ગુલછડીને કટ ફલાવર તરીકે બજારમાં વેચવાની હોય કે તેમાંથી સુગંભિત તેલ કાઢવાનું હોય તેની કાપણી યોગ્ય અવસ્થાએ કરવી જરૂરી છે. કટ ફલાવર માટે ફૂલદાંડીની કાપણી સૂર્યોદય પહેલાં કરવી જોઈએ જયારે છૂટાં ફૂલ, હાર બનાવવા કે બીજી રીતે વપરાશ માટે ખીલેલા ફૂલ સવારે તોડવા જોઈએ. મોડી કાપણી કરવાથી સુગંધિત તેલના ઉત્પાદનમાં ઘટાડો થાય છે. અર્ધ ખીલેલી કળીઓ કરતાં તાજા ખીલેલા ફૂલમાં સુગંધિત તેલનું પ્રમાણ વધુ હોય છે તેથી તેલ માટે આખી દાંડી ન કાપતા માત્ર તાજા ખીલેલા ફૂલો જ વહેલી સવારે તોડવા જોઈએ. કટ ફલાવર માટે નીચેની પહેલી ફૂલની જોડી ખૂલે ત્યારે સીકેટર વડે દાંડી કાપી પાણીની ડોલમાં મૂકવી જોઈએ. દાંડી પર ફૂલ ખીલવાની શરૂઆત નીચેથી ટોચ તરફ થાય છે. બજારમાં મોકલતાં પહેલાં ફૂલ દાંડીનું વર્ગીકરણ કરવું જોઈએ જેથી સારા ભાવ મળી રહે. ફૂલની દાંડીનું ગ્રેડીંગ દાંડીની લંબાઈ ફૂલના ગાળાની લંબાઈ અને ફૂલની ગુણવત્તા પ્રમાણે કરી, તેના બંડલ બનાવી (આશરે ૧૦ અથવા ૧ર દાંડી) દાંડીના નીચેનાં ભાગને ભીના છાપાના કાગળમાં વીંટાળવા જોઈએ. આ બંડલને પોચા, સફેદ ટિશ્યૂ પેપર કે પોલીથીનમાં વીંટાળવા જોઈએ. ફૂલવાળો ભાગ ઉપર તરફ રહે તે રીતે બંડલ બનાવી રેલ્વે અથવા રોડ ટ્રાન્સપોર્ટ મારફત બજારમાં મોકલાય છે.)
કટ ફલાવર તરીકે ફૂલદાંડીને ઘરની અંદર સુશોભન માટે લાંબા સમય રાખવા માટે ફલાવર વાઝમાં ખાંડ(સુક્રોઝ) ૧ થી ૪%નું દ્રાવણ, સાઈટ્રીક એસિડ (૦.૧ થી ૦.પ%) અને એલ્યુમિનિયમ સલ્ફેટ (૦.૧ થી ૦.પ%) જીબ્રેલિક એસિડ (૦.૦પ%) દ્રાવણમાં રાખવાથી ૧૦ થી ૧ર દિવસ સુધી ટકી શકે છે.