'જાસ્મીન'એ પુરાતન કાળથી મનુષ્ય દ્વારા ઉગાડાતું એક સુગંધિત ફુલ છે. ભારતમાં 'જાસ્મીન'ની ૮૦ થી વધુ પ્રજાતિઓ જોવા મળે છે. જેમાંથી મોગરો, જુઈ, ચમેલી અને પારસ મુખ્ય છે. તેના ફુલનો ઉપયોગ વેણી, હાર બનાવવા તેમજ પૂજા પાઠમાં છૂટા ફૂલ તરીકે થાય છે. આ ઉપરાંત તેમાંથી અત્તર પણ બનાવી શકાય છે. મોગરાના ફુલ ખાસ કરીને ઉનાળામાં આવતા હોય છે. જયારે પારસનાં ફુલ શિયાળામાં ખીલતા હોય છે. પારસના ફુલ મોગરા જેવા જ પરંતુ તેમાં ઓછી સુગંધ હોય છે. મોગરો/પારસ ઘર આંગણ કયારામાં તેમજ કુંડામાં પણ ઉછેરવામાં આવે છે. કારણ કે બગીચામાં તેનું એક વિશિષ્ટ સ્થાન છે.
આપણા રાજયમાં હાલ ભરૂચ, વડોદરા, અમદાવાદ, સુરતના ફુલ બજારમાં મોગરાની માંગને ધ્યાને રાખી તેનું વાવેતર ઓછાવત્તા પ્રમાણમાં થાય છે. મોગરાની ખેતી દક્ષિાણ ભારતમાં તામિલનાડુ અને કર્ણાટકના વિસ્તારોમાં બહોળા પ્રમાણમાં થાય છે. જેનો ઉપયોગ ખાસ કરીને સુગંધી તેલ (અત્તર) બનાવવામાં થાય છે. ઉત્તર ભારતમાં લખનૌ તથા મહારાષ્ટ્રમાં પૂના, નાસિક વિસ્તારમાં પણ મોગરા વ્યાપારિક ધોરણે ઉગાડવામાં આવે છે. આ ફુલપાકની ખેતીમાં ફુલો વણવા તથા અન્ય ખેતકાર્યો માટે મજૂરોની નિયમિત જરૂરિયાત રહે છે. તેથી નાનો અથવા સીમાંત ખેડૂત કે જેની પાસે ૧ એકરથી ઓછી જમીન ધરાવે છે. તેના માટે આ એક આદર્શ ફુલપાક ગણાય છે. જેમાંથી તેને ઓછા વિસ્તારમાં સારી આવક મળે છે.