામડામાં ઘરે ખાવા માટે વાડામાં ભીંડા કરીએ છીએ. આ ભીંડા મોટે ભાગે પીળીયાથી ઉપદ્રવિત હોય છે. આથી આવા ભીંડાના છોડ પાકની ઋતુ પહેલા દુર કરવા જોઇએ.
ખેતરમાં પીળી નસના રોગથી ગ્રસ્ત થયેલ એકલ દોકલ છોડ દેખાય તો તાત્કાલિક તેને ઉખેડી બાળી નાશ કરવો. આમ કરવામાં જેટલું મોડું થશે તેમ ખેતરમાં પીળી નસનો રોગ ઝડપથી ફેલાશે. છોડ ઉખેડયા બાદ તુરત જ સફેદમાખીના નિયંત્રણ માટે રાસાયણિક દવાનો છંટકાવ કરવો.
સફેદમાખીના રાસાયણિક નિયંત્રણ માટે ટ્રાયઝોફોસ ૪૦ ઇસી દવા ૧ર મિલિ અથવા એસીફેટ ૭પ ટકા સોલ્યુબલ પાવડર ૧૧ ગ્રામ અથવા એન્ડોસલ્ફાન ૩પ ઈસી દવા ર૧ મિલિ ૧૦ લિટર પાણીમાં ભેળવી ને છંટકાવ કરવો.
૩. ભીંડાની કાબરી ઇયળ ભીંડાની પાકની શરૂઆતની અવસ્થામાં કુમળી ડૂંખમાં નુકસાન કરે છે. આ અવસ્થા દરમ્યાન જીવાતની પહેલી પેઢી હોય છે અને તેનું નુકસાન સહેલાઇથી જાણી શકાતું હોય આવા સમયે આવી ચીમળાયેલ ડૂંખોને હાથથી તેના પોચાભાગ સુધી દબાવી અંદર રહેલ ઈયળને મારી નાખવાથી આ જીવાતની બીજી પેઢી ઓછી આવશે. ધારો કે આપણે ખેતરમાં આવા બે નુકસાનવાળા છોડ (ચીમળાયેલી ડૂંખોવાળા) રહેવા દીધા અને તેમાંથી અનુક્રમે નર અને માદા કીટક વિકસે અને માદા કીટક ૧૦૦ જેટલા ઈંડા મુકે તેમાંથી કુદરતી મૃત્યુ બાદ કરતાં પ૦ જેટલી ઈયળ બીજી પેઢીમાં આપણા ફળ બગાડી શકે.
ભીંડાના પાકમાં કાબરી ઈયળના ઉપદ્રવની શરૂઆતની જાણકારી મેળવવા માટે કાબરી ઈયળ માટેના ફેરોમોન ટ્રેપ હેકટરે પાંચ થી સાતની સંખ્યામાં મુકવા અને તેમાની લ્યુર(સેપ્ટા) સમયાંતરે બદલતા રહેવું.
સામાન્ય રીતે આપણે છોડ પરથી સારા ભીંડા તોડી લેતા હોય છે નુકસાનવાળા ભીંડા છોડ પર જ રહેવા દઇએ છીએ આથી ભીંડા તોડતી વખતે તૈયાર થયલ બધા જ ભીંડા તોડી લેવા અને ત્યારબાદ નુકસાનવાળા ભીંડા અલગ કરી બાળીને નાશ કરવો.
કાબરી ઈયળના ઈંડાની અવસ્થા ૪ થી ૯ દિવસની હોય ભીંડાની વીણી દર બીજા કે ત્રીજા દિવસે કરવાથી કાબરી ઈયળનું નુકસાન ઘટાડી શકાય છે.
ભીંડાની કાબરી ઈયળના નિયંત્રણ માટે બીટી(બેસીલસ થુરીન્જીએન્સીસ) પાવડર હેકટરે ૧ કિલો પ્રમાણમાં બે છંટકાવ પ્રથમ છંટકાવ ભીંડાના ફળમાં જીવાતના નુકસાનની શરૂઆત થાય ત્યારે અને બીજો છંટકાવ ત્યારબાદ ૧પ દિવસે કરવાની ભલામણ છે.
