Navsari Agricultural University

વુલી એફીડ

વુલી એફીડ :
---------
બચ્ચાં પીળાશ પડતા અથવા લીલાશ પડતા રંગના હોય છે. આવા બચ્ચાં ખુબ જ સક્રિય હોય છે. બચ્ચાં અને પુખ્ત કીટકના ઉદરના છેડે એક જોડી પોલી નળીઓ (કોર્નિકલ્સ) આવેલી હોય છે, જેમાંથી રક્ષણ માટેનું પ્રવાહી ઝરે છે. બચ્ચાંની ત્રીજી અવસ્થા દરમ્યાન વક્ષ અને ઉદરપ્રદેશ પર સફેદ રંગના મીણના પાવડર અને તાંતણા પેદા થાય છે. છેલ્લે બચ્ચાં તેમજ પુખ્ત કીટકનું શરીર અત્યંત મુલાયમ સફેદ રંગના ઉનના તાંતણાઓથી ઢંકાઈ જાય છે. આમ ત્રીજી અને ચોથી અવસ્થાના બચ્ચાંની ઉપરની બાજુએ સફેદ રંગના ઉન જેવા ભાગો આવેલા હોય છે. ઉન જેવા ભાગ ઉદરનો પાછળનો ભાગ અને વક્ષને ઢાંકે છે, પરંતુ માથાંના ભાગ પર હોતા નથી. બચ્ચાં સામાન્ય રીતે પાનની નીચેની બાજુએ મધ્યનસની આજુબાજુ ભેગા થયેલા હોય છે. બચ્ચાં અને પુખ્ત પાનની વલય મેખલા અને આંતર ગાંઠના જોડણ પાસે રહેતા પણ જોવા મળે છે. પુખ્ત કીટક કાળુ હોય છે. તેને બે જોડી પારદર્શક પાંખો હોય છે, જેમાં નસો સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. રસ ચૂસાવાના કારણે પાન પર પીળાશ પડતા સફેદ ટપકાં જોવા મળે છે, જેનાથી પાન કડક થઈ તેની ધારો સુકાઈ જાય છે. વધુ ઉપદ્રવ હોય તો પાક ઠીંગણો રહી જાય છે અને ધીરે ધીરે બધા જ પાન સુકાઈ જાય છે. ઉપદ્રવિત આખુ ખેતર સફેદ દ્રષ્ટિગોચર થાય છે. મોલોના શરીરમાંથી ઝરતું મધ જેવું પ્રવાહી નીચેના પાનની સપાટી પર પડે છે જેના પર કાળી ફૂગ વિકાસ પામે છે જેને લીધે પ્રકાશસંશ્વલેષણની ક્રિયા અવરોધાય છે. વધુ ઉપદ્રવ હોય ત્યારે પાનની નીચેની આખી બાજુ બચ્ચાંથી છવાઇ જાય છે અને નાના પીલા મૃત્યુ પામે છે. શેરડીના ઉત્પાદનમાં ૨૬ ટકા અને ખાંડના ઉત્પાદનમાં ૨૪ ટકાનો ઘટાડો થાય છે આ ઉપરાંત પાકની ઘાસચારા તરીકેની કિંમતમાં પણ ઘટાડો થાય છે.

સંકલિત વ્યવસ્થાપન:
---------------
o વુલી એફીડના ઉપદ્રવનો ફેલાવો થવામાં બિયારણ એક મહત્વનું પરિબળ હોવાથી બિયારણની હેરફેર વખતે ખાસ કાળજી રાખવી કોઈપણ સંજોગોમાં ઉપદ્રવિત શેરડીનો વાવેતર માટે ઉપયોગ કરવો નહીં તેમજ ઉપદ્રવવાળા વિસ્તારમાંથી બિયારણ લાવવું નહીં.
o શેરડીનું જોડીયા હાર પધ્ધતિથી વાવેતર કરવાથી સૂર્યપ્રકાશ તેમજ હવાની અવરજવર વધવાથી ઉપદ્રવ ઓછો રહે છે. આ ઉપરાંત જરૂર પડ્યે પાક સંરક્ષણના પગલાં લેવામાં અનૂકૂળતા રહે છે.
o રાસાયણિક ખાતરોનો ભલામણ મુજબ ઉપયોગ કરવો. ખાસ કરીને નાઈટ્રોજનયુકત ખાતરોનો વપરાશ ભલામણ મુજબ હપ્તેથી જ કરવો. વધુ પ્રમાણમાં નાઈટ્રોજનયુકત ખાતરો વાપરવાથી આ જીવાતની વસ્તી ઝડપથી વધે છે.
o સમયસર પાળા ચઢાવવા. ઢળી પડેલ શેરડીમાં પણ ઉપદ્રવ વધે છે.
o ઉપદ્રવની શરૂઆત નાના ટાલાઓમાં થતી હોવાથી નિયમિત રીતે મોજણી કરતા રહેવું જોઈએ. ઉપદ્રવ જોવા મળે તો યુધ્ધના ધોરણે તાત્કાલિક ઉપદ્રવિત પાન કાપી ત્યાં જ બાળીને નાશ કરવો. ઉપદ્રવિત પાનનો ઘાસચારા તરીકે ઉપયોગ કરવો નહીં કારણ કે તેનાથી જીવાતનો ફેલાવો ઝડપથી થાય છે.
o જમીન ઉપર કિવનાલફોસ ૧.૫ % ભુકીનો છંટકાવ કરવો. તેમજ ઉપદ્રવિત ટાલામાં જંતુનાશક દવાઓ જેવીકે ઈમીડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૩ મિ.લિ. અથવા એસીફેટ ૭૫ એસપી ૧૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. જંતુનાશક દવા સાથે ટીપોલ કે સેન્ડોવીટ જેવા પ્રવાહી સાબુ કે પાવડર ૧૦ લિટર પાણીમાં ૨૦ મિ.લિ. કે ૨૦ ગ્રામ મુજબ ભેળવવાથી જંતુનાશક દવાના સારા પરિણામો મળી શકે છે.
o વુલી એફીડનું કુદરતમાં ડાયફા એફીડીવોરા, માઈક્રોમસ ઈગોરોટસ, ક્રાયસોપર્લા કાર્નિયા તથા સીરફીડફ્લાય દ્વારા ભક્ષણ થતું હોય છે, જેથી આવા પરભક્ષીઓની હાજરી જોવા મળે તો જંતુનાશક દવાનો ઉપયોગ કરવામાં વિશેષ સાવધાની રાખવી.
o ઉપદ્રવની જાણકારી તાત્કાલિક કૃષિ યુનિવર્સિટી કે સુગર ફેકટરીને કરવાથી જરૂરી માર્ગદાર્શન સમયસર મળી રહેતું હોવાથી જીવાતનું નિંયત્રણ કરવામાં સરળતા રહે છે.

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.