પાક ની અગત્યતા:
--------------
ટામેટા શાકભાજી પાકોમાં બટાટા પછી બીજા નંબરનું સ્થાન ધરાવતો સોલેનસી કૂળનો પાક છે. દુનિયાના મોટાભાગનું વિસ્તારમાં વાવેતર થતો આ પાક મોખરાનું સ્થાન ધરાવે છે. ગુજરાતમાં અંદાજીત ર૦ થી રર હજાર હેકટર વિસ્તારમાં વાવેતર થાય છે. તેમજ રોકડીયા પાક તરીકેનું સ્થાન હોય, દિવસે દિવસે ઉપયોગ અને માંગ વધારવાથી વાવેતર વિસ્તાર વધતો જાય છે. આપણા રાજયમાં વડોદરા, આણંદ ખેડા, અમદાવાદ, સુરત, ભરુચ અને મહેસાણા જીલ્લાઓમાં ટામેટાનું વિશેષ પ્રમાણમાં વાવેતર થાય છે, જયારે અન્ય જીલ્લાઓમાં વત્તા ઓછા પ્રમાણમાં વાવેતર જોવા મળે છે. ટામેટાનો ઉપયોગ રોજીંદા શાકભાજી-દાળ, કચૂંબર તેમજ કેચપ, સુપ, સોસ, જામ, જેલી, પ્યુરી જેવી બનાવટોમાં બહોળો પ્રમાણમાં થાય છે. ટામેટામાંથી કાર્બોહાઈડ્રેટસની ૩.૬ ગ્રામ, પ્રોટીન ૧.૯ ગ્રામ, ક્ષાર ૦.૬ ગ્રામ, ચરબી ૦.૧ ગ્રામ પ્રમાણે પ્રતિ ૧૦૦ ગ્રામ વજનમાંથી મળે છે. આ ઉપરાંત પોટેશિયમ, સોડિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ વગેરે વિપુલ પ્રમાણમાં મળે છે. વિશેષમાં ટામેટામાંથી વિપુલ પ્રમાણમાં પ્રજીવક `એ` અને`સી` ઉપલબ્ધ થાય છે. વધુમાં ટામેટામાં રહેલ લાઈકોપીન નામનું તત્વ એન્ટીઓકસીડન્ટ તરીકે ખૂબ જ અગત્યનું છે.
વિશેષમાં ટામેટા આયુવેદિક દ્રષ્ટિએ પણ ખૂબ જ અગત્યતા ધરાવે છે જે રૂચિકારક, શરીરની નિર્બળતા, મંદાગ્નિ અને લોહિ સુધારક તરીકે ખૂબ જ ઉપયોગી છે. આ ઉપરાંત વાયુશામક અને કબજીયાતમાં પણ ઉપયોગી માલુમ પડેલ છે.