મોલો-મશી:મોલો-મશી:
--------
બચ્ચાં તેમજ પુખ્ત મોલો કાળાશ પડતા રંગની અને તેનાં શરીરનાં પાછળનાં ભાગમાંથી નળી જેવા બે ભાગ (કોર્નિકલ્સ) બહાર દેખાય છે. શરૂઆતમાં છોડ પર જુજ સંખ્યામાં જોવા મળે છે, પરંતુ માદા સીધે સીધી બચ્ચાંને જન્મ આપે છે, જેનાં લીધે અસંખ્ય સમૂહ બની જાય છે. મોલો કદમાં ૧ થી ૨ મી.મી. લાંબી, પોચા શરીરવાળી અને લંબગોળ હોય છે. મોસમના અંત ભાગમાં અથવા પાક પરિપક્વ થવાના દિવસોમાં તેને પારદર્શક પાંખો ફૂટે છે. જેનાથી તે સ્થળાંતર કરે છે. મોલોની અસંખ્ય કોલોની છોડની કુમળી ડાળી, પાન અને શિંગો પર ચોંટેલી જોવા મળે છે. બચ્ચાં તેમજ પુખ્ત તેનાં મોઢાનો સૂંઢ જેવો ભાગ કુમળી ડૂંખોમાં ખોસી તેનો રસ ચૂસે છે. પરિણામે પાન પીળા પડી જાય છે. છોડની વૃધ્ધિ અટકે છે. વધુ પડતો ઉપદ્રવ હોય તો છોડની ટોચ અને શિંગો કોકડાઇ જાય છે, જેની ઉત્પાદન અને ગુણવત્તા પર માઠી અસર થાય છે. મોલો પોતાના શરીરમાંથી મધ જેવો ચીકણો પદાર્થ બહાર કાઢે છે, જે પાંદડાની સપાટી પર ચોંટે છે અને પાન ચળકતા દેખાય છે, જેને ખેડૂતો ‘મધિયો’ આવ્યો તેમ કહે છે. આ પદાર્થ પર કાળી ફૂગ સ્થિર થઇ વૃધ્ધિ પામે છે. જેના લીધે આખા છોડ કાળા રંગના દેખાય છે. પાન કાળા થઇ જતાં પ્રકાશસંશ્વલેષણની ક્રિયામાં અવરોધ ઊભો થાય છે.
સંકલિત વ્યવસ્થાપન:
---------------
o ખેતરમાં મોલોના ઉપદ્રવની સાથે જ કુદરતી રીતે તેનાં પરભક્ષી કીટક ડાળીયાં (લેડીબર્ડ બીટલ) પણ આવે છે. જેનાં પુખ્ત તેમજ ઇયળ (કાળા રંગની પીળાં પટ્ટાવાળી) મોલોને ખાઇ જઇ વસ્તીમાં ઘટાડો કરે છે. આ સમયે દવાનો છંટકાવ ટાળવો.
o પરભક્ષી ક્રાયસોપાની ઇયળ પણ મોલોને ખાઇ જાય છે.
o વધુ ઉપદ્રવ જણાય અને પરભક્ષી કીટકોની ગેરહાજરી હોય તો મિથાઇલ-ઓ-ડીમેટોન ૨૫ ઇસી ૧૦ મિ.લિ અથવા ઇમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૪ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવાથી આ જીવાતોનું અસરકારક નિયંત્રણ કરી શકાય.