ભારત દેશમાં ખાંડ ઉદ્યોગ એ કૃષિ આધારિત, કાપડ ઉદ્યોગ પછી બીજા નંબરનું સ્થાન ધરાવે છે અને તેનો હિસ્સો જી.ડી.પી. માં ૨.૦ % જેટલો છે. આપણા દેશમાં સને ૨૦૧૯-૨૦ના વર્ષમાં શેરડીનું કુલ ૪૮.૪ લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયેલ હતુ જ્યારે તેનું ઉત્પાદન ૩૪૪૦ લાખ ટન, ઉત્પાદકતા ૭૧.૧ ટન/હેક્ટર અને રીકવરી ૧૦.૮૪ % જેટલી છે (ઇન્ડીયન સુગર-ડીસેમ્બર-૨૦૨૦). ઘાસચારો, રેસા, બળતણ અને ખોરાક જેવી પેદાશનો મુખ્ય સ્ત્રોત શેરડી દક્ષિણ ગુજરાતનો એક અગત્યનો રોકડિયો પાક છે. તેનું સામાજીક, આર્થિક અને રાજકીય મહત્વ છે, પરંતુ આજના જળવાયુ પરિવર્તન, રોગો અને જીવાતોના કારણે શેરડીની ઉત્પાદન અને ઉત્પાદકતામાં ઘટાડો થયેલ જોવા મળે છે.
શેરડીના પાક માટે મોટા જથ્થામાં બિયારણની જરૂરિયાત, બિયારણની બહોળા પ્રમાણમાં થતી હેર-ફેર, એક જ જાતનું મોટા પ્રમાણમાં વાવેતર, રાસાયણિક ખાતર તેમજ પિયતનો વધુ પડતો ઉપયોગ, સેન્દ્રિય ખાતરો અને જમીનની નિતાર શક્તિનો અભાવ, પાકની ફેરબદલી તથા લીલા પડવાશનો અભાવ, ફુગનાશક દવાનો વધુ વપરાશ, વેધકોનું વધારે પ્રમાણ જેવા કારણોને લીધે શેરડીમાં રોગોના પ્રશ્નો દિવસે-દિવસે જટીલ બનતા જાય છે.
આપણા દેશમાં શેરડી પાકમાં ફુગ, જીવાણું, વિષાણું, માયકોપ્લાઝમા જેવા રોગકારકોને લીધે ૫૦ થી વધુ રોગોનો ઉપદ્રવ નોંધાયો છે. શેરડીના મુખ્ય રોગો જેવા કે રાતડો, સુકારો અને ચાબુક આંજીયાને કારણે ઉત્પાદનમાં ૧૦ થી ૧૫ % અને ખાંડ રીકવરી ૦.૫% થી ૨.૦% સુધી ઘટાડો જોવા મળે છે. શેરડી પાકમાં રોગકારકો મુજબ રોગોનું વર્ગીકરણ નીચે મુજબ છે.
(૧) ફુગથી થતા રોગો : રાતડો, સુકારો, ચાબુક આંજિયો, ટુકડાનો સડો, પોક્કાહ બોઇંગ અને ગેરૂ વગેરે.
(૨) જીવાણુંથી થતા રોગો : ઘાસીયા જડા (લામ વામતા), લીફ સ્કાર્ફ અને પાન પર લાલ પટ્ટા વગેરે.
(૩) વિષાણુંથી થતા રોગો : પીળા પાનનો રોગ (YLD), મોઝેક અને લીફ ફ્લેક વગેરે.