કાતરા:
--------
કાતરાનાં પુખ્ત (ફૂદાં) સફેદ રંગનાં હોય છે. જેની આગલી પાંખની આગળની ધાર લાલ કે પીળા રંગની હોય છે. ઇયળનાં શરીર ઉપર અસંખ્ય વાળ જેવી રચના જોવા મળે છે. પ્રથમ વરસાદ બાદ માદા ફૂદીં ખેતરનાં શેઢા-પાળા પર ઉગી નીકળેલ કુમળા ઘાસ પર ૧૫૦૦ જેટલા ઇંડાં જથ્થામાં મુકે છે. ઇયળો શરૂઆતમાં શેઢા-પાળા પરનાં ઘાસ પર નભે છે. ત્યારબાદ ઇયળો મોટી થતા સમુહમાં બાજરાનાં પાક ઉપર સ્થળાંતર કરે છે. બાજરાનાં ધરૂને થડ પાસેથી કાપીને નુકસાન પહોંચાડે છે. જેથી એકમ વિસ્તારમાં છોડની સંખ્યા ઘટી જતા ઉત્પાદન ઉપર ખુબ જ માઠી અસર થાય છે. આ જીવાતનો ઉપદ્રવ ખાસ કરીને મધ્ય ગુજરાતનાં વિસ્તારમાં વિશેષ જોવા મળે છે.
સંકલિત વ્યવસ્થાપન :
----------------
o શેઢા-પાળા સાફ રાખવા.
o પ્રથમ વરસાદ બાદ શેઢા-પાળાનાં ઘાસમાં મુકેલ ઇંડાંનાં સમુહ વીણી લઇ તેનો નાશ કરવો.
o પ્રથમ વરસાદ બાદ હેકટર દીઠ એક પ્રકાશ પિંજરનો ઉપયોગ કરી ફૂંદા એકઠા કરી નાશ કરવો.
o પ્રથમ વરસાદ બાદ ૮ થી ૧૦ દિવસે શેઢા-પાળા ઉપર કિવનાલફોસ ૧.૫% અથવા કાર્બારીલ ૫% ભૂકીનો છંટકાવ કરવો.
o ઉભા પાકમાં કાતરાનું નુકસાન જોવા મળે તો કાર્બારીલ ૫% અથવા કિવનાલફોસ ૧.૫% ભૂકી ૨૫ કિ.ગ્રા./હે પ્રમાણે છંટકાવ કરવાથી અસરકારક નિયંત્રણ મળે છે.