રજનીગંધાના વધુ ઉત્પાદન અને સારી ગુણવત્તાના ફૂલ માટે સારી જાતના કંદ જરૂરી છે. કંદને એક માસનો આરામ આપ્યા બાદ રોપણી કરવાથી વનસ્પતિક વૃધ્ધિ તથા ફૂલનું ઉત્પાદન સારૂં મળે છે. કંદને ફૂગનાશક દવા કોપર ઓક્ષીકલોરાઈડ (૩૦ ગ્રામ/૧૦ લિટર પાણીમાં ર૦ મિનિટ)ની માવજત આપીને રોપણી કરવી. કંદને છૂટા પાડીને રોપવા, આખા જડિયા રોપવાથી વાનસ્પતિક વૃધ્ધિ વધુ થશે જયારે ફૂલની દાંડીની ગુણવત્તા ખરાબ થશે.
સામાન્ય રીતે ર થી ૩ સે.મી. વ્યાસવાળા કંદ રોપણી માટે પસંદ કરવા જોઈએ. કંદનું વજન ૩૦ થી ૬૦ ગ્રામ હોય તો સારૂ ઉત્પાદન મળે છે. રોપણીની ઊંડાઈ ૪ થી ૭ સે.મી. ઊંડાઈએ તેનું કદ, જમીનનો પ્રકાર અને વિસ્તાર પ્રમાણે રાખી શકાય. સામાન્ય રીતે એપ્રિલ, મે તથા જૂન માસમાં રોપણી કરવી જોઈએ. જો તાપમાન વધુ ઓછું ન હોય તો શિયાળા દરમ્યાન પણ રોપણી કરી શકાય. દર ત્રણ વર્ષે નવેસરથી રોપણી કરવી જરૂરી છે. બે હાર વચ્ચે અને બે છોડ વચ્ચે ૩૦ સે.મી. અંતરે રોપણી કરવી જોઈએ.