લેયર પક્ષીનો નો આહાર:
ઇંડા આપતી મરઘી જે ખોરાક આપવામાં આવે છે તેને ‘લેયર મેશ’ કહેવાય છે ઉપાડનો આધાર ઋતુ, વાતાવરણ તેમજ ખોરાક્ની ગુણવત્તા પર રહે છે. ખોરાક દિવસ માં ૨-૩ વખત મુકવો. ઉનાળામાં ઠંડા પહોરે ખોરાક મુકવાની આદત રાખવી જોઇએ. ઇંડા મુક્તી મરઘીને વધારાની કેલ્શીયમની પણ ખાસ જરુરીયાત રહે છે. આ માટે ખોરાક સાથે છીપલા આપવા જોઇએ. ચીપલા ખાય તેટલા ન આપવા જોઇએ, ૧૦૦ પક્ષીએ ૧.૫ કિ.ગ્રા. પ્રમાણે અઠ્વાડિક ધોરણે નિયમીત રીતે આપવા જોઇએ. યાદ રાખો કે છ કલાક સુધી પક્ષીઓ જો ભુખ્યા રહે તો ઇંડા ઉત્પાદન ઘટે છે અને જો ૧૨ કલાક ભુખ્યા રહેતો પીંછા ખેરવવાનું શરૂ કરે છે. એટલે ખોરાક નિયમીત આપો. ઇંડા આપતી મરઘીને સરેરાશ ૧૧૦ થી ૧૨૦ ગ્રામ ખોરાક (લેયર મેશ) ની દૈનિક જરુરીયાત રહે છે. આર.આઇ.આર. જેવી પ્રમાણમાં ભારે વજનવાળી જાતને દૈનિક ૧૨૦-૧૪૦ ગ્રામ ખોરાકની જરુરીયાત રહે છે. ખોરાક માટે પક્ષી દીઠ ૪” થી ૫” ની જગ્યા ફાળવવી જોઇએ અને તે મુજબ ખોરાકનાં આવશ્યક સાધનો રાખવા જોઇએ. યાદ રાખો કે, ખોરાકની જરુરીયાત વપરાશને ઇંડા ઉત્પાદન સાથે સીધો સબંધ છે.
બ્રોઇલર પક્ષીનો આહાર:
બ્રોઇલર પક્ષીને જે ખોરાક આપવામાં આવે છે તેને ‘બ્રોઇલર મેશ’ કહેવાય છે. શરૂઆતના ૪-૫ અઠવાડિયા બ્રોઇલર સ્ટાર્ટાર અને ૫ અઠવાડિયા પછી વેચાણ થાય ત્યાં સુધી ‘બ્રોઇલર ફીનીશર’ આપવામાં આવે છે. બ્રોઇલર પક્ષી ટૂંકા ગાળા માટે ઉછેરવામાં આવતા હોવાથી શરૂઆતથી જ ઉત્તમ કક્ષાનો વિશ્વાસુ જગ્યાએથી ખરીદેલો ખોરાક આપવો જોઇએ. જો કોઇ થોડા સમય માટે પણ ખોરાક ની ઉણપ રહેશે તો વ્રૂધ્ધિ, વજનમાં ઘટાડો થવાની પુરી સંભાવના છે. નાના બચ્ચાં ને દર ૫ ફૂટે અને મોટા બચ્ચાંને દર ૧૦ ફૂટે ખોરાક પાણી મળી રહે તેની કાળજી રાખો.