Navsari Agricultural University

સફેદમાખી

સફેદમાખી:
-------

બચ્ચાં ફિક્કા પીળા રંગના લંબગોળ આકારના ચપટા હોય અને તેની ફરતે મીણ જેવા પદાર્થની સફેદ કિનારી જોવા મળે છે. કોશેટા લંબ ગોળાકાર, ચપટા તેમજ ફરતે અને ઉપરની બાજુએ મીણ જેવા તાંતણાથી છવાયેલા હોય છે. પુખ્ત કીટક કદમાં નાનું, શરીર પીળા રંગનું અને પાંખ મેલા સફેદ રંગની હોય છે. પુખ્ત કીટક ખુબજ ચપળ હોઈ સહેજ ખલેલ થતાં ઉડી જાય છે. માદા કીટકને સોય જેવું પાતળું અંડનિક્ષેપક હોય છે. ઈંડાંમાંથી નીકળેલા બચ્ચાં શરૂઆતમાં પાન પર ફરે છે. પરંતુ થોડા સમયમાં એક જગ્યાએ સ્થિર થઈ પાન પર એક જ્ગ્યાએ ચોંટી રસ ચુસે છે. નુકસાન પામેલ પાન બચ્ચાં તથા કોશેટાથી છવાયેલુ જોવા મળે છે. વધુ ઉપદ્રવથી પાન પર પીળા અને આછા લીલા રંગની પટ્ટીઓ જોવા મળે છે. આ કીટકના શરીરમાંથી મધ જેવો ચીકણો પદાર્થ ઝરે છે, જે પાન પર પડતાં તેના પર કાળી ફુગ વિકાસ પામે છે. જેથી વધુ ઉપદ્રવવાળા ખેતરમાં શેરડીના પાન કાળા પડી ગયેલા સ્પષ્ટ જોઈ શકાય છે.


સંકલિત વ્યવસ્થાપન:
---------------

o જે ખેતરમાં પાણી ભરાઈ રહેતુ હોય તે ખેતર શેરડીની રોપણી માટે પસંદ કરવું નહીં અથવા પાણીના નિકાલની પુરતી વ્યવસ્થા કરવી.
o ક્ષારીય અને ભાસ્મિક જમીન સફેદમાખીના વૃધ્ધિ અને વિકાસ માટે જવાબદાર હોવાથી આવી જમીનમાં શેરડીની રોપણી કરવી નહીં.
o શેરડીનો બડઘા પાક લેવો નહીં.
o નાઈટ્રોજન અને ફોસ્ફરયુકત ખાતરોનો ભલામણ મુજબ સપ્રમાણસર જ ઉપયોગ કરવો.
o શેરડીની સફેદમાખી ઉપર સેરેન્જીયમ પારસેસટોસમ નામના પરજીવી દાળીયા અસરકારક જણાય છે. આ પરભક્ષીની ઈયળ અને પુખ્ત કીટક સફેદમાખીની તમામ અવસ્થાઓનું ભક્ષણ કરે છે.
o આ ઉંપરાત એન્કાર્સિયા ઈસાકી અને એન્કાર્સિયા મેક્રોપ્ટેરા નામના પરજીવી કીટકો સફેદમાખીના કોશેટાઓનું પરજીવીકરણ કરતાં નોંધાયા છે.
o આ પરજીવીઓની વૃધ્ધિ કરવા માટે કીટકશાસ્ત્ર વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી દ્વારા “ જૈવિક –વ – યાંત્રિક નિયંત્રણ” માટેના પાંજરા વિકસાવવામાં આવ્યા છે.
o સાદા (તેલ અથવા બિસ્કિટનાં) ડબ્બામાંથી આ પાંજરા તૈયાર કરવામાં આવે છે. તેની બે બાજુ પર ૪૦ મેશની જાળીમાંથી પરજીવીના પુખ્ત કિટકો બહાર નીકળી શકે છે. જ્યારે સફેદમાખીના પુખ્ત કીટકો કદમાં મોટા હોવાથી પાંજરામાં જ મૃત્યુ પામે છે.
o પાંજરામાં હવાની અવરજવર થઈ શકે તેટલા સફેદમાખીના ભરાવદાર કોશેટાવાળા પાનના નાના ટુકડા કરી મુકવામાં આવે છે. આવા પાનની પસંદગી જે ખેતરમાં પરજીવીની હાજરી જોવા મળી હોય ત્યાંથી કરવી.
o પાંજરાને જમીનથી ૨ થી ૩ ફુટની ઉંચાઈએ સુર્યનો સીધો તડકો ન લાગે તે રીતે મૂકવા.
o હેકટર દીઠ પાંજરાની સંખ્યા ૧૦ થી ૨૦ જેટલી રાખવી.
o પાંજરામાં દર ૧૫ દિવસે સફેદમાખીના કોશેટાવાળા પાનના ટુકડા બદલતા રહેવું.
o શેરડીના ખેતરમાં સફેદમાખીના કોશેટાઓમાં ગોળ કાણાં જોવા મળે તો રાસાયણિક દવાનો છંટકાવ મુલત્વી રાખવો.
o આ જીવાતનો વધુ પડતો ઉપદ્રવ હોય તો ટ્રાયઝોફોસ ૪૦ ઈસી ૧૦ મિ.લિ અથવા એસીફેટ ૭૫ એસપી ૧૦ ગ્રામ અથવા ક્વિનાલફોસ ૨૫ ઈસી ૨૦ મિ.લિ. અથવા ડાયકલોરવોસ ૭૬ ઈસી ૭ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.