જર્બેરા માટે પાણીની ગુણવત્તા સારી હોવી જોઈએ જેનો અમ્લતા આંક (પી.એચ.): ૬.પ-૭.૦. અને વિદ્યુતવાહકતા: ૦.પ-૧.૦ એમ.એસ./સે.મી. જરૂરી છે.
છોડની રોપણી કર્યા બાદ તરત જ પાણી આપવામાં આવે છે. ચાર અઠવાડિયા સુધી ફુવારા પધ્ધતિથી કે ફોગર દ્વારા સિંચાઈ આપવાથી એક સરખો મૂળનો વિકાસ થાય છે. તેથી ટપક (ડ્રીપ) પધ્ધતિથી આ સમયે પાણી આપવાનું ટાળવું જોઈએ. ટપક પધ્ધતિનો ઉપયોગ ખાતર આપવા માટે કરવો. સામાન્ય રીતે છોડ દીઠ એક ટપક (ડ્રીપ) જરૂરી છે. જર્બેરાના એક છોડને ૭૦૦ મીલિ./દિવસ જેટલું પાણી જોઈએ છે. ગરમીના દિવસોમાં ફોગર્સનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી ગ્રીનહાઉસમાં ભેજનું પ્રમાણ જાળવી શકાય છે.પાણી આપતા પહેલાં છોડની હરોળમાં ભેજનું પ્રમાણ ચકાસવું જોઈએ. ત્યાર પછી છોડને કેટલું પાણી આપવું, તે નકકી કરી પાણી આપવું જોઈએ. હંમેશા બપોરે ૧ર વાગ્યા પહેલા પાણી આપવું જોઈએ. જયાં સુધી ફૂલો આવવાની શરૂઆત ન થાય, ત્યાં સુધી સ્પ્રીંકલર દ્વારા સિંચાઈ આપી શકાય છે. ત્યાર બાદ ટપક પધ્ધતિથી સિંચાઈ કરવામાં આવે છે. હવામાં ભેજ (આર.એચ.) ૯૦-૯ર % થી વધવો જોઈએ નહી. કારણ કે તે ફૂલોના વિકાસમાં ખામી પેદા કરે છે. જમીન માફકસરની ભીની હોવી જોઈએ, વધારે પડતું પાણી આપવું નહી.