ફૂલનું ઉત્પાદન પાકની જાતો તથા રોપણી સમયે કંદનું કદ, રોપણીનો સમય તથા રોપણીની ગીચતા અને અન્ય માવજત ઉપર આધાર રાખે છે. એક કંદમાંથી એક થી બે જ ફૂલદાંડી નીકળે છે પરંતુ મુખ્ય કંદની આજુબાજુ બાઝતા કંદ જેમ જેમ પરિપકવ થતા જાય તેમ તેમ તેના પર ફૂલ દાંડી આવતી જાય છે. પ્રથમ વર્ષે અંદાજીત ૧.પ લાખ, બીજા અને ત્રીજા વર્ષે ર.પ થી ૩ લાખ ફૂલ દાંડીનું ઉત્પાદન મળે છે.
ગુલછડીના કંદને ઉખેડવાની કામગીરી પરિપકવ થવાની અવસ્થાએ કરવી જોઈએ. ફૂલ ઉતારવાનું બંધ થાય અને છોડની વૃધ્ધિ અટકી જાય ત્યારે લણણી કરવી. આ સમયે પિયત બંધ કરવું અને પાન જમીનની સપાટીએ કાપી નાંખી કંદની બહાર કાઢવા જોઈએ. રોપણીના ત્રણ વર્ષ પછી એક કંદની આજુબાજુ ૬ થી ૮ મોટા કદના કંદ તેમજ ર૦ થી રપ નાના કંદ(બલ્બલેટસ) મળે છે. કંદની આજુબાજુ વળગેલી માટી દૂર કરી કંદ છૂટા પાડવા, લીલા પાન તથા લાંબા મૂળ કાપી કંદને જુદા જુદા કદ પ્રમાણે વર્ગીકરણ કરવું, કંદને ઠંડા, સુકા અને છાંયડાવાળી જગ્યાએ સંગ્રહ કરવો. રોપણી પહેલાં ૪ થી ૬ અઠવાડીયાનો સંગ્રહ કરવો જરૂરી છે.