અઝોસ્પાઈરીલમ જીવાણુનો બાયોફર્ટીલાઈઝર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આ એક પ્રકારના સૂક્ષ્મ જીવાણુ છે. તેનું કદ મિલિમીટરના હજારમાં ભાગનું તેમજ આકાર અડધો વળેલો સર્પાકાર હોય છે. તેમનું કાયમી નિવાસસ્થાન ખેતરની માટી છે. એઝોસ્પીરીલમ જીવાણુઓ પાકના મૂળના સંપર્કમાં રહીને હવામાંનો નાઈટ્રોજન સ્થિર કરી છોડને પૂરો પાડે છે. જમીનની ફળદ્રુપતા સાચવવામાં તેમનો મોટો ફાળો છે. રાઈઝોબિયમ જીવાણુની જેમ આ જીવાણુઓ પણ હવામાં રહેલ મુકત નિષ્ક્રિય નાઈટ્રોજનને સ્થિર કરી એમોનિયા બનાવી શકે છે. રાઈઝોબિયમ જીવાણુઓ કઠોળ વર્ગના પાકના મૂળ ઉપર નાની નાની ગાંઠો બનાવે છે. જયારે અઝોસ્પાઈરીલમ જીવાણુઓ મૂળમાં દાખલ થાય છે. પરંતુ કોઈ ગાંઠો બનાવતા નથી. આ જીવાણુઓ પણ ર૦-૪૦ કિ.ગ્રા. નાઈટ્રોજન/હે. સ્થિર કરવાની ક્ષમતા રાખે છે. વધારામાં વિવિધ પ્રકારના વનસ્પતિ વૃધ્ધિવર્ધકો બનાવી છોડના વિકાસમાં મદદ કરે છે. વૈજ્ઞાનિક પ્રયોગોથી એવું સિધ્ધ થયુ છે કે આ જીવાણુઓ ક્ષારીય-ભાસ્મિક જમીનને નવસાધ્ય કરવામાં મદદ કરે છે અને પાકનું ઉત્પાદન વધારે છે.
અઝોસ્પાઈરીલમ બાયોફર્ટીલાઈઝરનો ડાંગરના પાકમાં જૈવિક ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે તો હેકટરે ર૦ થી ૩૦ કિલો હવામાંનો નાઈટ્રોજન જમીનમાં સ્થિર કરવાની તાકાત ધરાવે છે.