Navsari Agricultural University

ટોચ વેધક:

ટોચ વેધક:
--------

પૂર્ણ વિકસીત ઈયળ પીળાશ પડતા સફેદ રંગની કરચલીવાળા ખંડોવાળી ૨૫ થી ૩૦ મી.મી. લાંબી હોય છે. પુખ્ત કીટક સફેદ રંગનુ હોય છે. માદા કીટકના ઉદરપ્રદેશના છેડે નારંગી રંગના વાળનો ગુચ્છો હોય છે. ઈંડાંમાંથી નીકળેલી ઈયળ પાનની મધ્યનસમાં કોરાણ કરી સાંઠાની વલય મેખલામાં દાખલ થાય છે, જેથી પાન ખુલે ત્યારે પાન પર ૪ થી ૫ સમાંતર કાણાં જોવા મળે છે. વલય મેખલાના મધ્ય ભાગમાંથી સાંઠામાં નીચેની તરફ કોરાણ થતાં વલય મેખલા સુકાઈ જાય છે. જેને “ ડેડ હાર્ટ” તરીકે ઓળખવામાં આવે છે. આ “ ડેડ હાર્ટ” સહેલાઈથી ખેંચાઈ આવતો નથી. પાકની પાછલી અવસ્થામાં આ જીવાતના ઉપદ્રવથી સાંઠાના ભાગમાંથી પીલા ફૂટી નીકળે છે જેને શેરડીના “કુંજડા” (બંચી ટોપ) તરીકે ઓળખવામાં આવે છે.


ડૂંખ વેધક:

ડૂંખ વેધક:
-------

ઈયળ ઝાંખા સફેદ રંગની હોય છે અને તેના શરીર પર જાંબુડીયા રંગની પાંચ પટ્ટીઓ વક્ષ પ્રદેશના બીજા ખંડથી ઉદરપ્રદેશના આઠમા ખંડ સુધી લંબાયેલી હોય છે. પૂર્ણ વિકસીત ઈયળ ૨૦ થી ૨૫ મી.મી. લાંબી હોય છે. ફૂદાં ઘાંસીયા કે રાખોડી ભુખરા રંગના હોય છે. જેની પશ્વપાંખો સફેદ રંગની હોય છે. પુખ્ત કીટકો પ્રકાશ તરફ આકર્ષાય છે. ઈયળ જમીનથી સહેજ ઉપર પીલામાં દાખલ થઈ ગર્ભ કોરી ખાય છે, જેથી ગાભમારો તૈયાર થાય છે. આ ગાભમારો સહેલાઈથી ખેંચાઈ આવે છે અને દુર્ગંધ મારે છે. આ જીવાતનો ઉપદ્રવ પાકની શરૂઆતની અવસ્થામાં જોવા મળે છે.

સાંઠા વેધક:
--------

ઈયળ ઝાંખા ભુખરા રંગની અને શરીર પર પાંચ પટ્ટીઓ ધરાવે છે. પૂર્ણ વિકસીત ઈયળ ૨૫ થી ૩૦ મી.મી. લાંબી હોય છે. ફૂદાંની અગ્રપાંખો ઘાંસીયા રંગની અને સોનેરી ટપકાંવાળી હોય છે, જ્યારે પશ્વપાંખો સફેદ રંગની હોય છે. ઈંડાંમાંથી નીકળેલી ઈયળ પાન પર થોડો સમય રહયા બાદ એકાદ અઠવાડીયું આવરક પર્ણતલની અંદરની બાજુનો કુમળો ભાગ ખાઈને નભે છે. ત્યારબાદ તે આંતરગાંઠમાં કાણું પાડી અંદર દાખલ થઈ અંદરનો ભાગ કોરી ખાય છે. જેથી “ડેડ હાર્ટ” ઉત્પન થાય છે. આ ડેડ હાર્ટ ડૂંખ વેધકથી થતા ડેડ હાર્ટને મળતો આવે છે. શેરડીનો સાંઠો બંધાયા પછી ઉપદ્રવનો ખ્યાલ બહારના ચિન્હોથી આવતો નથી. આવરક પર્ણતલ ઉખેડતા સાંઠા પર કાણાં કે બખોલ જેવુ જોવા મળે છે.

આંતરગાંઠ વેધક:
-----------

ઈયળના શરીર પર જાંબુડીયા રંગના ટપકાંઓની ચાર પટ્ટીઓ આવેલી હોય છે. પૂર્ણ વિકસીત ઈયળ ૩૦ થી ૩૫ મી.મી. લાંબી હોય છે. ફૂદાં ઘાસીયા રંગના તથા અગ્રપાંખો ડાઘાવાળી હોય છે. ઈંડાંમાંથી નીકળતી ઈયળ પ્રથમ વલય મેખલા અથવા તો આવરક પર્ણતલની અંદરની બાજુના પોચા ભાગને ખાય છે. જેથી આવરક પર્ણતલને ઉખેડતા અંદરના ભાગ પર ઘસરકા કરેલ સફેદ લીટીઓ જોવા મળે છે. ત્યારબાદ ઈયળ છોડના ટોચના ભાગમાં દાખલ થઈ કોરાણ કરે છે. જેના કારણે વચ્ચેનો ભાગ સૂકાઇ જતો હોય છે. આ ભાગને ખેંચતા તેમાંથી ખરાબ ગંધ આવતી નથી. આ ઈયળના નુકસાનથી શેરડીની આંતરગાંઠો સખત થઈ જવાથી પીલાણ વખતે મુશ્કેલી પડે છે. ઉપદ્રવિત આંતરગાંઠોની લંબાઈ અને જાડાઈમાં ઘટાડો થાય છે.

