શેરડીની ટકાઉ ખેતી માટે બીજ એ પાયાનું અને સૌથી અગત્યનું ઘટક છે. શેરડીની સફળ ખેતીનો મુખ્ય આધાર પણ ઊંચી ગુણવત્તાવાળા શુધ્ધ અને તંદુરસ્ત બીજ પર રહેલ છે. તંદુરસ્ત બિયારણ સારા પાકના પૂર્વગામી તરીકે ગુણવત્તાયુક્ત અને વધુ ઉત્પાદન મેળવવા માટે જરૂરી છે. સારા તંદુરસ્ત પાકમાંથી કટકા મેળવી કે જે રોગ-જીવાત મુક્ત હોય, જેની સ્ફુરણ શક્તિ ૮૫ % થી વધારે હોય તો તેને શેરડીનું સારૂ બિયારણ કહી શકાય. જાતોની આનુવંશિક શુધ્ધતા શેરડીના ઉત્પાદનમાં મહત્વનો ભાગ ભજવે છે. વર્ષો સુધી નબળી ગુણવત્તાવાળા બિયારણનો ઉપયોગ કરવાથી સારી જાતો પોતાના સારા ગુણધર્મો ગુમાવીને નામશેષ થયેલ છે. એક અંદાજ પ્રમાણે ફક્ત ગુણવત્તાસભર બિયારણના ઉપયોગથી ઉત્પાદનમાં ૧૦ થી ૧૫ % સુધીનો વધારો મેળવી શકાય છે. આમ ખેડૂતો સારી ગુણવત્તાવાળું, શુધ્ધ, કુમળું અને તંદુરસ્ત સારી જાતના બિયારણનો ઉપયોગ કરે તો શેરડી પાકમાં મહત્તમ ઉત્પાદન મેળવી શકે છે.
શેરડીના સાંઠાની ઉપરના ભાગમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે તથા સુક્રોઝનું પ્રમાણ ઓછું હોવાના કારણે ઉગાવો વધારે મળે છે. તદુપરાંત શેરડીના ઉપરના ભાગમાની આંખો પણ જીવંત અને વધારે તંદુરસ્ત હોવાના કારણે ઉગાવો ઝડપી અને જુસ્સાવાળો થાય છે. તેથી શેરડીના બિયારણ માટે શેરડીના સાંઠાનો ઉપરનો ૨/૩ જેટલો ભાગ વાપરવો વધુ લાભદાયક છે.
બિયારણની પસંદગી હંમેશા ૮ થી ૧૦ માસનાં રોપાણ પાકમાંથી જ કરવી. જો વધુ ઉમરનું બિયારણ લેવું પડે તો નીચેનો ૧/૩ ભાગ કાઢી નાંખવો અને ઉપરનો ર/૩ ભાગમાંથી ટુકડા પાડવા. બાંડી (ચમરી) સાથે ટુકડા રોપવા નહીં. શેરડીના બીજ તરીકે પસંદ કરેલ કટકાને બીજ માવજત આપવી જરૂરી છે.
બિયારણ પ્લોટ રોગ જીવાતમુકત હોવો જોઈએ. જો વધુ ઉમરનું બિયારણ લેવું પડે તો નીચેનો ૧/૩ ભાગ કાઢી નાંખવો અને ઉપરનો ર/૩ ભાગમાંથી ટુકડા પાડવા. બાંડી (ચમરી) સાથે ટુકડા રોપવા નહીં. શેરડીના બીજ તરીકે પસંદ કરેલ કટકાને બીજ માવજત આપવી જરૂરી છે.