Navsari Agricultural University

શેરડીના કુદકુદીયા

શેરડીના કુદકુદીયા:
-------------

ઈંડાંમાંથી તરતનું નીકળેલું નાનું બચ્ચું મેલા સફેદ રંગનું હોય છે, જેને થોડા સમય બાદ ઉદરપ્રદેશના છેડે બે પીંછા જેવી પૂંછડીઓ ઉગી નીકળે છે. પુખ્ત કીટક ઘાંસીયા રંગના અને તેની અગ્રપાંખો ઉદરપ્રદેશ પર છાપરાની જેમ ઢળતી હોય છે. આ કીટક ખુબજ ચપળ અને એક પાન પરથી બીજા પાન પર કુદકા મારતા હોય છે. આ જીવાતનો ઉપદ્રવ વધુ પ્રમાણમાં હોય તેવા ખેતરમાં તડતડ અવાજ સંભળાય છે. બચ્ચાં અને પુખ્ત કીટક પાનમાંથી રસ ચુસીને નુકસાન કરે છે. આ જીવાતનો વધુ પડતો ઉપદ્રવ હોય તો શેરડીના પાન પીળા પડી સુકાઈ જાય છે. શેરડીના પાનમાંથી સતત રસ ચુસવાને કારણે ખાંડના ઉત્પાદન અને ગોળની ગુણવત્તા પર ખુબ જ માઠી અસર થાય છે. આ કીટકના શરીરમાંથી મધ જેવો ચીકણો પદાર્થ ઝરે છે, જે પાન પર પડે છે તેના પર કાળી ફુગ વિકાસ પામે છે પરીણામે ઉપદ્રવિત પાન કાળા પડી જાય છે જેને કારણે પ્રકાશસંશ્વલેષણની ક્રિયા પર માઠી અસર થાય છે. આથી પાક નબળો પડી જાય છે.


શેરડીના કુદકુદીયા

સંકલિત વ્યવસ્થાપન:
---------------
o ઈંડાંના સમુહો એકઠા કરી નાશ કરવો.
o આ જીવાતના ઈંડાંના પરજીવીઓ ઓઈનસીટ્રસ પાયરીલી અને ટેટ્રાસ્ટિકસ પાયરીલીથી કુદરતી રીતે તેના ઉપદ્રવને કાબુમાં રાખે છે.
o એપીરીકેનીયા મેલાનોલ્યુકા નામના પરોપજીવી કીટકો પાયરીલાનું સફળતપુર્વક નિયંત્રણ કરે છે.
o જે વિસ્તારમાં આવા પરોપજીવીની હાજરી ન જણાતી હોય ત્યાં મોટા પ્રમાણમાં એપીરીકેનીયા હોય ત્યાંથી પાન પર જોવા મળતા ઈંડાંના સમૂહો અને કોશેટાવાળા પાન તોડી લઈ તેને કાતરથી કાપી એક બે કોશેટા/ઈંડાંના સમૂહો રહે તેવા પાનના ટુકડાં કરવા. આવા ટૂકડાને જે શેરડીના ખેતરમાં પાયરીલાનો ઉપદ્રવ હોય તે ખેતરમાં સ્ટેપલર વડે ઈંડાંનો સમૂહ/કોશેટા બહારની બાજુએ રહે તે રીતે પાનની નીચેની બાજુએ લગાડવા. એક હેકટર વિસ્તારમાં આ પરજીવી એક લાખ (૨૫૦ ઈંડાંના સમૂહ) અને બે હજાર કોશેટાઓ ચોંટાડવા. જે વિસ્તારમાં પરજીવીઓ છોડ્યા હોય અને તેની હાજરી હોય ત્યાં કીટનાશક દવાનો છંટકાવ કરવો નહીં.

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.