મૂળ વેધક:
-------

આ જીવાતની પૂર્ણ વિકસીત ઈયળ ૩૦ મી.મી. લાંબી અને પીળાશ પડતા સફેદ રંગની હોય છે. તેનું માથું બદામી રંગનું અને શરીર કોકડાયેલું હોય છે. પુખ્ત કીટક આછા બદામી રંગનું અને સફેદ રંગની પશ્વપાંખો વાળું હોય છે. આ કીટકની ઈયળો જમીનમાં દટાયેલા સાંઠાનો ભાગ કોરી ખાય છે. પરંતુ મૂળને કોઈપણ જાતનું નુકસાન કરતી નથી. આમ તેનો ઉપદ્રવ મૂળની જગ્યાએ થતો હોવાથી તેને “મૂળ વેધક” કહેવામાં આવે છે. પાક નાનો હોય ત્યારે ગર્ભ કોરાઈ જવાના કારણે વલય મેખલા સુકાઈ જાય છે, ઘણી વખત વલય મેખલાની આસપાસના પાન અને ખાસ કરીને વચ્ચેના પાન સુકાય જાય છે. આ રીતે સુકાઈ ગયેલી વલય મેખલાને “ડેડ હાર્ટ” તરીકે ઓળખવામાં આવે છે. જે સહેલાઈથી ખેંચાઈ આવતો નથી. પાકની પાછલી અવસ્થામાં ઈયળના ઉપદ્રવનો ખ્યાલ બહારના ચિન્હોથી દ્રષ્ટિ ગોચર થતો નથી. આ જીવાતનો ઉપદ્રવ મે થી જુલાઈ માસમાં વધુ જોવા મળે છે, તેની સાથે સુકારાની ફુગનો સહ સબંધ જોવા મળે છે.

સંકલિત વ્યવસ્થાપન:
---------------

o શેરડીના ખેતરમાં પાણી ન ભરાઈ રહે તેની કાળજી રાખવી.
o શેરડીનો એકથી વધુ બડઘા પાક લેવો નહીં.
o જીવાતમુકત બિયારણ પંસદ કરવું.
o શેરડીના ખેતરમાં પ્રકાશપિંજર તથા ફેરોમોન ટ્રેપ ગોઠવીને જીવાત મોજણી કરવી.
o શેરડીના ટોચ વેધક, ડૂંખ વેધક, સાંઠ વેધક અને આંતરગાંઠ વેધકના ઈંડાંના સમૂહો એકઠા કરી નાશ કરવો અથવા વાંસમાંથી બનાવેલા બુસ્ટરમાં મૂકવા જેથી ઈંડાંના પરજીવીને બચાવી શકાય.
o ઉપદ્રવવાળા છોડનો ઈયળ સહિત નાશ કરવો.
o જૈવિક નિયંત્રણ પ્રયોગશાળા, નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી ખાતે વેધકોના ઈંડાંના પરજીવી ટ્રાયકોગામાનો હાલ વ્યાપારી ધોરણે ઉછેર થાય છે. આ ટ્રાઈકોકાર્ડમાંથી નીકળતી માદા ભમરી વેધકોના ઈંડાંમાં પોતાનુ ઈંડુ મૂકી વેધકોના ઈંડાંનો નાશ કરે છે.
o એક ટ્રાઈકોકાર્ડના આઠ ભાગ કરી દરેકને ૧૫ x ૧૫ મીટરના અંતરે પાનની નીચેની બાજુએ ટ્રાઈકોકાર્ડનો ભાગ ખુલ્લો રહે તે રીતે સ્ટેપલ કરવા.
o હેકટર દીઠ ૨ થી ૩ ટ્રાઈકોકાર્ડની જરૂરીયાત રહે છે અને તેને દર ૧૫ દિવસના અંતરે છોડતા રહેવુ.
o ટ્રાઈકોકાર્ડને હવાની અવર જવર થઈ શકે તેવી વાંસની ટોપલી અથવા અન્ય એવા સાધનમાં વહન કરવુ.
o ટ્રાઈકોકાર્ડ પર દર્શાવેલ તારીખ સુધીમાં કે તે પહેલા ઉપયોગ કરી પરજીવી છોડી દેવા.
o ટ્રાઈકોકાર્ડ સવાર અથવા સાંજના સમયે ખેતરમાં છોડવા.
o ટ્રાઈકોકાર્ડને સીધો સુર્યપ્રકાશ ન લાગે તે રીતે ઈંડાં જમીન તરફ રહે તેમ પાન પર સ્ટેપલ કરવા.
o ટ્રાઈકોગ્રામા છોડવાના અઠવાડીયા પહેલા અને છોડ્યાના અઠવાડીયા બાદ ખેતરમાં જંતુનાશક દવાનો ઉપયોગ ટાળવો.
o રાસાયણિક જંતુનાશક દવાનો ઉપયોગ કરવાની જરૂરીયાત જણાય તો નીચે દર્શાવેલ પૈકી કોઈપણ એક જંતુનાશક દવાનો ઉપયોગ કરવો. કાર્બોફુરાન ૩ ટકા દાણાદાર દવા હેકટરે ૩૩ કિ.ગ્રા. પ્રમાણે રોપણી બાદ એક મહીને અને ત્યારબાદ પાળા ચઢાવતી વખતે જમીનમાં આપવી અથવા ફોરેટ ૧૦ ટકા દાણાદાર દવા હેકટરે ૧૦ કિ.ગ્રા. પ્રમાણે રોપણી બાદ ૩૦, ૯૦ અને ૧૫૦ દિવસે જમીનમાં આપવી.
o પ્રવાહી સ્વરૂપે છાંટવાની દવા કાર્બારીલ ૫૦% વેપા ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી રોપણી બાદ જરૂરીયાત મુજબ છંટકાવ કરવો.

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.