જમીન અને આબોહવા
-------------------------
સામાન્ય રીતે ચોમાસામાં તુવેરના પાકનું વાવેતર કરવામાં આવે છે. પરંતુ મોટા ભાગની જાતો લાંબાગાળે પાકતી હોવાથી શિયાળામાં પણ આ પાક ખેતરમાં ઉભો રહે છે. તુવેરનો પાક સામાન્ય રીતે બિનપિયત તરીકે લેવામાં આવતો હોવાથી ભેજનો સંગ્રહ કરી શકે તેવી જમીનમાં સારો થાય છે.
સારી નિતાર શકિત ધરાવતી, ગોરાળુ, બેસર, મધ્યમકાળી જમીન તેને વધારે અનુકૂળ આવે છે. પરંતુ ભારે કાળી જમીનમાં તુવેરને પાળી બનાવી તે પર અથવા તો ગાદી કયારા બનાવી તે ઉપર રોપવાથી મૂળ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા ઓછી થતા તુવેરનો વિકાસ સારો થાય છે અને સૂકારા જેવા રોગોનું પ્રમાણ ઓછું રહે છે.
જમીનની તૈયારી:-
તુવેરના છોડનાં મૂળ જમીનમાં ઘણા ઉંડા જતા હોવાથી આ પાકને માટે ઊંડી ખેડ કરી તૈયાર કરવાથી ફાયદો થાય છે. અગાઉનો પાક કાપી લીધા પછીથી જમીનમાં ૧-ર વખત હળથી અને ૧-ર વખત કરબથી ખેડ કરી જમીન ભરભરી બનાવવી જોઈએ. તુવેરનો છોડ જમીનમાં પાણી ભરાઈ રહેતા કહોવાઈ જાય છે. જયારે અપુરતો વરસાદ હોય તો જમીનમાં ભેજની ખેંચને લીધે ઉત્પાદન ઉપર માઠી અસર થાય છે. તેથી જમીન તૈયાર કરતી વખતે ૮ થી ૧૦ ટન/હેકટર છાણીયું અથવા ગળતીયું ખાતર નાખી પછી ખેડ કરવાથી જમીનની પ્રત સુધરે છે. જમીનની ભેજ સંગ્રહ શકિત/નીતાર શકિત વધે છે. છાણીયા અથવા ગળતીયા ખાતર સાથે ટ્રાયકોડમર્ા ફુગનું કલ્ચર ઉમેરી થોડા ભેજ સાથે ર-૩ દિવસ છાયડે રાખી જમીનમાં નાંખવાથી સુકારાનો રોગ કાબૂમાં આવે છે. ચોમાસા ઋતુની તુવેરની વાવણી માટે જમીન વરસાદ આવે તે પહેલા વાવણી માટે તૈયાર રહે તે રીતે સમયસર તૈયાર રાખવી જેથી વરસાદ થતા તૂરંત વાવણી કરી શકાય, જયારે રવી ઋતુની વાવણી માટે ડાંગરની કયારીમાં યોગ્ય ભેજ હોય ત્યારે ઊંડી ખેડ કરી જમીન ભરભરી થાય તે રીતે તૈયાર કરી તૂરંત વાવણી કરવી જોઈએ. રવિ ઋતુ માટે ૧પ મી ઓકટોબરથી ૧૦ મી નવેમ્બર સુધીમાં વાવણી કરી દેવી જોઈએ.