ગલગોટાને અંગ્રેજીમાં 'મેરીગોલ્ડ' કહેવામાં આવે છે. ગુજરાતીમાં તે 'હજારીગલ' તરીકે પણ ઓળખાય છે. ગલગોટાનું સંસ્કૃત નામ ' સ્થુલ પુષ્પ ' છે, જે ઐશ્વર્યમાં વિશ્વાસ અને વિધ્નોને દૂર કરવાની ઈચ્છાશકિતનું પ્રતિક છે. ગલગોટાનું ઉદ્ભવ સ્થાન મેકસિકો છે. જે આશરે પ૦૦ વર્ષો પહેલાં પોર્ટૂગીઝ દ્વારા આપણા દેશમાં સૌપ્રથમ વાર લાવવામાં આવેલ હતા. આ ફૂલો દેશના ગામડે ગામડે જાણીતા છે, કારણ કે ગલગોટા તેની સરળ ખેતી પધ્ધતિ, ભિન્ન ભિન્ન જમીન અને આબોહવાને અનુકુળ થવાની શકિત, આખા વર્ષ દરમ્યાન કરી શકાતી ખેતી, ફૂલોની લાંબી મોસમ, ઉત્તમ પ્રકારનાં લાંબી ટકાઉશકિત અને આકર્ષક રંગોવાળા ફૂલોને લીધે આપણા દેશમાં સૌથી વધુ લોકપિ્રય અને લોકભોગ્ય બન્યા છે. ગલગોટા તેના નારંગી અને પીળા રંગ પરનાં પ્રભુત્વને કારણે ધાર્મિક વિધિઓમાં, શણગાર, ફૂલોની સુશોભિત રંગોળી બનાવવા માટે છુટા ફૂલનાં રૂપમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તેના ફૂલોના રંગ, કદ અને આકાર તેમજ છોડનાં કદ અને વિકાસમાં રહેલ વૈવિધ્યતાને લીધે બગીચામાં સુશોભિત ફૂલછોડ તરીકે પણ આગવું સ્થાન ધરાવે છે. શાકભાજી પાકોમાં મૂળના કૃમિ તેમજ નુકશાનકારક લીલી ઈયળને આવતી રોકે છે. વળી, ગલગોટાના ફૂલોમાં લ્યુટીન નામનો કુદરતી કલર આવેલ છે. જે ખાદ્યપદાર્થના રંગ માટે, પોલ્ટ્રી ફીડ તરીકે, ફામર્ાસ્યુટીકલ તથા ટેક્ષાટાઈલ ઉદ્યોગમાં કુદરતી રંગ તરીકે પણ ઉપયોગી છે. સામાન્ય રીતે ગલગોટાની ખેતી આપણા દેશમાં મુખ્યત્વે મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાત, આંધપ્રદેશ, તમિલનાડુ, અને મધ્યપ્રદેશમાં કરવામાં આવે છે.