જર્બેરા એક મહત્વનો વ્યવસાયિક ફૂલપાક છે, જે આખી દુનિયામાં જુદા જુદા વાતાવરણમાં થઈ શકે છે. જર્બેરાનો ઉપયોગ ફૂલક્યારીઓ, કિનારી, કુંડમાં તેમજ રોક ગાર્ડનમાં થાય છે. જર્બેરાના ફૂલો વિવિધ રંગોમાં જોવા મળતા હોય, તેમનો મુખ્ય ઉપયોગ ગુલદસ્તા તથા ફૂલોની ગોઠવણી કરવામાં થાય છે. કાપેલા ફૂલો જયારે પાણીમાં મુકવામાં આવે છે ત્યારે તે લાંબો સમય સુધી તાજા રહી શકે છે.
ટ્રાન્સવાલ ડેઈઝી, બાબૅાડોઝ ડેઈઝી અથવા આફ્રીકન ડેઈઝીના નામથી ઓળખાતા જર્બેરા ' એસ્ટરેસી' કુળની વનસ્પતિ છે. આ છોડ થડ રહિત હોય છે, અને પાંદડા નાજૂક કોમળ હોય છે. જર્બેરાના ફૂલો જુદા જુદા રંગોમાં જેવા કે પીળો, કેસરી, પીળાશ પડતો સફેદ, ગુલાબી, ઈંટ જેવો રંગ, જાંબલી તેમજ બીજા ધણા રંગોમાં મળી શકે છે. ડબલ ફૂલોની જાતોમાં કોઈવાર બે રંગો એક જ ફૂલમાં પણ જોવા મળે છે, જે ખૂબ આકર્ષક હોય છે. આ ફૂલોની દાંડી લાંબી, પાતળી અને પાન વગરની હોય છે.