૪. પાન કથીરીના ઉપદ્રવની શરૂઆત એકલ દોકલ છોડથી થાય છે. શરૂઆતની અવસ્થામાં આવા છોડ શોધી કાઢી તેની પર દવા છંટકાવ કરી કે ઉખેડી બાળીને નાશ કરવો. ઉપદ્રવ વધારે હોય ત્યારે વેટેબલ સલ્ફર રપ ગ્રામ અથવા ઇથીઓન રપ મિલિ અથવા ફેનઝાકવીન ૧૦ મિલિ દવા પૈકી ગમે તે એક દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી દરેક છોડનું દરેક પાન સારી રીતે ભીંજાઈ તે રીતે કરવો. આ કથીરીએ દક્ષિાણ ગુજરાતમાં ભીંડાના પાકમાં ડાયકોફોલ દવા સામે પ્રતિકારક શકિત વિકસાવેલ હોય તેનો છંટકાવ ટાળવો.
પ. તડતડીયાના તથા મોલોના નિયંત્રણ માટે શોષ્ાક પ્રકારની દવા જેવી કે એસીફેટ ૭પ એસ પી ૧૧ ગ્રામ અથવા એસીટામીપ્રીડ ર૦ એસપી ૩ ગ્રામ અથવા થાયોમીથોકઝીમ દવા ૩ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
૬. ગોકળગાયના નિયંત્રણ માટે શેઢાપાળા પર ઘાસના કોહવાતા કચરામાં ગોકળગાયનું સંવર્ધન મોટા પ્રમાણમાં થતું હોવાથી આવી જગ્યાઓનો નાશ કરવો અને આવી જગ્યાએ જમીનમાંથી ઈંડાનો સમૂહ, બચ્ચાં તથા ગોકળગાય શોધી નાશ કરો.
શેઢાપાળા પરથી ગોકળગાયને ખેતરમાં આવતી અટકાવવા માટે તમાકુના ભુકાનો આશરે ૧ થી ર ફુટ પહોળો પટ્ટો ખેતરની ફરતે કરવો.ઉભા પાકમાં તમાકુનો ભુકો હેકટરે ૯૦ કિગ્રા પ્રમાણે છોડના થડની ફરતે ચાસમાં ભભરાવો. ગોકળગાયને સવારે અથવા સાંજે હાથથી વીણી કેરોસીનવાળા પાણીમાં ડુબાડી નાશ કરવો. સાંજના સમયે ખેતરમાં લીલા ઘાસની ઢગલી કરી સવારનાં આ ઢગલીનો ગોકળગાય સહિત નાશ કરવો.
૭. લશ્કરી ઈયળના ઉપદ્રવની જાણકારી મેળવવા માટે હેકટર દીઠ પ-૬ ફેરોમોન ટ્રેપ મુકવા તેમાંની લ્યુર્સ દર ૧પ દિવસે બદલતા રહેવું.
ઉપદ્રવની શરૂઆતમાં લશ્કરી ઈયળના વિષાણુવાળું એસ એન પી વી રપ૦ એલ ઈ પ્રતિ હેકટર પ્રમાણે સાંજના સમયે છાંટવું.આ જીવાતને દિવેલાના પાન પ્રત્યે ખાસ આકષ્ર્ાણ હોય પાકની ફરતે દિવેલા વાવી આ દિવેલાના છોડને દર બે દિવસે ચકાસી તેના પર મુકાયેઈ ઈંડા અને ઈયળના સમૂહને વીણી નાશ કરવાથી આ જીવાતનું નિયંત્રણ થઈ શકે છે.
૮. ભીંડાના પાકની જીવાતોના નિયંત્રણ માટે વનસ્પતિ જન્ય જંતુનાશકો જેવા કે લીંબોળીના પીંજનો અર્ક પ ટકા(૧૦ લિટર પાણીમાં પ૦૦ ગ્રામ અર્ક) અથવા લીંબોળીનું તેલ ૦.પ ટકા(૧૦ લિટર પાણીમાં પ૦ મિલિ) અથવા એઝાડીરેકટીન આધારિત જંતુનાશક દવા ૪૦ મિલિ ૧૦ લિટર પાણીમાં પંદર દિવસના અંતરે ચાર છંટકાવ કરવાની ભલામણ છે.

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.