ગલગોટામાં ઉત્પાદનનો આધાર તેની જાત, ઋતુ, વાવેતર પદ્ઘતિ, રોપણી અંતર અને ખાતર - પાણીની માવજત ઉપર આધાર રાખે છે. છતાં સામાન્ય સંજોગોમાં આફ્રીકન મેરીગોલ્ડ (ગલગોટા) નું ઉત્પાદન ૧ર થી ૧પ ટન પ્રતિ હેકટર લઈ શકાય છે.
ગલગોટાના ફૂલો છોડ પરથી પૂરેપૂરા ખીલે ત્યારે ઉતારવા જોઈએ. ફૂલો ઉતારવાનું કામ વહેલી સવારે અથવા સાંજે પરંતુ ઠંડા પહોરમાં કરવું હિતાવહ છે. ફૂલો વિણવાના આગલા દિવસે પિયત આપવાથી ફૂલોની ટકાઉ શક્તિ વધે છે. છુટા ફૂલોને ઉતાર્યા બાદ શણની કોથળીમાં અથવા વાંસના ટોપલામાં ભરીને બજારે મોકલવા જોઈએ. છોડ ઉપરથી નિયમિત ફૂલો ચુંટવાથી છોડની ઉત્પાદન ક્ષમતા વધે છે. ગલગોટાના ફૂલોને સામાન્ય રીતે ચુંટતી વખતે જ અલગ અલગ રંગ પ્રમાણે વર્ગીકરણ કરવામાં આવે છે. તદઉપરાંત તેના કદ અને જાત પ્રમાણે પણ અલગ રાખી શકાય. સીંગલ ફૂલ અને ગુચ્છાદાર (ડબલ) ફૂલોને અલગ અલગ ચુંટી વર્ગીકરણ કરવાથી ભાવો સારા મળે છે. છુટાં ફૂલોને ઉતાર્યા બાદ તુરત જ બજારે મોકલવા જોઈએ. બજાર દૂર હોય તો વાંસના ટોપલામાં પાણીમાં પલાળેલ મસલીન કાપડમાં ફૂલોને મુકી પેકીંગ કરવું જોઈએ.