સામાન્ય રીતે શેરડીની રોપણી ૯૦ સે.મી. થી ૧૨૦ સે.મી. ના અંતરે કરવામાં આવે છે. શેરડીના સારા ઉત્પાદન માટે રોપણી જોડીયા હારમાં કરવી. બે જોડીયા ચાસ વચ્ચે ૬૦ સે.મી. અને બે જોડીયા હાર વચ્ચે ૧૨૦ સે.મી.નાં અંતરે રોપવાથી શેરડીનું વધુ ઉત્પાદન મેળવી શકાય છે. ૧ર૦ સે.મી.નાં જોડિયા હાર પધ્ધતિથી વાવેતર કરવું હોય તેમણે નીકની બન્ને બાજુએ એકાંતરે ટુકડા ગોઠવવા.
પહોળા ગાળે વાવેતર પધ્ધતિ :
શેરડી રોપને પહોળા ગાળે વાવેતર કરવાથી પુરતા પ્રમાણમાં સુર્યપ્રકાશ લાંબા સમય સુધી મળવાથી પાકની ઉત્પાદકતા વધે છે અને રોગ-જીવાતના પ્રશ્નો ઓછા થાય છે. પહોળા ગાળે વાવેતર (૫ ફુટ અથવા તેનાથી વધુ) કરવાથી આંતરપાક લઇ શકાય છે અને યાંત્રિકરણનો ઉપયોગ સહેલાઇથી કરી શકાય છે તથા શેરડીની કાપણી મશીન દ્વારા કરી શકાય. એક આંખ રોપ તથા ટીસ્યુકલ્ચર છોડ માટે બે હાર વચ્ચે ૫ ફુટ અંતર રાખવુ. જ્યાં વધુ પવનનાં કારણોસર જો પાક ઢળી પડતો હોય અને યાંત્રિકરણ દ્વારા પાકની કાપણી ન થઇ શકતી હોય તો જોડીયા હાર પધ્ધતિમાં વાવેતર કરવુ. જોડીયા હાર પધ્ધતિમાં બે હાર વચ્ચે ૧.૫ થી ૨.૦ ફુટનું અંતર રાખવુ અને જોડીયા હારો વચ્ચે ૫ ફુટ કે તેથી વધુ અંતર રાખવુ. આમ જોડીયા હાર પધ્ધતિથી વાવેતર કરવાથી પાક ઢળી પડવા સામે રક્ષણ મેળવી શકાય છે. મશીન (હાર્વેસ્ટર) કાપણી માટે હારમાં વાવેતર કરવુ અનુકુળ છે. હાર પધ્ધતિમાં સપાટ (સબ સરફેસ) ટપક પધ્ધતિની લેટરલ લાઇન ૪’ થી ૬’ ફુટ રાખવી અને જોડીયા હાર પધ્ધતિમાં પણ હારો વચ્ચે લેટરલ લાઇન ૪’ થી ૬’ ફુટ રાખવી. પહોળા ગાળે વાવેતર પધ્ધતિમાં ઉત્પાદન અને આંતરપાકની આવક સાંકળા ગાળાના અંતરના વાવેતર કરતાં વધુ મળે છે. આંતરપાકના પિયત માટે જુદી ટપક પિયત પધ્ધતિ ગોઠવવી કે જેથી આંતરપાકની કાપણી બાદ કાઢી શકાય.