ગલગોટાને બધા જ પ્રકારની હલકીથી ભારે કાળી જમીનમાં સારી રીતે ઉછેરી શકાય છે. ગલગોટાને સારા નિતારવાળી ફળદ્રુપ, ગોરાડુ અને જેનો પી. એચ. આંક ૭.૦ થી ૭.૫ હોય તેવી જમીન ખૂબ જ માફક આવે છે. ગલગોટા (આફ્રિકન મેરીગોલ્ડ)ની ખેતી ભારે કાળી જમીનમાં પણ પાણીના નિતારની યોગ્ય વ્યવસ્થાની સાથે નીક પાળા કે ગાદી કયારા પધ્ધતિથી કરી શકાય છે. જમીનને ફેરરોપણી કરતાં પહેલાં ઉંડી ખેડ કરી તપવા દેવી, પછી મોટા ઢેફાં ભાંગી, સમાર વડે જમીન બરાબર સમતલ કરી જમીનની પ્રતને અનુરૂપ સાદા કયારા અથવા પાળા તૈયાર કરવા.
ગલગોટાને આપણા વિસ્તારની બધા જ પ્રકારની આબોહવા માફક આવતી હોઈ વર્ષની ત્રણેય ઋતુમાં ઉછેરી શકાય છે. છતાં શિયાળાનું માફકસરનું ઠંડુ હવામાન અને ટૂંકા દિવસનો ખુલ્લો સૂર્યપ્રકાશ ફૂલ ઉત્પાદન માટે વધારે સાનુકુળ માલુમ પડેલ છે. શિયાળામાં છોડનો વિકાસ ખૂબ જ ઓછો જોવા મળે છે, પરંતુ ઉત્તમ ગુણવત્તા (રંગ, કદ અને આકાર) વાળા ફૂલોનું ઉત્પાદન મળે છે. જયારે ઉનાળા અને ચોમાસામાં ઉંચું ઉષ્ણતામાન અને લાંબા દિવસને લીધે પુષ્પકળી ભેદીકરણની ક્રિયામાં વિક્ષેપ પડવાથી વાનસ્પતિક વ્રધ્ધિ ખૂબ જ વધુ થાય છે. પરિણામે ફૂલો ઉતરતી કક્ષાનાં અને ઓછું ઉત્પાદન આપે છે અને છોડની ઢળી પડવાની તકલીફ વધારે જોવા મળે છે.