શેરડીનું સંર્વધન વાનસ્પતિક રીતે થતુ હોવાથી શેરડીની રોપણી પરંપરાગત રીતમાં કટકા દ્વારા કરવામાં આવે છે. આ રીતે શેરડી કરવાથી વધુ બિયારણનો વપરાશ થાય, શેરડીનો ઉગાવો ઓછો મળે, બિયારણ વાહતુકમાં તકલીફથી બિયારણની ગુણવત્તા પર અસર વિગેરે કારણોના લીધે ઉત્પાદન ખર્ચ પર માઠી અસર થાય છે. ખેડુતોની આવક બમણી કરવાના સરકારશ્રીના લક્ષને સાર્થક કરવા માટે ઉત્પાદકતા વધારી અને ખેતી ખર્ચ ઘટાડવાનો છે. આમ શેરડીના એક આંખના ટુક્ડા/આંખ દ્વારા રોપ તૈયાર કરી ફેરરોપણી કરવાથી બિયારણમાં ૮૦ % સુધીની બચત કરી શકાય તથા રોગમુક્ત તંદુરસ્ત અને ગુણવત્તાયુક્ત બિયારણ દ્વારા વધુ ઉત્પાદન મેળવી શકાય. પરંપરાગત પધ્ધતિ કરતા આ પધ્ધતિ ઓછી ખર્ચાળ અને મજુરોની બચત કરી શકાય તેમ છે. આ પધ્ધતિથી રોપણી કરવાથી શરૂઆતમાં પાણીની બચત કરી શકાય તેમજ પાક અવસ્થા દરમ્યાન પણ પાણીની બચત કરી શકાય. શેરડી રોપનું વાવેતર પહોળા અંતર વાવેતર કરવાથી પાકને પુરતી જગ્યા મળવાથી પાકને પુરતા પ્રમાણમાં જરૂરી સુર્ય પ્રકાશ, પોષણ, હવા ઘણા લાંબા સમય સુધી મળતો રહેવાના કારણે પાકની ઉત્પાદક્તા વધારી શકાય અને સાથે સાથે આંતરપાક લેવા માટે અનુકુળ થઇ શકે અને યાંત્રિકરણ દ્વારા પાક્ની કાપણી થઇ શકે તેમ છે.
એક આંખના ટુકડાની તૈયારી :
શેરડીની એક આંખના ટુક્ડા/આંખ રોપની ઉછેર માટેના મુખ્ય પગલા નીચે મુજબ છે.
- ૬ થી ૮ માસની શેરડીના એક આંખના ટુક્ડા/આંખ રોપ ઉછેર માટે પસંદ કરવી. સીંગલ બડ સેટ કટર અથવા બડ ચીપ્સ મશીનનો ઉપયોગ કરવો.
- શેરડીના એક આંખના ટુકડાને પોષક તત્વો અને રાસાયણિક દવાનો પટ સેટ ટ્રીટમેન્ટ ડીવાઇસ અથવા બોળીને આપવી (૦.૧ % યુરિયા, FeSo4 અને ZnSo4 અને ૦.૦૪ % પ્રોપીકોનાઝોલ ફુગનાશક અને જીવાતનાશક) દવાનો પટ આપવો.
- ૧:૧:૧ ના પ્રમાણમાં રેતી, જમીન અને છાણિયુ ખાતર/કોકો પીટ લઇ તેને પ્રો ટ્રે/કેવીટી ટ્રેમાં ભરી એક આંખના ટુકડાને આંખ ઉપર રહે તેમ ગોઠવવા અને મિશ્રણથી ઢાંકી દેવા અને ફુવારાથી પિયત આપવું.
- પ્રો ટ્રે માં એક આંખના ટુકડાને રોપી ટ્રે એક ઉપર એક ગોઠવી પોલીથેલીન શીટથી ૫ થી ૬ દિવસ સુધી ઢાંકવી.
- ૫ થી ૬ દિવસ બાદ પ્રો ટ્રે ને જમીન પર પોલી હાઉસમાં સપાટ ગોઠવવી.
- રોપને જરૂરી પિયત ફુવારા મારફત આપવું.
- રોપ ૩૦ થી ૩૫ દિવસ બાદ ફેરરોપણી માટે તૈયાર થઇ જશે.
- ૩૦ થી ૩૫ દિવસના રોપને મુખ્ય ખેતરમાં શેરડી ટ્રાન્સપ્લાન્ટર અથવા ખાડા ખોદી ૫ x ૨ ફુટના અંતરે વાવેતર કરવુ.
- એક એકર માટે ૫૦૦૦ રોપ તથા એક હેક્ટર માટે ૧૨૦૦૦ રોપની જરૂરિયાત રહે છે.
- ફેરરોપણી કર્યા બાદ તરત જ પિયત આપવુ