ગાભમારાની ઇયળ:
-------------
આ જીવાતનું પુખ્ત (ફૂદુ) પીળાશ પડતા ધાસીયા રંગનું હોય છે. તેની ઇયળ મેલા સફેદ રંગની અને શરીર પર છુટાછવાયા કાળાં ટપકાં જોવા મળે છે. કોશેટા ત્રાક આકારનાં અને ધેરા કથ્થાઇ રંગનાં હોય છે. ઇંડાં સેવાતા તેમાંથી સફેદ રંગની ઇયળ નીકળે છે જે પાન ઉપરથી ભૂંગળીમાં દાખલ થાય છે. જેને લીધે નુકસાન પામેલ ભૂંગળીનાં પાનમાં સમાંતર કાંણાં જોવા મળે છે. ઇયળ સાઠામાં દાખલ થઇ તેને કોરીને નુકસાન કરે છે. જેથી છોડની વચ્ચેની ડૂંખ સુકાઇ જાય છે તેને “ડેડ હાર્ટ” કહેવામાં આવે છે. આ ઉપરાંત ડૂંડા અવસ્થાએ ગાભમારાની ઇયળ છોડની છેલ્લી આંતરગાંઠ અને ડૂંડા વચ્ચે દાખલ થઇ અંદરથી કોરી ખાય છે, જેથી ડૂંડામાં દાણા બેસતા નથી અને ડૂંડા સંપૂર્ણ સુકાઇ જાય છે.
સંકલિત વ્યવસ્થાપન :
------------------
o પાકની ફેર બદલી કરવી.
o અગાઉનાં પાકનાં જડીયા-મુળીયા વીણી લઇ તેનો નાશ કરવો.
o ઉભા પાકમાં નુકસાન પામેલા છોડનાં “ડેડ હાર્ટ” ઇયળ સાથે વીણી લઇ તેનો નાશ કરવો.
o ક્ષમ્યમાત્રા (૮% નુકસાનવાળા છોડ)ને ધ્યાનમાં રાખી મિથાઇલ-ઓ-ડિમેટોન ૨૫ ઇસી ૧૦ મિ.લિ. અથવા ફેનવાલરેટ ૨૦ ઇસી ૫ મિ.લિ. અથવા સાયપરમેથ્રીન ૧૦ ઇસી ૧૦ મિ.લિ. અથવા ઇન્ડોકઝાકાર્બ ૧૫.૮ એસસી ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી ઉગાવા બાદ ૨૦ અને ૪૦ દિવસ બાદ બે છંટકાવ કરવા.