અઝોલા પાણીમાં થતી વનસ્પતિ છે અને તેના પાનમાં બ્લુ ગ્રીન આલ્ગી (લીલ) રહેલી હોવાથી તે હવામાંનો નાઈટ્રોજન સંયોજીત કરી શકે છે અને પોતાના નાઈટ્રોજનની સમગ્ર જરૂરીયાત હવામાંના નાઈટ્રોજનમાંથી પૂરી કરી શકે છે. અઝોલાની કુલ સાત જાતો છે. તેમાંથી આપણા દેશમાં પાંચ જાતો પ્રચલિત છે જે પૈકી અઝોલા પીનાટા સારી અને સૌથી સફળ પુરવાર થઈ છે. તાજા અઝોલામાં ૦.૨થી ૦.૩ ટકા તેમજ સૂકા અઝોલામાં ૩થી ૫ ટકા નાઈટ્રોજન આવેલો હોય છે.
ગુજરાતની કૃષિ યુનિવર્સિટીઓનાં વિવિધ સંશોધન કેન્દ્રો ઉપર થયેલા સંશોધન મુજબ નીચાણવાળી ક્યારીમાં કે પિયતથી થતા ડાંગરનાં પાકમાં ડાંગરની સાથે અઝોલાની ખેતી કરવામાં આવે છે. ડાંગરની ફેરરોપણી બાદ ૩-૫ દિવસે હેકટરે ૫૦૦-૧૦૦૦ કિ.ગ્રા. તાજા અઝોલા પૂંખી દેવાથી ૧૫-૨૦ દિવસમાં આખી ક્યારી અઝોલાથી ભરાઈ જાય છે, જેને જમીનમાં દબાવવાથી હેકટરે ૧૦-૧૨ ટનનો અઝોલાનો લીલો પડવાશ થાય છે, જેનું ૫-૧૦ દિવસમાં વિઘટન થઈ ૨૫-૩૦ કિલો નાઈટ્રોજન છૂટો થઈ ડાંગરને મળે છે. અઝોલા જમીનમાં દબાવતી વખતે તમામ અઝોલા તેના ઓછા વજન તેમજ નાના કદને લઈને દાબી શકાતા નથી. જે ફરીથી ખેતરમાં વૃદ્ધિ પામે છે, અને ૧૦-૧૫ દિવસે બીજો ૨૫-૩૦ કિલો નાઈટ્રોજન પૂરો પાડે છે. આમ અઝોલાના બે પાક ડાંગરની સાથે જ લેવાથી ડાંગરમાં ૬૦ કિ.ગ્રા. નાઈટ્રોજનની ચોખ્ખી બચત થાય છે. ફેરરોપણી વખતે જરૂરી જથ્થામાં તાજા અઝોલાની નર્સરી બનાવવી જરૂરી છે.
અઝોલા ડાંગરની ક્યારીમાં ડાંગરની
અઝોલાના ફાયદા
- રોપાણ ડાંગરની સાથે અથવા અન્ય પાકમાં લીલા પડવાશ તરીકે વાપરી શકાય છે.
- રોપાણ ડાંગર સાથે અઝોલાની વૃદ્ધિ કરવાથી હેકટરે ૮-૧૨ ટન અઝોલાનો જથ્થો ખેતરમાં તૈયાર થાય છે. એક ટન અઝોલાનો પડવાશ આશરે ૪ કિ.ગ્રા. સેન્દ્રિય નાઈટ્રોજન આપે છે.
- રોપાણ ડાંગર સાથે અઝોલાની સંયુક્ત ખેતી કરવાથી ડાંગરની ૨૫-૫૦ ટકા નાઈટ્રોજનયુક્ત ખાતરની ગરજ સારે છે.
- ડાંગરની કયારીમાં થતાં નીંદણોનું આશરે ૫૦ ટકા નિયંત્રણ કરે છે.
- ડાંગરની સાથે અઝોલા મચ્છરનું આંશિક નિયંત્રણ કરે છે.
- ડાંગરની ચૂસિયા, બી.એલ.બી.નો ઉપદ્રવ ઘટે છે.
- ડાંગરના ઉત્પાદમાં ૮-૧૦ ટકા ફાયદો થાય છે.
- જમીનમાં નીમેટોડની સંખ્યા ઘટે છે.
- પિયત, બિનપિયત ઘઉં, મગફળી, બટાટા, શાકભાજી, તમાકું વગેરે પાકોમાં સૂરા અઝોલા મોંઘા અખાધ ખોળની અવેજીમાં વાપરી શકાય છે.
- લીલા તેમજ સૂકા અઝોલા પશુ અને માછલી તેમજ મરઘાંને પૂરક આહાર તરીકે આપી શકાય.