જમીન અને આબોહવા:
------------------
ગોરાડુથી મધ્યમ કાળી અને ભાઠાની સારા નિતારવાળી ફળદ્રુપ જમીન વધુ માફક આવે છે તેમ છંતા રેતાળ જમીનમાં પુરતા પ્રમાણમાં સેન્દ્રિય તત્વ ઉમેરી આ પાકની ખેતી કરી શકાય છે. મે માસ દરમ્યાન જમીન ખેડી તપવા દેવી. ચોમાસા પહેલા ૧પ થી ર૦ ટન સારૂ કહોવાયેલું છાણિયું અથવા ગળતિયુ ખાતર નાંખવું. શકય હોય તો જૂનના છેલ્લા અઠવાડિયામાં અથવા જુલાઈના પ્રથમ અઠવાડિયામાં શણ જેવા પાકનો લીલો પડવાશ કરવો.
મરચી સમશીતોષ્ણ આબોહવાવાળા વિસ્તારમાં વર્ષાયુ અને ઉષ્ણ આબોહવાવાળા વિસ્તારમાં બહુવર્ષાયુ વૃધ્ધિ કરનારો છોડ છે. આ પાક ર૦૦૦ મીટરની ઊંચાઈ સુધી ઉગાડી શકાય છે. ભારતમાં આ પાકની વર્ષાયુ પાક તરીકે ખેતી કરવામાં આવે છે. આ પાકના વૃધ્ધિકાળ દરમ્યાન ગરમ અને સૂકું જયારે ફૂલ-ફળ આવવાના સમયે ઠંડુ અને સૂકું હવામાન માફક આવે છે. સામાન્ય રીતે ર૧૦ થી રપ૦સે. ઉષ્ણતામાન આદર્શ ગણાય છે. વધુ ગરમી અને ઉંચા ઉષ્ણતામાનને કારણે ફૂલ અને ડાળીઓ ચીમળાઈ જાય છે, તેમજ પરાગરજ સૂકાઈ જવાના કારણે છોડ ઉપર ફળ ખૂબ ઓછા વિકાસ પામતા હોય છે. ૩પ૦સે. કરતાં વધારે તાપમાનના કારણે મરચાં ઉપર દાઝવાના ડાઘા પડતા હોય છે જયારે ખાસ કરીને ફલિનીકરણના અભાવે ફળ બેસતા નથી અથવા તો બી વગરના અથવા ઓછા બી વાળા નાના ફળ રહેતા હોય છે. ખૂબ જ નીચા તાપમાનને કારણે આ પાકને હિમ લાગતું હોય છે. વધુ પડતો અને સતત વરસાદ ફળ અને ફૂલ બેસવાને અસર કરે છે, ફળ-ફૂલ ખરી પડતા હોય છે તેમજ મોટા લીલાં ફળ કહોવાઈ જતા હોય છે. ફળ, ફૂલ આવવાના સમયે ભેજની ખેંચના કારણે પણ ફળ-ફૂલ ખરી પડતા હોય છે.