શેરડીનો ચીકટો (મિલીબગ) શેરડીનો ચીકટો (મિલીબગ):
--------------------
બચ્ચાં અને પાંખ વગરની માદા નાના ગુલાબી અંડાકાર હોય છે તથા તેમનું શરીર સફેદ રંગના મીણીયા પાવડરથી ઢંકાયેલુ હોય છે. નર કીટક કદમાં નાના અને એક જોડી પાંખ ધરાવતા હોય છે. આ જીવાતનો ઉપદ્રવ સાંઠા બંધાયા પછી જોવા મળે છે. આ જીવાત સમૂહમાં કુમળા સાંઠાની નીચેની આંતરગાંઠો પર રહે છે જે આવરક પર્ણતલથી ઢંકાયેલ હોય છે. બચ્ચાં અને માદા કીટક રસ ચૂસીને નુકસાન કરે છે. ઉપદ્રવિત સાંઠા રોપણી માટે બીન ઉપયોગી થઈ જાય છે. ખાંડની ગુણવત્તા પર માઠી અસર થાય છે. આ જીવાતના શરીરમાંથી મધ જેવો ચીકણો પદાર્થ ઝરે છે જેના પર કાળી ફૂગ વિકાસ પામે છે. આ મધ જેવા ચીકણા પદાર્થ તરફ કીડીઓ આકર્ષાઈ છે.
સંકલિત વ્યવસ્થાપન:
---------------
o આ જીવાતનો ઉપદ્રવ ઘટાડવામાં કીટકમુકત શેરડીના કટકા બિયારણ માટે પસંદ કરવા.
o પાકની રોપણીના છ મહિના બાદ આ જીવાતનો ઉપદ્રવ જોવા મળે તો છોડની નીચેની ચાર થી પાંચ આંતરગાઠોની પતારી કાઢી નાંખવાથી ઉપદ્રવની માત્રામાં ઘટાડો કરી શકાય.
o શેરડીની ભીંગડાવાથી જીવાત પર નભતા પરભક્ષી કીટકો જેવા કે કાયલોકોરસ નીગ્રીટસ, ફેરોસાયમ્નસ હોર્ની થી આ જીવાતનું કુદરતી રીતે જૈવિક નિયંત્રણ થતું જોવા મળે છે. આ જીવાતના ઉપદ્રવ વખતે ઉપરોકત પરભક્ષી દાળીયા જોવા મળે તો જંતુનાશક દવાઓના છંટકાવ મુલત્વી રાખવો જોઈએ.
o ભીંગડાવાળી જીવાત અને ચીકટોના રાસાયણિક નિયંત્રણ માટે કાર્બોફ્યુરાન ૩ ટકા દાણાદાર દવા હેકટરે ૨૦ કિ.ગ્રા. પ્રમાણે જમીનમાં આપવાથી સારી રીતે નિયંત્રણ થઈ શકે છે. વેધકોના નિયંત્રણ માટે દાણાદાર દવાઓનો ઉપયોગ કર્યો હોય તો આ જીવાતોનું નિયંત્રણ પણ થઈ શકે છે.