એરોબીક રાઈસ સીસ્ટમમાં પાયાનો સિધ્ધાંત એ છે કે, પિયત વિસ્તારમાં ડાંગરના પાકમાં ઓછામાં ઓછા પાણીથી વધુ ઉત્પાદન મેળવવું. એરોબીક રાઈસ એટલે કે ખેડાયેલ સમતળ જમીનમાં ડાંગરની હારમાં વાવણી કરી, પાકના પૂરા સમય દરમ્યાન જમીનમાં પુરતો ભેજ રાખી, રોપાણ ડાંગરનાં જેટલું જ ખાતરનું પ્રમાણ રાખી, પાકને નિંદામણ મુકત રાખી ડાંગરની વધુ ઉત્પાદન મેળવવાની ખેતી પધ્ધતિ. આ પ્રકારની ડાંગરની ખેતી માટે વધુ ફુટ આવવાની ક્ષામતા ધરાવતી, મધ્યમ ઉંચાઈવાળી વહેલી કે મધ્યમ મોડી પાકતી અને વધુ ઉત્પાદન આપતી જાતની પસંદગી કરવી.
એરોબિક ડાંગરની જાતની પસંદગી
- ડાંગરની જે જાત દુકાળની પરિસ્થિતિમાં ટકી શકે તેવી અને નિન્દામણ સામે ટકકર ઝીલી શકે તેવી જાત એરોબિક રાઈસ કલ્ટીવેશન માટે અનુકૂળ આવે છે.
- આ પધ્ધતિ આપણા ગુજરાત રાજયમાં ડાંગરની જાત એન.એ.યુ.આર.-૧ ની ભલામણ કરવામાં આવેલ છે.
ખેતી પધ્ધતિમાં શું કરવું?
- ઉનાળામાં ડાંગર વાવણીના એક માસ અગાઉ ઉંડી ખેડ કરવી. કોહવાયેલ છાણિયું ખાતર નાખવું.
- તૈયાર કરેલ સુકી જમીનમાં જુન માસના ત્રીજા અથવા ચોથા અઠવાડિયામાં ચોમાસું શરૂ થવા અગાઉ ડાંગર બીયારણનું બે હાર વચ્ચે ૩૦ સે.મી.નાં અંતરે ઓરાણ કરવું. જમીનમાં ઘાવલ કરવું નહિ.
- બીજનું પ્રમાણ હેકટરે ૩પ-૪¬૦ કિલોગ્રામ રાખવું.
- બીજને એઝોટોબેકટર અથવા ઓઝોસ્પાયરીલમનો પટ આપવો.
- જરૂરીયાત પ્રમાણે પિયત આપવુ. પાકની કટોકટી અવસ્થાએ જમીનમાં ભેજ રહે તેની ખાસ કાળજી રાખવી. ઓછા પ્રમાણમાં પાણી આપવું. ખેતરને પાણીથી ભરવાની જરૂરિયાત નથી. પાકના જીવનકાળ દરમ્યાન જમીનમાં ભેજ રાખવો જરૂરી છે.
- નિંદામણ માટે આંતરખેડ કરવી અથવા હાથથી નિંદામણ કાઢી તેમજ નિંદામણનાશક દવા (બ્યુટાકલોર અથવા પેન્ડીમીથેલીન) નો ઉપયોગ પણ કરી શકાય.
- ખાતરનું પ્રમાણ ૧૦૦-૩૦-૦ ના.ફો.પો. કિલો/હે. રાખવું. જેમાંથી નાઈટ્રોજનયુકત ખાતર ત્રણ હપ્તામાં આપવું.