શેરડી લાંબા ગાળાનો અગત્ય રોકડિયો પાક છે. ખાંડ ઉદ્યોગ અન્ય કૃષિ આધારિત ઉધોગોમાં બીજા ક્રમ ધરાવે છે. ભારતમાં શેરડી એ ખાંડ માટેનો મુખ્ય સ્ત્રોત છે. ભારતના ૧૨.૩૪ લાખ ખેડુતો અને ખેતમજુરો શેરડી સંલગ્ન કાર્ય પર નિર્ભર છે. ઇન્ડીયન સુગર:એસોસીએશન આંકડા મુજબ વર્ષ ૨૦૧૮-૨૦૧૯માં ભારતમાં ૫.૧૫ મીલીયન હેક્ટરમાં શેરડીનું વાવેતર કરવામાં આવે છે અને ૩૮૩૦ લાખ ટન ખાંડનું ઉત્પાદન થાય છે ખાંડ ઉદ્યોગ એ દેશમાં વધતી જતી એનર્જી મેળવવા માટેનો એક નવો સ્ત્રોત બની રહ્યો છે કે જેનાથી કો-જનરેશન દ્વારા વીજળી અને ઇથેનોલ ઉત્પન્ન કરી શકાય તેમ છે. જે એનર્જી મેળવવા માટેનો એક રીન્યુએબલ ઘટક તરીકે ઉભરી શકે તેમ છે. બીજું વધતી જતી ખાંડની માંગ સાથે શેરડીમાંથી બનતી અન્ય પ્રોડ્ક્ટો બનાવવા માટેની તકો રહેલી છે.
ગુજરાત રાજયમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ''શેરડી'' એક મહત્વનો લાંબા ગાળાનો રોકડીયો પાક છે. ગુજરાત રાજયમાં સિંચાઈ સુવિધા વધતાં અને સહકારી ક્ષેત્રે ખાંડ ઉદ્યોગનો વિકાસ થતાં શેરડી પાક હેઠળના વિસ્તારમાં સારો એવો વધારો થયેલ જોવા મળેલ છે. કૃષિ આધારિત કાપડ ઉદ્યોગ પછી દ્રિતીય ક્રમે ખાંડ ઉદ્યોગની ગણતરી થાય છે.
રાજયનો ખાંડ ઉદ્યોગ ૧૦૦ % સહકારી માળખામાં છે તે એક વિશિષ્ટ બાબત છે. ખાંડ વેચાણ અને વિતરણ પર સરકારનો અંકુશ છે. પરંતુ સરકાર ધીરે ધીરે ખાંડ ઉદ્યોગને લેવી તેમજ વિતરણમાંથી મુકિત આપવા તરફ જઈ રહી છે. સાથે સાથે ખાંડની આયત પણ મુકત થઈ રહી છે. આમ સમગ્ર રીતે જોતાં શેરડીની ખેતી અને ખાંડ ઉદ્યોગને ટકાઉ બનાવવા માટે હેકટર દીઠ શેરડી તથા ખાંડનું વધુ ઉત્પાદન, સારી ગુણવત્તા, નફાકારકતા, શેરડીની ખેતી તેમજ ખાંડ ઉદ્યોગમાં વિવિધતા, પુરતા પ્રમાણમાં પુરવઠો અને ટકાઉપણુ મહત્વની બાબત છે. આ કાર્ય ખેડૂતો, સંશોધનકારો, સહકારી ખાંડ મંડળીના સંચાલકો અને સરકારના સહીયારા પ્રયત્નોથી જ શકય બની શકે. આ માટે રાજયનાં ખાંડ ઉદ્યોગ તેમજ શેરડીની ખેતીમાં રહેલી વિશિષ્ટતાઓ તેમજ ખામીઓ સમજી તેનો વ્યવહારુ ઉકેલ લાવવો જરૂરી છે.