ગુલાબને ફુલોનો રાજા કહેવામાં આવે છે. ગુલાબ એ કુદરતનું સૌથી સુંદર સર્જન છે. ગુલાબ એ વિશ્વનું સૌથી જાણીતું અને પ્રખ્યાત કટફલાવર છે. વિશ્વના ફુલ ઉદ્યોગમાં ગુલાબનું સ્થાન સૌથી મોખરે છે. જે આશરે ૧.પ બીલીયન ડોલરનું વેચાણ ધરાવે છે. ફકત હોલેન્ડ એકલામાં ગુલાબનું બજાર અંદાજે પ૦૦ મીલીયન અમેરીકન ડોલર છે જે વાર્ષિક ૭-૮ ટકાના દરે વધતું રહે છે.
ગુલાબની ખેતી એ ખુબ જ નફાકારક છે. ભારતના ઘણાં ભાગોનું હવામાન ગુલાબને માફક આવે છે. અને આખા વર્ષ દરમ્યાન ગુલાબના ફુલ ઉગાડી શકાય છે. શિયાળા દરમ્યાન સારી ગુણવત્તાવાળા ફુલો મેળવી શકાય છે અને તેની માંગ પણ બજારમાં સારી રહે છે.
શીત કટિબંધના દેશોમાં શિયાળામાં તાપમાન શૂન્ય કરતાં પણ નીચે જતુ હોઈ, કૃત્રિમ રીતે ર૬° -ર૮° સેં.ગ્રે. તાપમાન અને પ્રકાશ જાળવવા ગ્રીનહાઉસને ગરમ કરવું પડે છે. જે વધુ મોંઘુ પડે છે. કોલંબિયા,કેન્યા અને બીજા આફ્રીકન દેશો ગુલાબના કુલ ઉત્પાદનનો ૩૦ ટકા હિસ્સો ધરાવે છે. જયારે ભારતનો ફાળો નોંધપાત્ર નથી, છેલ્લા દાયકાથી આપણાં દેશમાં ફુલ ઉદ્યોગનું મહત્વ વધ્યુ છે, જેથી ભારતમાં ગુલાબની નિકાસ માટે તથા વિદેશ ચલણ કમાવવા માટે ઘણી જ તકો રહેલી છે.જયારે આપણે વિદેશના બજાર જેવા કે યુરોપ, જાપાન, અમેરિકા માટે ગુલાબ ઉગાડવા હોય ત્યારે તે દેશોમાં પ્રચલિત જાતો અને ગુણવત્તાના ઉંચા ધોરણો જેવા કે કળીનું કદ, દાંડીની લંબાઈ, લીલા ચળકતાં પાન, રોગ અને જીવાત મુકત ફુલો ધ્યાનમાં રાખવા પડશે. ઘણી વખત જે જાતો ત્યાં પ્રચલિત છે તે ખુલ્લી જગ્યામાં બરોબર ઉગાડી શકાતી નથી અને જો ઉગાડવામાં આવે તો રોગ-જીવાતનું નિયંત્રણ અને હવામાનના ફેરફાર સામે બરોબર ટકી શકતાં નથી આ સંજોગોમાં નિકાસ માટેના ફુલોને નિયંત્રિત વાતાવરણ હેઠળ પોલી હાઉસ કે ગ્રીનહાઉસમાં ઉગાડવા જોઈએ.