Navsari Agricultural University

ડાંગરના ચુસિયાં

ડાંગરના પાકમાં મુખ્યત્વે પાનના લીલા ચુસિયાં તથા થડના ચુસિયાં (બદામી ચુસિયાં અને સફેદ પીઠવાળા ચુસિયાં) નો ઉપદ્રવ જોવા મળે છે અને પાકને નુકસાન કરે છે. લીલા ચુસિયાંના પુખ્ત પાંખોવાળા અને ફાચર આકારના ત્રાંસા ચાલતા જોવા મળે છે. તેની પાંખો ઉપર છેડાના ભાગે કાળા ધાબા હોય છે. બચ્ચાં તથા પુખ્ત બંને પાનમાંથી રસ ચૂસે છે. આથી પાન પીળા પડે છે. વધુ ઉપદ્રવ હોય તો પાન ફિક્કા દેખાય છે અને આખો છોડ પીળો પડી સુકાઇ જાય છે. જો કે તેનાથી થતું નુકસાન કોઇકવાર જ જોવા મળે છે. દક્ષિણ ગુજરાતમાં ધીરે ધીરે લીલા ચુસિયાંનો ઉપદ્રવ વધતો માલુમ પડેલ છે.

સફેદ પીઠવાળા ચુસિયાંના તાજા જન્મેલા બચ્ચાં ભૂખરા સફેદ રંગના અને પાંખ વગરના હોય છે. પુખ્ત કીટક આશરે 3 મી. મી. લંબાઇના, ફીક્કા સફેદ રંગના અને પીઠના ભાગે કાળુ ટપકું ધરાવે છે. તેની પાંખો પારદર્શક હોય છે. બદામી ચુસિયાંના બચ્ચાં ઝાંખા રતાશ પડતા અથવા ભૂખરા રંગના અને પાંખો વગરના હોય છે. જયારે પુખ્તળ કીટક આશરે 3 થી ૫ મી.મી. લંબાઈના અને ઘાટા બદામી રંગના હોય છે. સફેદ પીઠવાળા અને બદામી ચુસિયાંના બચ્ચાં તથા પુખ્ત એમ બંને અવસ્થા છોડના થડમાંથી રસ ચુસે છે. ઉપદ્રવિત છોડના પાન પીળાશ પડતા બદામી અથવા ભુખરા રંગના થઈ સુકાઈ જાય છે. વધુ ઉપદ્રવ હોય તો પાક જાણે બળી ગયો હોય તેવો દેખાય છે. જેને “હોપર બર્ન” કહે છે. ખેતરમાં તેનાથી થતું નુકસાન ગોળ કુંડાળા (ટાલા) રૂપે આગળ વધે છે. ઉપદ્રવિત છોડની કંટીમાં દાણા પોચા રહે છે અને ઉત્પાદન ઉપર ખૂબ માઠી અસર થાય છે.

સંકલિત વ્યવસ્થાપન:

o ડાંગરની ગુર્જરી, નર્મદા, જી.આર. ૭, જી.આર. ૧૦૧, જી.આર. ૧૦૨, આઈ.આર. રર, મસુરી, સુખવેલ ર0 અને એસ.એલ.આર. ૫૧૨૧૪ જાતો સફેદ પીઠવાળા અને બદામી ચુસિયાંના ઉપદ્રવ સામે મહદઅંશે પ્રતિકારક શકિત ધરાવે છે. તેથી જે વિસ્તાુરમાં આ જીવાતનો ઉપદ્રવ દર વર્ષે નિયમિત જોવા મળતો હોય ત્યાંમ આવી જાતોની પસંદગી કરવી જોઈએ.
o શકય હોય ત્યાંા ડાંગરની ફેરરોપણી વહેલી (જુલાઈના પ્રથમ પખવાડિયામાં) કરવાથી ચુસિયાંથી થતુ નુકસાન ઘટાડી શકાય છે.
o નાઈટ્રોજનયુકત રાસાયણિક ખાતરો ભલામણ મુજબ ત્રણ હપ્તાામાં આપવુ.
o ચુસિયાંનો ઉપદ્રવ જોવા મળે કે તરત જ કયારીમાંથી પાણી નિતારી નાંખવુ.
o ડાંગરની ગાભમારાની ઈયળ માટે ભલામણ કરેલ કોઈપણ એક દાણાદાર કીટનાશક દવાનો ઉપયોગ કરવાથી ચુસિયાંનું પણ નિયંત્રણ થાય છે. પાકની પાછલી અવસ્‍થાએ જો દાણાદાર દવા આપવાનું શકય ન હોય અને ઉપદ્રવ એકાએક વધી ગયેલો જણાય તો મોનોક્રોટોફોસ 3૬ એસએલ (૧૫ મિ. લિ.) + ડાયકલોરવોસ ૭૬ ઇસી (૫ મિ. લિ.) અથવા ઈમીડાકલોપ્રીડ ૧૭.૮ એસએલ 3 મિ. લિ. અથવા ફેનોબુકાર્બ ૧૫ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. આ કીટનાશક દવાનો છંટકાવ ચુસિયાં ઉપરાંત ગાભમારાની ઈયળ અને પાનવાળનાર ઈયળ સામે પણ અસરકારક જણાયેલ છે.
o દક્ષિણ ગુજરાતમાં ઉપરોકત દવાઓ પૈકી કોઈપણ એક દવાનો છંટકાવ રોપણી પછી ૧૫ દિવસે અને ત્યારબાદ જે તે જીવાતની ક્ષમ્યમાત્રાએ કરવો અથવા ડાંગરના પાકમાં સતત મોજણી કરતા રહેવુ જેથી બદામી ચુસિયાંના ઉપદ્રવની શરૂઆત થાય કે તુરત જ નુકસાન અને જીવાતગ્રસ્ત મર્યાદિત (સ્પોટ) વિસ્તારમાં જ જંતુનાશક દવા આપવાથી ખુબ જ ઓછા ખર્ચે અસરકારક નિયંત્રણ મેળવી શકાય છે.

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.