ખેતી કાર્યો:
------------
(ક) મંડપ અથવા ટેકા પધ્ધતિ
------------------------
ટામેટાની અનિયત્રિત વૃધ્ધિવાળી સુધારેલ/સંકર જાતોના વધુ ઉત્પાદન તેમજ ફળોની ગુણવત્તા માટે છોડને ટ્રેઈલિંગ (સ્ટેકીંગ) કરી મંડપ ઉપર ટેલિફોન પધ્ધતિથી ચઢાવવામાં આવે છે. આ પધ્ધતિ માટે ટામેટાની ફેરરોપણી કરેલ દરેક ચાસે ૩ થી ૪ મીટરના અંતરે સીમેન્ટ અથવા લાકડાના થાંભલા રોપી તેને ચાસની દિશામાં ગેલ્વેનાઈઝ તારથી બાંધવામાં આવે છે અને છોડની દરેક ડાળીને પ્લાસ્ટિક સૂતરી અથવા દોરાથી તારને ટેકા આપવામાં આવે છે. આ પધ્ધતિથી છોડને પૂરતા પ્રમાણમાં પ્રકાશ મળે છે. સાથે સાથે ફળ જમીનથી અળગા રહેવાથી બગાડ થતો નથી તેમજ વીણી કરવા માટે અનુકૂળ પડે અને રોગ જીવાત નિયંત્રણ માટે અસરકારક જંતુનાશક દવાનો છંટકાવ કરી શકાય છે. આ પધ્ધતિથી આર્થિક ૩૦ થી ૩પ ટકા વધુ ખર્ચ આવે છે. પરંતુ તેની સરખામણીમાં ઉત્પાદન વધુ અને ફળોની ગુણવત્તા ઉંચી મળવાથી આર્થિકક્ષમ ભાવો મળી રહે છે.
(ખ) ગ્રીનહાઉસ પધ્ધતિ
------------------
આ પધ્ધતિથી ઓફ સિઝનમાં ટામેટાનો પાક નાના પાયામાં લઈ શકાય છે. ઓછો ખર્ચવાળુ ગ્રીનહાઉસ બનાવી ટામેટાની હાઈબ્રિડ જાતોને પ૦ સે.મી. × ૬૦ સે.મી. ફેરરોપણી કરી ૧પ૦ ટકા વધુ ઉત્પાદન મેળવી ૩૦ ટકા પિયતના પાણીનો બચાવ થઈ શકે છે.