સ્પાઈડર લીલીનો છોડ ૩૦ થી ૬૦ સે.મી. ઉંચો અને પર્ણો સીધા નીકળે છે અને વૃધ્ધિ વધતાં કમાન આકારે દેખાય છે. ફુલની પાંખડીઓ કરોળિયાના પગની જેમ ફેલાયેલી હોય તેને કરોળિયા લીલી પણ કહે છે. લીલીના ફુલો તેના સફેદ રંગ અને માદક સુગંધને લીધે હાર, વેણી, ગજરા અને લગ્ન મંડપ તેમજ જાહેર સમારંભોના સ્ટેજના શણગારમાં ખુબજ અગત્યનું સ્થાન ધરાવે છે. ઉનાળામાં બજારમાં બીજા ફુલો વધુ મળતા ન હોવાથી તેમજ લગ્ન ગાળાને કારણે લીલીના ફુલની માંગ વધુ રહે છે. બીજુ લીલીના ફુલની મહેક એક બે દિવસ ટકતી હોવાથી શણગારમાં વિશેષ ફાયદાકારક રહે છે. લીલીનો છોડ બગીચામાં કિનારીના છોડ તરીકે, કુંડાના છોડ તરીકે તથા કયારીના છોડ તરીકે વપરાય છે. આ વર્ગના છોડોમાં પર્ણો કંદમાંથી વિકાસ પામી સમાંત્તર નસોવાળા લાંબા અને સાંકડા પાનના જથ્થા વચ્ચેથી નીકળતા દંડ પર ફુલો આવે છે. ફુલો વિવિધ આકારના અને સફેદ તેમજ લાલ ગુલાબી, પીળા, જાંબલી અને મિશ્ર રંગોવાળા હોય છે.