વાવણી સમય અને પદ્ધતિ:
---------------------
મરચીની રોપણી માટેનો આદર્શ સમય ૧પ ઓગસ્ટથી ૧પ સપ્ટેમ્બર વચ્ચેનો સમયગાળો ગણાય. આ સમયગાળા દરમ્યાન ઝરમર હળવો વરસાદ પડતો હોય ત્યારે ફેરરોપણી કરવાથી છોડ સારી રીતે ચોંટી જાય છે. સામાન્ય રીતે પ થી ૬ અઠવાડિયા પછી ધરૂની ઊંચાઈ ૧પ થી ર૦ સે.મી. જેટલી થાય ત્યારે તંદુરસ્ત ધરૂ પસંદ કરી બે ચાસ અને બે છોડ વચ્ચે ૬૦ સે.મી. (જમીનની પ્રત અને ફળદ્રુપતા પ્રમાણે રોપણી અંતરમાં વધઘટ કરવી) અંતર રાખી, એક ખામણા દીઠ બે છોડ રોપવા. આ બે છોડ વચ્ચે પ સે.મી. જેટલું અંતર રાખવું. છોડના થડમાં માટીનો લૂઓ મુકી બરાબર દબાવવા તેથી જમીનમાં પોલાણ ન રહે, જમીનમાં પોલાણ રહેવાથી રોપેલ છોડ ઢળી પડે છે, મૂળમાં પાણીનો ભરાવો થવાથી મૂળ કોહવાઈ જાય છે પરિણામે છોડ ચીમળાઈ મરી જાય છે. છોડની રોપણી ઉગાડેલ ચાસની એક બાજુએ કરવી જેથી છોડના થડમાં પાણીનો ભરાવો ન થાય. રોપણી પછી ૧૦ થી ૧ર દિવસ બાદ ખાલાં પૂરવાં તેમજ વરસાદમાં પડી ગયેલા છોડ ઉભા કરી થડમાં માટી દબાવવી.